જીએસટી લાગુ થયા બાદ સામે આવેલા બોગસ બિલિંગના કેસમાં તબક્કાવાર બદલાતી મોડસ ઓપરેન્ડીમાં હવે નવી જ તરકીબનો ઉમેરો થયો છે. અધિકારીઓના ધ્યાને આવ્યું છે કે કૌભાંડીઓ 5 કરોડથી ઓછી આઇટીસી થાય ત્યાં સુધીના ટ્રાન્ઝેકશન કરીને પેઢી બંધ કરીને નવી પેઢી શરૂ કરી રહ્યા છે. સાઉથ ગુજરાતમાં જ આવા 1 હજારથી વધુ નંબરો શંકાના દાયરામાં આવી ગયા છે. આથી જ આવા કૌભાંડીઓને પકડવા માટે અધિકારીઓને નવનેજા પાણી આવી રહ્યા છે.
દરમિયાન પોલીસ પણ હવે એક્ટિવ થઈ હોય કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપ્યો છે અને કેટલાંક જુના કૌભાંડીઓ દુબઇ ઉપડી ગયા હોવાની માહિતી પણ મળી રહી છે. સી.એ. નિરજ બજાજ કહે છે કે બોગસ બિલિંગમાં કરોડોનું ટ્રાન્ઝેકશ થયા બાદ આઇટીસીનો ખેલ શરૂ થતો હોય છે. સરકારે હજારથી વધુ સુધારા બાદ આ કૌભાંડ અટકાવવા માટે અનેક પગલા લીધા છે જેમા છેલ્લું પગલુ ઇ-ઇનવોઇઝન રૂપી હતી.
CGSTની આખી સિસ્ટમ જ ખાડે, કૌભાંડ ગાજતા હવે ચેકિંગ શરૂ કરાયું
GSTના સૂત્રો કહે છે કે હાલ ધરપકડની સત્તા 5 કરોડની આઇટીસીનું સ્કેન્ડલ થાય પછી છે. આથી કૌભાંડીઓ 40 થી 50 કરોડનું ટર્નઓવર કરી તેની પર 4.50 કરોડ સુધીની ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ)નો ખેલ કરીને જે તે પેઢી બંધ કરી દે છે અને બાદમાં બીજા સ્થળે બીજા ડોક્યુમેન્ટ પર નવી પેઢી શરૂ કરી દે છે અને તેમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી કામ કરે છે. ITCનો ફિગર 5 કરોડની ઉપર જવા દેતા નથી. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે, SGSTમાંં નંબર આપતી વખતે પણ ધ્યાન રખાય છે અને નંબર આપી દીધા બાદ પણ આકસ્મિક ચેકિંગ કરાય છે. પરંતુ CGSTમાં આખી સિસ્ટમ જ ખોરંભે ચઢી છે. સ્પોટ વેરિફિકેશન વગર જ આડેધડ નંબર આપી દેવાય છે. કૌભાંડ બહુ ગાજતા હવે ચેકિંગ શરૂ કરાયું છે.
આઇટીસી એટલે રોકડ નહીં, ટેક્સમા રાહત, 7 વર્ષની સજા
સી.એ. દિપ ઉપાધ્યાય કહે છે કે આઇટીસી એ રોકડ હોતી નથી, પરંતુ તેનો મુખ્યત્વે લાભ ટેક્સની સામે ભરપાઈ કરવામાં વપરાય છે. બોગસ બિલિંગની જાળમાં કૌભાંડીઓની જગ્યાએ કોઈ જેન્યુઅન વેપારી ભેરવાઈ જાય તો તેને ભારે નુકશાન થાય છે. બોગસ બિલિંગના કેસ લડતા એપીપી ધર્મેન્દ્ર પ્રજાપતિ કહે છે કે ક્સ્ટમ એક્ટ હેઠળ સાત વર્ષ અને જીએસટી એક્ટ હેઠળ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.