સુરતમાં રીંગરોડ બ્રિજ રીપેરીંગ માટે બંધ કરાયા બાદ ડાયવર્ઝન સાથે બાઈક લઈને અથડાયેલા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કાળનો કોળિયો બનેલો યુવક બે બહેનો એકનો એક ભાઈ અને માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ઘોડદોડ રોડથી રાત્રે ઘરે જવા ઉધના દરવાજા બ્રિજ નીચે ડાયવર્ઝન સાથે બાઇક ભટકાતા ઇજાગ્રસ્ત યુવકને સિવિલ લવાયો હતો. જ્યાં તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પિતા પુત્રના મોતના સમાચાર સાંભળી શોકમાં સરી પડ્યા
પરિવારે જણાવ્યું હતું કે હેમંત કુમાર હર્ષદભાઈ પ્રજાપતિ (ઉ.વ. 22) કતારગામ મગનનગરનો રહેવાસી હતો. સોરાષ્ટ્રના વતની એવા મગનભાઈ ટેલરિંગના કામકાજ સાથે સંકળાયેલા છે. બે દીકરી અને એકના એક દીકરાના પિતા પુત્રના મોતના સમાચાર સાંભળી શોકમાં સરી પડ્યા છે. હેમંત પિતા સાથે જ ટેલરિંગનું કામકાજ કરતો હતો.
સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયો
વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારની સાંજે હેમંત પોતાની બાઇક ઉપર ઘોડદોડ ઉપરથી ઘરે જવા ઉધના દરવાજા થઈ કતારગામ આવવા નીકળ્યો હતો. રીંગરોડ ફ્લાઈ ઓવર બ્રિજ રીપેરીંગ માટે બંધ કરાયો હોવાથી અપાયેલા ડાયવર્ઝન સાથે બાઇક ભટકાતા હેમંતને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જમીન પર પડેલા હેમંતને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાતા મૃત જાહેર કરાયો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.