સેકન્ડમાં મશીનરી ખરીદીને બેન્કમાં નવી મશીનરીના બિલ મૂકી લોન અને સબસિડીના લાભો મેળવનારાઓ ફરતે જીએસટી વિભાગે જુદા-જુદા ત્રણ કાયદાના ભંગ બદલ તપાસ આદરી છે. સચિન, પાંડેસરા,વરાછા અને કતારગામ સહિતના વિસ્તારમાં કુલ 10થી વધુ મશીનરી ખરીદનારાઓને ત્યાં તપાસ કરવામાં આવી છે.
મોટાભાગે એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ મશીનરી ખરીદનારાઓ ભેરવાયા છે. બોગસ બિલ આપનારા પણ સપાટામાં આવી ગયા છે. કરોડો રૂપિયાનું સ્કેન્ડલ બહાર આવે એવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. આ ઉપરાંત બિલ વગર જ મશીનરી ખરીદીના કાંડમાં પણ જીએસટી વિભાગ તપાસ કરી રહ્યો છે. જેમાં જીએસટી બચાવવા માટે બિલ વગર જ મશીનરી ખરીદી તેને ઇન્સ્ટોલ કરી દેવામાં આવતી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારની 25% સુધીની સબસિડી ખોટી રીતે લેવાઈ
જીએસટી સૂત્રો કહે છે કે સમગ્ર કૌભાંડમાં ત્રણથી વધુ કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી સમજાવતા સૂત્રો કહે છે કે મશીનરી ખરીદી પર કેન્દ્ર અને રાજય સરકાર 25 ટકા સુધીની સબસીડી આપે છે.
કેટલાંક ખરીદારોએ એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ મશીનરી સેકન્ડમાં ખરીદી હતી અને તેના બિલ બજારમાંથી નવી મશીનરી તરીકેના ખરીદીને વિવિધ બેન્કોમાં રજૂ કર્યા હતા અને તેમાં મશીનરીના કોટેશન મૂકીને લોન લીધી હતી અને તેની પર સરકારી સબસિડી પણ વસુલી હતી. આ મશનરી ખરીદી પર જીએસટીમાંથી પણ ક્રેડિટ લેવામાં આવી હતી. આ ઉપરાંત મની લોન્ડરિંગ એક્ટનો પ ભંગ કરવામાં આવ્યો હતો ઉપરાંત બેન્કિંગ એક્ટનો પણ ભંગ કરાયો હતો.
બિલ આપનારાઓની તપાસનો રેલો ખરીદનારા સુધી પહોંચી ગયો
જીએસટી અધિકારીઓને બાતમી મળી હતી કે નવી મશીનરીના બિલ બે થી ત્રણ ટકા કમિશન સાથે આપવામાં આવી રહ્યા છે, આવા ચાર થી પાંચ બિલ આપનારાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને ત્યાંથી મળેલી માહિતીના આધારે સેકન્ડમાં મશીનરી ખરીદનારાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. સમગ્ર કાંડમાં વિજય નામનો બિલ આપનારઓ એક વચેટિયો પણ ભેરવાયો હોવાની માહિતી મળી રહી છે.
બેંકનો શું રોલ? સેકન્ડના મશીન ગોઠવાયાં બાદ બેંકોએ ચકાસણી કરી કે કેમ એ સવાલ
જીએસટી સૂત્રો કહે છે કે સેકન્ડમાં મશીનરી ખરીદવાના કેસમાં બેન્કો દ્વારા જે લોન આપવામાં આવી છે તેમાં અપાયેલી લોન અને સબસિડી મામલે અન્ય એજન્સી તપાસ કરે તો બેન્કો સુધી રેલો જઇ શકે છે.
સેકન્ડમાં જે મશીનરી ખરીદાઈ છે તેની ચૂકવણી તો સબસીડીમાંથી થઈ ગઈ છે અને બાકીની 75 ટકા રકમ તો લોન લેનારાઓ પાસે વધારાની જ આવી છે. હવે બેન્કોના હપ્તા હાલ ભરાઈ રહ્યા હોવાથી બેન્કોએ આ દિશામાં કોઈ તપાસ શરૂ કરી નથી. પરંતુ સેકન્ડની મશીનરી ગોઠવાઈ ગયા બાદ તેની ચકાસણી બેન્કો દ્વારા કરવામાં આવી કે કેમ એ સવાલ હાલ ચર્ચા સ્થાને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.