તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખું સ્ક્રોલ પેઇન્ટિંગ:સુરતની 17 વર્ષીય જાનવીએ 101 ફૂટના કેનવાસ પર કંડાર્યું સંપૂર્ણ રામાયણ, ધો.9માં કરેલી શરૂઆત ધો. 12માં પૂર્ણ

સુરતએક મહિનો પહેલા
101 ફૂટના કેનવાસ પર ભગવાન રામના જીવનચરિત્ર પર પેઇન્ટિંગ.
  • ચાર વર્ષ ને 5 મહિનાના સમયગાળામાં ભવ્ય પેઇન્ટિંગ તૈયાર કર્યું
  • પેઇન્ટિંગ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સ્થાન મેળવે એવી ઈચ્છા

સુરતની 17 વર્ષીય જાનવી વેકરિયાએ ભગવાન રામના જીવનચરિત્ર પર એક અનોખું સ્ક્રોલ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. જાનવીએ 101 ફૂટ લાંબા કેનવાસ પર ગુજરાતની પરંપરાગત કલા શૈલીમાં ચિત્ર સ્વરૂપે કંડારી છે. તે જ્યારે ધોરણ 9માં હતી ત્યારે આ પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. જ્યારે પણ તેને સમય મળતો હતો ત્યારે તે કેનવાસ પર ભગવાન શ્રીરામના જીવનચરિત્રને ચિત્રના માધ્યમથી વર્ણન કરતી હતી. તેનું આ પેઈન્ટિંગ ધોરણ 12માં આવ્યા પછી પૂર્ણ થયું છે. ખાસ કરીને કોરોનાકાળમાં જ્યારે તેને સમય મળ્યો એને કારણે જ તેણે આ પેઇન્ટિંગ કરવાની તક ઝડપી લીધી હતી. આશરે પાંચ મહિના સુધીનો સમયગાળો આ ચાર વર્ષ દરમિયાન તેને મળ્યો, જેમાં તેણે આ ભવ્ય પેઈન્ટિંગ તૈયાર કર્યું છે.

પેઈન્ટિંગને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુકમાં સ્થાન
રામજન્મથી લઈને રાવણવધ સુધીના રામાયણમાં આવતા 15 જેટલા મુખ્ય પ્રસંગોને તેણે પેઇન્ટ કર્યા છે. જાનવીના આ પેઈન્ટિંગને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુકમાં સ્થાન મળ્યું છે. ગુરુકુળમાં જઈને અભ્યાસ, સ્વયંવર, સીતાહરણ, લંકાદહન સહિત રાવણવધને અદભુત કલાકારીથી જાનવીએ કેનવાસમાં સમાવ્યા છે. તેણે નાની નાની બાબતો અંગેનું ધ્યાન રાખ્યું છે. અયોધ્યા અને વનવાસમાં જંગલ કેવું દેખાતું હશે એની પણ ખૂબ જ કાળજી લઈને ચિત્રકારી કરી છે. નેચર ડ્રાય સોલિડ કલરથી જ તેણે આ પેઈન્ટિંગ બનાવ્યું છે.

ચાર વર્ષ દરમિયાન જ્યારે પણ સમય મળતો ત્યારે જાનવી પેઇન્ટિંગ કરતી હતી.
ચાર વર્ષ દરમિયાન જ્યારે પણ સમય મળતો ત્યારે જાનવી પેઇન્ટિંગ કરતી હતી.

ભગવાન રામથી પ્રભાવિત થઈ પેઇન્ટિંગ બનાવ્યું
જાનવી વેકરિયાએ જણાવ્યું હતું કે નાનપણમાં ટીવી પર રામાયણ સિરિયલ જોઈ અને દાદા-દાદી પાસેથી સાંભળેલી રામાયણકથા અને નાના-નાની દ્વારા બનાવવામાં આવતી પેઇન્ટિંગ આ તમામથી પ્રેરણા લઈને આ ખાસ પેઈન્ટિંગ તૈયાર કર્યું છે. ભગવાન રામ તમામ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે, તેઓ હંમેશાં સત્યની સાથે રહ્યા છે અને લોકોની મદદ કરતા રહ્યા છે, તેમનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. જાનવીની માતા વિભા વેકરિયાએ જણાવ્યું હતું કે સારું લાગે છે જ્યારે અત્યાધુનિક યુગમાં પણ ગેજેટની સાથોસાથ મારી દીકરીએ આ ભવ્ય પેઈન્ટિંગ તૈયાર કર્યું છે, જેમાં ભગવાન રામના જીવનચરિત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુરુકુળમાં જઈને અભ્યાસ, સ્વયંવર, સીતાહરણ, લંકાદહન સહિત રાવણવધને અદભુત કલાકારીથી જાનવીએ કેનવાસમાં સમાવ્યા છે.
ગુરુકુળમાં જઈને અભ્યાસ, સ્વયંવર, સીતાહરણ, લંકાદહન સહિત રાવણવધને અદભુત કલાકારીથી જાનવીએ કેનવાસમાં સમાવ્યા છે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથનો સંપર્ક કરશે
જાનવીએ વધુમાં જણાવ્યું હતું કે તેની ઈચ્છા છે કે તેનું આ પેઈન્ટિંગ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં સ્થાન મેળવે અને ખાસ ડિસ્પ્લે રાખવામાં આવે, જેથી ત્યાં આવનારા ભગવાન રામના ભક્તોને એક જગ્યાએ આખી રામકથા જોવા મળે. આ માટે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથનો સંપર્ક પણ તે કરશે. જો આ શક્ય નહીં બનશે તો તે આ પેઈન્ટિંગનું સેલ કરી રકમ મેળવશે. તે પોતાના ચેરિટેબલ ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ લોકો માટે આપશે. ઉલ્લેખનીય છે કે જાનવી ડોનેટ ફોર નીડી સંસ્થા પણ ચલાવે છે, જેમાં તે જરૂરિયાતમંદોને અનાજ કપડાં વગેરે કિટ વિતરણ કરતી હોય છે.

અત્યાધુનિક યુગમાં પણ ગેજેટની સાથોસાથ દીકરીએ ભવ્ય પેઇન્ટિંગ બનાવતાં પરિવારજનો પણ ખુશ.
અત્યાધુનિક યુગમાં પણ ગેજેટની સાથોસાથ દીકરીએ ભવ્ય પેઇન્ટિંગ બનાવતાં પરિવારજનો પણ ખુશ.