સુરતના ડિંડોલી વિસ્તારની પરિણીતાએ મેરેજ એનિવર્સરીના દિવસે જ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લગ્નમાં 10 અને ફરી 5 તોલા સોનુ આપ્યું છતાં પતિ સહિતના સાસરીયા દહેજ માટે ત્રાસ આપતા હોવાથી તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસમાં નોંધાઇ છે. પરિણીતાના અકાળે મોતથી તેણીના ચાર વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
ઘરમાં છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાધો
મળતી માહિતી મુજબ ડિંડોલી સ્થિત મધુરમ સર્કલ પાસે આવેલી શ્યામવિલા રેસીડેન્સીમાં રહેતી નેહા વિનોદ બોરસે (ઉ.વ. 26)ની મંગળવારે સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. નેહાએ ઘરમાં છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતક નેહાના પિતાએ ડીંડોલી પોલીસમાં તેણીના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
14 માર્ચના રોજ લગ્ન અને 14 માર્ચે જ આપઘાત
ફરિયાદ મુજબ વિનોદ ભગવાન બોરસે સાથે નેહાના 14 માર્ચ 2017ના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ પાતે વિનોદ, સાસુ ચમંગા, સસરા ભગવાન અને નણંદ દિપાલી દહેજ માટે નેહાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી જઈ તેણીએ મંગળવારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. એક તબક્કે મૃતક નેહાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવ અંગે ડિંડોલી પોલીસે મૃતક નેહાબેનના પતિ વિનોદ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લગ્નમાં કરિયાવરમાં 10 તોલા સોનુ આપ્યું હતું
ફરિયાદમાં પિતાએ જણાવ્યું છે કે, 14 માર્ચ 2017ના રોજ મારી દિકરીને લગ્ન વખતે કરીયાવરમાં તમામ ઘર વપરાશનો સર સામાન આપ્યો હતો. આ સાથે દશ તોલા સોનુ પણ આપ્યું હતું. મારી દીકરી નેહા તેની સાસરીમાં રહેવા આવી હતી અને મારી દીકરીને નેહા થોડા સમયમાં તેની સાસરીમાં રહેલ અને વાર તહેવાર અથવા સારા ખરાબ પ્રસંગે અમારા ત્યા આવતી તે વખતે મારી દીકરી જણાવતી કે, તેના સાસુ, સસરા અને તેનો પતિ કહેતા કે, લગ્નમાં તેના માતા પિતાએ ઓછું સોનુ આપ્યું છે અને તું હજી પાંચ તોલા સોનુ તારા માતાપિતા પાસેથી લઇ આવવાનું કહેતા હતો. મારી દીકરીએ હવે મારા માતાપિતાથી સગવડ નહીં થશે તેમ કહેતા તેણી સાથે તેઓ ઝઘડો તકરાર કરી શારીરીક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાની વાત કરી હતી.
પાંચ તોલા સોનાની માગ કરતા ફરી આપ્યું
વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીને તેના પતિ, સાસુ, સસરા વધારે હેરાન પરેશાન ન કરે અને તેણીનું ઘર સંસાર બગડે નહી તે માટે મારી દીકરીના કહેવા મુજબ તેના પતી વિનોદને ફરી પાંચ તોલા સોનુ દોઢક વર્ષ પહેલા આપ્યું હતું. મારી દીકરીએ જણાવ્યું હતું કે તેની નણંદ દિપાલી યોગેશ પાટીલ અવાર નવાર સુરત ખાતે આવતી ત્યારે ચઢામણી કરતી અને કહેતી કે, તું ગામડાની છે અને તને કંઇ કામ કરતા કે રહેતા આવડતું નથી તેવી ખોટી રીતે ચઢામણી કરી મારી દિકરીને માનસીક ત્રાસ આપતી હતી. આ સાથે મારી દિકરીની હાજરીમાં અપશબ્દો બોલતી હતી.
પરિણીતાને ઘરની બહાર જ નીકળવા દેતા ન હતા
વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીને તેનો પતિ, સાસુ, સસરા અમારા કોઇ સગાસંબંધીને ત્યાં કોઇ પણ પ્રસંગે જવા દેતા ન હતા અને નવાગામ ખાતે રહેતી તેણીની સગી માસી શોભાબેનને ત્યાં જવા કહેતા ત્યાં પણ જવા દેતા ન હતા. અને ગત 13 માર્ચના રોજ મારા સગા કાકીનુ અવસાન થતા તેમની અંતીમવિધિમાં આવવા માટે મે મારા જમાઇ અને વેવાઇને સાંજના આઠેક વાગ્યાના આસપાસ ફોન કરી જાણ કરી હતી અને મારી દીકરીને આવવા માટે જાણ કરવા કહ્યું હતું. જોકે, મારી દીકરીને આવવી દીધી ન હતી.
ત્રાસથી કંટાળી આખરે અંતિમ પગલું ભર્યું
વધુમાં જણાવ્યું હતું કે, ગત રોજ મારા દીકરાના સસરાએ સાડા બારેક વાગ્યાના અરસામાં ફોન કરી કહ્યું હતું કે નેહાની તબિયત બગડી છે અને સિરિયસ છે. જેથી મે મારી દીકરીના સસરાને ફોન કરતા ફોન ઉપાડેલ નહી. જેથી મેં મારા સાઢુભાઇના દીકરાને ફોન કરી તપાસ કરવા કહેતા નેહાએ તેના ઘરમા ઉપરના રૂમમાં હુંક સાથે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આપધાત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મારી દીકરી નેહાને તેણીના લગ્ન બાદથી તેના સાસુ, સસરા, નણંદ અને પતિ શારીરીક અને માનસિક ત્રાસ આપતા આપઘાત કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.