સ્પામાં વેશ્યાવૃતિના ધંધાને નાબૂદ કરવા માટે સુરત પોલીસે 4 મહિલા પોલીસ અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં 2 ACP કક્ષાની અને 2 DBP કક્ષાની મહિલા અધિકારી રહેશે. સ્પામાં PI કક્ષાના ઓફિસર સ્ટાફ સાથે રેડ કરી શકશે. અગાઉ જ્યાં સેક્સરેકેટ પકડાયું હોય તે સ્પામાં ફરી ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ તેના ખાસ નજર રખાશે. સ્પામાં પકડાયેલી વિદેશી યુવતીઓને ડિપોર્ટ કરવાની પ્રોસેસ કરાશે.
છેલ્લા 1 મહિનામાં 21 ગુનામાં કુલ 67 આરોપીઓ સામે ફરિયાદ
શહેર પોલીસે હવેથી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાઓ બંધ કરાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે.જેમાં છેલ્લાં એક મહિનામાં પોલીસે 21 ગુનામાં કુલ 67 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી અને તેમાં 55 આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે આવી પ્રવૃત્તિઓને ડામવા લોકો પણ સ્થાનીક પોલીસને જાણ કરી શકશે. એટલું જ નહીં પીઆઈ, એસીપી કે ડીસીપીને જાણ કરી શકે છે. છતાં જો કાર્યવાહી ન કરાય તો પોલીસ કમિશનર કચેરી આવી શકે છે.
સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટ સામે લાલ આંખ
શહેર પોલીસે ખાસ કરીને પોશ વિસ્તારોના કોમ્પલેક્ષમાં ભાડેથી દુકાન કે ઓફિસમાં સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટ સામે લાલ આંખ કરી છે. પોલીસે છેલ્લા એક મહિનામાં 21 સ્પામાં રેડ કરી હતી. આ સ્પામાં વૈશ્યાવૃતિનો ધંધો ચાલતો હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે 21 ગુનાઓ દાખલ કર્યો હતા. જેમાં 67 આરોપી પૈકી 55ની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય 12 ભાગતા ફરે છે.
સ્પામાં 19 વિદેશી યુવતીઓ અને 18 યુવતીઓ ભારતીય મળી
મોટેભાગે સ્પામાં દેહવ્યાપારનો ધંધો વિદેશી યુવતીઓ પાસે કરાવવામાં આવતો હોય છે. પોલીસે સ્પામાંથી પકડી પાડેલા સેક્સરેકેટમાં 25 થાઇલેન્ડની યુવતીને મુક્ત કરાઈ હતી ઉપરાંત 51 અલગ અલગ રાજ્યોમાંથી આવતી યુવતીઓને મુક્ત કરાઈ હતી. સૌથી વધારે સ્પાની રેડ ઉમરા પોલીસની હદમાં પાડવામાં આવી અને ત્યાંથી 22 આરોપીઓ પકડાયા હતા. જ્યારે ઉમરા પોલીસની હદમાં ચાલતા સ્પામાં 19 વિદેશી યુવતીઓ અને 18 યુવતીઓ ભારતીય મળી આવી હતી.
દુકાન કે જગ્યા ભાડે આપનાર માલિક સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે
આગામી દિવસોમાં શહેર પોલીસ મહાનગર પાલિકા સાથે સંકલન કરીને સ્પાના ગુમાસ્તાધારા લાયસન્સની પણ ચકાસણી કરશે. જેથી સ્પાની આડમાં ચલાવાતા સેક્સરેકટ પર લગામ લગાવી શકાય. એટલું જ નહીં પરંતુ જો સ્પામાં આવી પ્રવૃત્તિ સામે આવશે તો દુકાન કે જગ્યા ભાડે આપનાર માલિક સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.