માથે ઝૂલતું 'જોખમ'!:સુરત સિવિલ હોસ્પિ.નું 50 વર્ષ જુનું બિલ્ડીંગ જર્જરીત, સિઝનલ ફ્લૂની OPDમાં છતના પોપડા પડતા મહિલા સફાઈ કામદાર ઈજાગ્રસ્ત

સુરત2 મહિનો પહેલા
પોપડા પડ્યા ત્યારે ઓપીડીમાં હાજર નર્સ, ટેક્નિશીયન સહિતના ત્રણ-ચાર કર્મચારી બાલબાલ બચ્યાં.
  • ભયભીત કર્મચારીઓએ ટ્રોમા સેન્ટરમાં તબીબી અધિકારીને રજૂઆત કરી

સુરત સિવિલ હોસ્પિટલનું 55 વર્ષ જુનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. વારંવાર છત કે બીમના પોપડા પડી રહ્યાં હોવાની ફરિયાદો વચ્ચે શુક્રવારે સવારે અહીંની સિઝનલ ફ્લૂની ઓપીડીમાં છતના પોપડા પડતા મહિલા સફાઈ કામદારના પગે ગંભીર ઇજા થઈ હતી. જ્યારે ઓપીડીમાં હાજર નર્સ, ટેક્નિશીયન સહિતના ત્રણ-ચાર કર્મચારી બાલબાલ બચ્યાં હતા. આ ઘટના બાદ ભયભીત કર્મચારીઓ ટ્રોમા સેન્ટરમાં તબીબી અધિકારીને રજૂઆત કરી હતી.

મહિલા સફાઈ કર્મીને લોહીલુહાણ હાલતમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાઈ
સિઝનલ ઓપીડીમાં હાલ બહાર ગામ જવા ઇચ્છતા લોકોનું કોવિડ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. શુક્રવારે સવારે સિઝનલ ફ્લૂની ઓપીડીમાં હાજર નર્સ, ટેક્નિશીયન અને વિમલબાઈ પાટીલ (ઉ.વ.65, રહે આર્વિભાવ સોસા. પાંડેસરા) નામની મહિલા સફાઈ કામદાર પોત-પોતાની કામગીરી કરી રહ્યા હતા તે સમયે અચાકન છતનો મોટો પોપડો પડ્યો હતો. જે ઓપીડીમાં સાફ-સફાઈ કરી રહેલી વિમલબાઈના ડાબા પગ પર પડતા ગંભીર ઇજા થઈ હતી. જ્યારે અન્ય કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. બીજી બાજુ ઇજાગ્રસ્ત વિમલબાઈને લોહીલુહાણ હાલતમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાઈ હતી. વિમલબાઈના પગે પાંચ ટાકા આવ્યા હોવાનું જાણવા મળે છે. સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી વચ્ચે બનેલી આ ઘટના સિવિલ કેમ્પસમાં દિવસભર ચર્ચાનો વિષય બની હતી.

વાંરવાર બનતી ઘટનાઓના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ.
વાંરવાર બનતી ઘટનાઓના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ.

વરસાદી માહોલમાં પાણી ટપકવાની સમસ્યા કાયમી
સુરત સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ 50 વર્ષ કરતાય જુનું હોવાનું તબીબોનું કહેવું છે. બિલ્ડિંગમાં ઠેક-ઠેકાણે છત અને બીમમાંથી સળીયા બહાર દેખાવા માડ્યાં છે. જ્યારે ચોથા માળે વરસાદી માહોલમાં પાણી ટપકવાની સમસ્યા કાયમી બની ગઈ છે. હાલ હોસ્પિટલ બિલ્ડિંગમાં મોટા ઉપાડે રિપેરીંગની કામગીરી ચાલી રહી છે. પરંતુ તે ફક્ત નામ ખાતર હોય તેમ વારંવાર બની રહેલી છતના પોપડા પડવાની ઘટનાઓ જોતા લાગી રહ્યું છે. તાજેતરમાં જ ડાયાલિસીસ વોર્ડમાં ફોલ સીલીંગ તૂટી પડી હતી. જ્યારે ગુરુવારે સાંજે એચ-વોર્ડના બહારના ભાગે છતનો પોપડો પડ્યો હતો.

છતના સળીયાઓ પણ બહાર આવી ગયા છે.
છતના સળીયાઓ પણ બહાર આવી ગયા છે.

સંખ્યાબંધ ઘટનાઓ બનતા કર્મચારીઓમાં ગભરાટ
છેલ્લા એક-દોઢ વર્ષ દરમિયાન આવી સંખ્યાબંધ ઘટનાઓ બની ચુકી છે. જેને પગલે તબીબો સહિતના કર્મચારીઓમાં ગભરાટ દેખાઈ રહ્યો છે. તેમછતા સરકાર જાણે કોઈ ગંભીર ઘટનાની રાહ જોઈ રહી તેમ સિવિલ હોસ્પિટલના વર્ષો જુના બિલ્ડિંગને લઈ દુર્લક્ષ સેવી રહી હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. નોંધનિય છે કે એક સમયે જુની હોસ્પિટલ બિલ્ડિંગને સ્ટેમસેલ અથવા તો કિડની હોસ્લિટલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવા સુધીની ગણતરી હતી.