દુષ્કર્મીને સજા:સુરતમાં 10 વર્ષની બાળાને લગ્નની લાલચે અપહરણ કરી અવાર-નવાર દુષ્કર્મ આચરનાર યુવકને 20 વર્ષની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી ઇન્દ્રજીત ઈશ્વર પ્રસાદ. - Divya Bhaskar
આરોપી ઇન્દ્રજીત ઈશ્વર પ્રસાદ.
  • અપહરણ કરી યુપી અને પંજાબમાં અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી 10 વર્ષની બાળાને લગ્નની લાલચે અપહરણ કરી યુપી અને પંજાબમાં અવાર-નવાર બળાત્કાર કરનાર યુવકને આજે સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો હતો. બાળકીઓ સાથે વધતા જતા દુષ્કર્મ કેસને લઈ કોર્ટે સમાજમાં દાખલા રૂપ ઉદાહરણ બેસે એ બદલ અલગ અલગ કલમના ગુનામાં અલગ અલગ સજા અને દંડ ફટકાર્યો હતો. વાસના પીડિત ઇન્દ્રજીત ઇશ્વર પ્રસાડ યુપી અને પંજાબમાં બાળકીને પોતાની બહેન તરીકે સગા-સંબંધીઓ અને પરિચિત લોકોમાં ઓળખ આપી બળાત્કાર ગુજારતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

2017માં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી
અરવિંદ વસોયા (સરકારી વકીલ) એ જણાવ્યું હતું કે ઘટના વર્ષ 21-4-2017 ના રોજ સાંજે 5 વાગ્યા ની હતી. એક 10 વર્ષની બાળકી પોતાના ઘર બહાર બહેનપણીઓ સાથે રમી રહી હતી. બજારેથી આવેલી માતાને અચાનક બાળકી ન દેખાતા શોધખોળ હાથ ધરી હતી. કલાકો બાદ પણ બાળકીની કોઈ ભાળ નહીં મળતા પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

મોબાઈલ લોકેશનથી પોલીસ બાળકી સુધી પહોંચી
વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન બાળકીનું અપહરણ થયું હોવાનું અને આજ વિસ્તારમાં રહેતા ઇન્દ્રજીત ઈશ્વર પ્રસાદ ઉ.વ. 30 (રહે. એજન) દ્વારા અપહરણ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તમામ પ્રયાસો કરી મોબાઈલ લોકેશનને આધારે તપાસ કરતા ઇન્દ્રજીત યુપીમાં હોવાનું બહાર આવ્યું હતું. સુરત પોલીસની એક ટીમ યુપી જતા આરોપી ઇન્દ્રજીત ત્યાંથી બાળકીને લઈ પંજાબ ચાલી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સતત મોબાઈલ લોકેશન ટ્રેસની મદદ લઇ પોલીસે યુપી જઇ ઇન્દ્રજીતનું પગેરું શોધી કાઢ્યું હતું. એટલું જ નહીં પણ એક રણનીતિ બનાવી બાળકીની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઇન્દ્રજીતને પકડી પાડ્યો હતો અને બાળકીને હેમખેમ છોડાવી બન્નેને સુરત લઈ આવ્યા હતા.

ચાર્જશીટ બાદ 6 મહિનામાં આરોપીને સજા કરાઈ
વધુમાં જણાવ્યું હતું કે સુરત આવ્યા બાદ પોલીસે તમામ પુરાવાઓ ભેગા કરવા બાળકીનું મેડિકલ અને આરોપીનું FSL રિપોર્ટ કાઢવ્યા હતા. એટલું જ નહીં પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને રાજ્યોમાં આરોપી બાળકીની ઓળખ પોતાની નાની બહેન તરીકે આપતો હતો. સુરતમાં પણ બાળકીને પ્રભાવિત કરવા આરોપી ઇન્દ્રજીત ફળ અને નાસ્તા ખવડાવી રોકડ મદદ પણ કરતો હતો. આરોપી સામે પોલીસે તમામ પુરાવાઓ સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યાના લગભગ 6 મહિનામાં જ સરકારી વકીલ અરવિંદભાઈ વસોયાની ધારદાર દલીલ સાંભળી કોર્ટે બાળકી સાથે થયેલા અપહરણ અને દુષ્કર્મ કેસમાં સજા ફટકારી એક દાખલો બેસાડ્યો છે.

અપહરણ અને દુષ્કર્મની કલમો આધારે દંડ અને સજા
વધુમાં જણાવ્યું હતું કે 5માં એડિશનલ સેશન્સ જજ ડીપી મહિડાએ 363ની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં 3 વર્ષની સજા અને 5 હજારનો દંડ, 366ની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં 7 વર્ષની સજા અને 10 હજારનો દંડ, 376 તથા પોસ્કોની કલમ હેઠળ નોંધાયેલા ગુના મળી કુલ 20 વર્ષની સજા અને 20 હજારનો દંડ અને જો દંડ નહીં ભરે તો એક માસની વધુ કડક સજાનો ઓર્ડર કર્યો છે.