વિદ્યાર્થીઓમાં રોષ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ Bsc સેમેસ્ટર-6ની પરીક્ષા એકાએક માર્ચ મહિનામાં લેવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓનો વિરોધ

સુરત5 મહિનો પહેલા
માત્ર 20 દિવસ જો બાકી હોય તો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકે.
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પરીક્ષા 11 એપ્રિલના રોજ જ લેવામાં આવે તેવી રજૂઆત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા Bsc સેમેસ્ટર-6ની પરીક્ષા 11 એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા 21 માર્ચના રોજ યોજાવા જઇ રહી છે. યુનિવર્સિટી દ્વારા અગાઉ જે પરીક્ષાનો સમયપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એ જ મુજબ પરીક્ષા લેવામાં આવે તેવું વિદ્યાર્થીઓએ આજે રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. કુલપતિની ગેરહાજરીમાં રજિસ્ટ્રાર દ્વારા થયેલી વાતચીતમાં વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે કહ્યું છે કે જે તારીખ નક્કી કરવામાં આવી હતી તે તારીખે પરીક્ષા લેવામાં આવવી જોઈએ.

માત્ર 20 દિવસ પરીક્ષાની તૈયારી કરવી અશક્ય
હજુ સુધી ઘણી કોલેજોમાં અભ્યાસક્રમ બાકી છે પરીક્ષા બાકી છે તો માગ છે કે પરીક્ષા અગાઉના પરિપત્ર મુજબ એપ્રિલમાં લેવામાં આવે. જેથી વિદ્યાર્થી સરખી રીતે મહેનત કરી શકે. હાલ જે તારીખ 21 માર્ચના દિવસે પરીક્ષા લેવાનો નિર્ણય છે તેમાં અનેક મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને આવી શકે એમ છે. મોટાભાગની સંલગ્ન કોલેજોની અંદર હજી તો પરીક્ષા લેવામાં આવી નથી અને તેમજ પ્રેક્ટીકલ પણ બાકી હોવાના કારણે આ તારીખે પરીક્ષા લેવી એ અશક્ય લાગી રહ્યું છે અને સ્વાભાવિક રીતે જ માત્ર 20 દિવસ જો બાકી હોય તો વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકે.

વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને રજૂઆત કરી.
વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને રજૂઆત કરી.

કાયદા શાખાની પરીક્ષામાં 8 માર્ક્સના અભ્યાસક્રમ બહારના હતા
વિદ્યાર્થીઓએ આજે બીજી પણ રજૂઆત કરી હતી જેમાં 21-2-2022ના રોજ કાયદા શાખામાં એક્ઝામ લેવામાં આવી હતી. તેમાં 8 માર્ક્સના અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનાથી વિદ્યાર્થીઓના હિત સાથે છેડછાડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. માટે તેટલા પ્રશ્નોના માર્ક્સ વિદ્યાર્થીઓને આપવામાં આવે એ પ્રકારની માગ 100થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા અરજી આપવામાં આવી હતી.

કુલપતિ ગેરહાજર હોવાને કારણે રજિસ્ટ્રારને રજૂઆત
યુવા છાત્ર સંઘર્ષ સમિતિના મંત્રી વિવેક પટોડીયાએ જણાવ્યું કે આજે યુનિવર્સિટી ખાતે અમે રજૂઆત કરવા ગયા હતા. જ્યાં કુલપતિ ગેરહાજર હોવાને કારણે અમે રજિસ્ટ્રારને સમગ્ર બાબત અંગે રજૂઆત કરી હતી. જેમાં તેમણે માત્ર એક જ જવાબ આપ્યો હતો કે આગામી આઠ તારીખે સિન્ડિકેટની મિટિંગ થવાની છે. તેમાં તમારા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે પરંતુ મહત્વની બાબત એ છે કે જો 8 તારીખે સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય ન લેવાય તો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવા માટે મૂંઝવણમાં રહેશે તેમજ આટલા ઓછા સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકશે. યુનિવર્સિટી દ્વારા અચાનક જ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલી વધારી દીધી છે. જો ફરીથી અગાઉ નક્કી કરેલી 11 એપ્રિલના દિવસે જ પરીક્ષા નહીં લેવાય તો વિદ્યાર્થીઓ તેનો ઉગ્ર વિરોધ નોંધાવશે.