પુત્ર-માતા અને ત્રણ વહુના મોત:મહુવામાં નવદંપતિ સાથે લગ્નની મન્નત પૂરી કર્યા બાદ અંબિકા નદીમાં સુરતના પરિવારના 5 ડૂબ્યા હતા, ચોથા દિવસે પાંચમો મૃતદેહ મળ્યો

સુરત5 મહિનો પહેલા
ડૂબતા પહેલાંથી પરિવારની અંતિમ ખુશખુશાલ તસવીર.
  • ગત 31 ઓગસ્ટના રોજ સુરતના પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ડૂબ્યા હતા
  • પહેલા દિવસે બે મહિલા, બીજા દિવસે બે મહિલા બાદ ચોથા દિવસે યુવકનો મૃતદેહ મળ્યો

સુરત જિલ્લાના મહુવાના કુમકોતર ગામે જોરાવર પીર દરગાહ પર દર્શન કરી અંબિકા નદીમાં નાહવા પડેલ સુરતના મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા હતા, જે ઘટનામાં તંત્રએ બે દિવસમાં ચાર મહિલાના મૃતદેહ નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે આજે ચોથા દિવસે નદીમાં ડૂબનાર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટના શું હતી?
સુરતના લીંબાયત મીઠી ખાડી ખાતે રહેતા મુસ્લિમ પરિવારના સભ્યો ગત મંગળવારે બપોરે મહુવા તાલુકાના કુમકોતર ગામે આવેલ જોરાવર પીર બાવાના દરગાહ પર દર્શન માટે આવ્યા હતા. દર્શન કરી પરિવારના તમામ સભ્યો નજીકથી પસાર થતી અંબિકા નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન ચાર મહિલા અને એક યુવાન નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટના બાદ તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયા અને બારડોલી નગરપાલિકાના ફાયર ઓફિસરની મદદ લઈ નદીમાં ડૂબનારની શોધખોળ હાથ ધરી હતી અને સાંજ સુધી બે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા બીજા દિવસે પણ શોધખોળ ચાલુ જ રાખતા બુધવારના રોજ ડૂબનાર અન્ય બે મહિલાના મૃતદેહ પણ મળી આવ્યા હતા. પરંતુ 20 વર્ષીય નવ પરણિત યુવાન આરીફશા ફકીરની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ તંત્ર દ્વારા ગુરુવારના રોજ પણ વહેલી સવારથી નદીના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્રીજા દિવસે પણ સાંજ સુધી કોઈ ભાળ મળી ન હતી. જ્યારે આજે ફરી શોધખોળ કરતા ઘટના સ્થળેથી જ ઉંડાણમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

પહેલા દિવસે સાસુ અને વહુના મૃતદેહ મળી આવ્યા હતા.
પહેલા દિવસે સાસુ અને વહુના મૃતદેહ મળી આવ્યા હતા.

નવદંપતી સહિત પરિવારના 10 સભ્ય નદીમાં નાહવા ગયા હતા
સુરતના લીંબાયત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર શહેરમાં કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલાં જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માગી હતી, જે પૂરી કરવા માટે મંગળવારે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવીને નવદંપતી સહિત પરિવારના 10 સભ્ય દરગાહ નજીક અંબિકા નદીમાં નાહવા માટે ગયા હતા.

બીજા દિવસે પણ બે મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા.
બીજા દિવસે પણ બે મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા.

નવોઢા લગ્નના માંડ એક માસ જોઈ શકી
પરિવારના સભ્યો નાહતા આનંદની ક્ષણ ક્ષણવારમાં શોકમાં પરિવર્તિત થઈ હતી. પાણીમાં નવદંપતી સહિત પરિવારના 5 સભ્ય ગરક થઈ જવાની ઘટના બની હતી. મન્નત ચઢાવવા આવેલા પરિવારના 5 સભ્ય પર કાળનો કહેર થયો હતો. નવોઢાના લગ્નને માંડ એક માસનો સમય થયો હતો.

ડૂબતા પહેલાં પરિવાર દ્વારા તસવીરો લેવામાં આવી હતી.
ડૂબતા પહેલાં પરિવાર દ્વારા તસવીરો લેવામાં આવી હતી.

નદીકાંઠે બાળકો અને એક ભાઈ હતો, પણ બચાવી ન શક્યો
યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. દીકરાને ડૂબતો જોઈ માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતાં તે પણ ખેંચાઈ ગઈ હતી, એ જોતાં પત્ની સમીમબી આરીફશા ફકીરે બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગતાં અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂક્ષારબી જાકુરશા ફકીર પણ બચાવવા જતાં ઊંડા પાણીમાં ખેંચાઈ ગયાં હતાં. જોતજોતાંમાં પરિવારના 5 સભ્ય પાણીમાં ગરક થયા હતા. બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નાહવા પડ્યા નહોતાં. તેમણે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ખેંચાયાં હતાં.

પરિવારે ક્ષણવારમાં ત્રણ વહુઓ ગુમાવી.
પરિવારે ક્ષણવારમાં ત્રણ વહુઓ ગુમાવી.

બે વર્ષ અદાઉ પણ બે યુવાન ડૂબ્યા હતા
બે વર્ષ અગાઉ 11 નવેમ્બર 2019ના રોજ પણ સુરતના બે યુવાન કુમકોતર ગામે દરગાહ પર ચાદર ચઢાવી અંબિકા નદીમાં નાહવા ગયા હતા અને નાહતાં નાહતાં બંને ડૂબી ગયા હતા. બહારથી આવતા લોકોની અહીં ડૂબવાની ઘટના બની છે. સ્થાનિકો આ ડુબાઉ સ્થળથી પરિચિત છે, જેથી તેઓ આ સ્થળે જતા નથી.

યુવકનો મૃતદહે ચાર દિવસે પાણીમાંથી મળી આવ્યો.
યુવકનો મૃતદહે ચાર દિવસે પાણીમાંથી મળી આવ્યો.

નદીમાં ન નાહવા બાબતે બોર્ડ પણ મુકાયાં છે
જોરાવરપીરની દરગાહ પરથી લોકો અંબિકા નદીમાં નાહવા જતા હોવાથી ટ્રસ્ટ બે રસ્તા પર બેરિકેડ્સ બનાવ્યા છે. અંબિકા નદીમાં ન નાહવા બાબતે બોર્ડ પણ મૂકવામાં આવ્યાં છે છતાં સુરતનો પરિવાર નદીમાં નાહવા ઊતર્યો હતો અને એક પરિવારના 5 સભ્ય પાણીમાં ગરક થયા હતા.

મૃતકનાં નામ

  • રૂક્ષાનાબી સલીમશા ફકીર(55)
  • પરવીનબી જાવીદશા ફકીર(30)
  • રૂક્ષારબી જાકુરશા ફકીર(27)
  • સમીમબી આરીફશા ફકીર(18)
  • આરીફશા સલીમશા ફકીર (22)