રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અભ્યાસ અર્થે ગયેલા અને યુદ્ધમાં ફસાયેલા સુરતના 270 માંથી 208 જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં મિશન ગંગા અંતર્ગત સુરત પરત લાવવામાં સફળતા મળી છે. આ અંગે કલેક્ટર કચેરીમાંથી મળતી વિગતો અનુસાર, રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા 11 દિવસથી ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ હુમલો તેજ કરી દીધો છે. જ્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીઓને વતન પરત લાવવા માટે સરકાર દ્વારા મિશન ગંગા શરૂ કરી દેવામાં આવ્યો છે. આ મિશન અંતર્ગત જિલ્લાના ડિઝાસ્ટર વિભાગમાં 270 વાલીઓએ તેમના સંતાનો યુક્રેનમાં ફસાયા હોવાની નોંધ કરાવી છે.
કલેકટર દ્વારા આ યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપવામાં આવી હતી. છેલ્લા 11 દિવસોથી યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી સતત ચાલી રહી છે. શનિવારે સાંજ સુધીમાં યુક્રેનથી આવેલા 180 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં સુરતના વધુ 28 વિદ્યાર્થીઓ સુરત આવ્યા હોવાનું કલેકટર કચેરીના ચોપડે નોંધાયું છે.
જોકે, હાલમાં આવતા વિદ્યાર્થીઓ સુરત ઉપરાંત દિલ્હી, વડોદરા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતરી રહ્યા હોવાથી સુરત આવતા વિદ્યાર્થીઓનું હાલ સુધીનો ચોક્કસ આંકડો બહાર આપ્યો ન હોવાનું તંત્રએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંત થવાની જગ્યાએ વધુ ગરમાઈ રહ્યું છે ત્યારે આવા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ સરકારનું પણ મિશન ચાલુ જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.