માતાઓ સાવધાન:સુરતમાં રાત્રે ફિડિંગ બાદ સૂઈ ગયેલી 2 મહિનાની બાળકી મૃત મળી, સવારે જગાડતાં શરીર ઠંડું પડી ગયું હતું

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 મહિના પહેલા જ પરિવાર મુંબઈથી સુરત શિફ્ટ થયું હતું

માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન ગણાય છે. જોકે, માતાઓ બાળકને ફિડિંગ બાદ સાવચેતી ન રાખે તો મોત પણ થઈ શકે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી જોલી રેસિડેન્સીમાં રાત્રે ફિડીંગ બાદ સૂઈ ગયેલી 2 મહિનાની બાળકી સવારે મૃત હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. બાળકીને સવારે જગાડતા શરીર ઠંડું પડી ગયું હતું. લાડકી દીકરીના મોતના કારણથી અજાણ માતાના હૈયાફાટ રુદનને લઈ માહોલ ગમગીની સમાન બની ગયો છે. નાકરાણી પરિવાર 8 મહિના પહેલા જ મુંબઈથી સુરત શિફ્ટ થયું હતું.

બાળકી પરિવારનું બીજું સંતાન હતું
અલ્પેશભાઈ નાકરાણી (મૃતક બાળકીના પિતા) એ જણાવ્યું હતું કે, ક્રિયા (ઉ.વ. 2 માસ) બીજું બેબી હતું પ્રથમ 6 વર્ષનો દીકરો છે. લગ્નને 10 વર્ષ થયા છે. માર્કેટિંગ કન્સલ્ટિંગ સાથેના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૂળ સૌરાષ્ટ્ર અમરેલીના રહેવાસી છે અને 8 મહિના પહેલા જ મુંબઈથી સુરત શિફ્ટ થયા છે.

સિવિલ લઈ જતા બાળકી મૃત જાહેર
વધુમાં જણાવ્યું હતું કે માતાએ રાત્રે 12 વાગે દીકરીને ફિડિંગ કરાવ્યા બાદ સૂવડાવી દીધી હતી. ત્યારબાદ સવારે 5 વાગ્યે બાળકીને જગાડવા જતા શરીર ઠંડું પડી ગયું હતું. બુમાબુમ થઈ જતા તાત્કાલિક બાળકીને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

ફિડિંગ અને ફિડિંગ બાદ સાવચેતી રાખવી જરૂરી (પ્રતિકાત્મક તસવીર).
ફિડિંગ અને ફિડિંગ બાદ સાવચેતી રાખવી જરૂરી (પ્રતિકાત્મક તસવીર).

બાળકને દૂધ પચ્યું ન હોય તો મોત થઈ શકે
બાળ નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે મોટાભાગના આવા દુઃખદ કિસ્સાઓમાં બાળકને દૂધ પચ્યું ન હોય તો બનતા હોય છે. જેથી ડોક્ટરો દ્વારા સગર્ભા માતાઓને સલાહ આપવામાં આવે છે કે ફિડિંગ બાદ બાળકને ખભે ઉપાડી થપ-થપાવાથી ગેસ બહાર આવી જાય પછી પણ સૂવડાવવા જોઈએ.

માતાની ચૂક થઈ હોય તો પણ આવું બને
તેજશ ચૌહાણ (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે બાળકીને લાવ્યા ત્યારે તેનું શરીર ઠંડું પડી ગયું હતું. માતાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રાત્રે 12 વાગ્યે ફીડિંગ કરાવ્યાં બાદ બાળકીને સૂવડાવી દીધી હતી. સવારે 5 વાગ્યે જગાડવા જતા જાગી નહીં અને શરીર ઠંડું લાગતા સિવિલ લઈ આવ્યા હતા. માતાના નિવેદન બાદ એમ કહી શકાય કે બાળકીને દૂધ પચ્યું ન હોય, બીજું કે ફીડિંગ કરાવ્યા બાદ બાળકીને ખભે લઈ થપ થપાવવાથી દૂધ પચી જાય અને ગેસ બહાર આવી જાતો હોય છે. બાળ નિષ્ણાત તબીબો પણ આવી સલાહ આપતા હોય છે. ક્યાંય માતાની ચૂક થઈ હોય તો પણ આવું બનતું હોય છે.