'સાયલન્ટ વોરિયર':સુરત સિવિલ હોસ્પિટલના PSM વિભાગે કોરોના ક્રાઈસિસને કંટ્રોલમાં લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત શહેર, જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણમાંથી બહાર લાવવા યોગદાન આપ્યું છે. - Divya Bhaskar
સુરત શહેર, જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણમાંથી બહાર લાવવા યોગદાન આપ્યું છે.
  • સુરત શહેર જિલ્લા સહિત નવસારીની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના ઘડી હતી
  • સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજનઃ સુરતની વસ્તીના આધારે બનાવ્યું પ્રોજેક્શન મોડેલ
  • 50 કર્મયોગીઓએ આરોગ્ય તંત્ર સાથે પડછાયાની જેમ રહીને સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં મહત્વપૂર્ણ યોગદાન

સમગ્ર દેશ સહિત સુરત શહેરે કોરોનાની પહેલી તથા બીજી લહેરનો મક્કમતાથી સામનો કર્યો છે. અનેક ડોક્ટરો, ઉચ્ચ અધિકારીઓથી લઈને આરોગ્ય વિભાગના યોદ્ધાઓના દિન-રાતના સહિયારા પ્રયાસોના કારણે કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. કોરોનાની કૂચને અટકાવવાંમાં એવા ઘણાં 'સાયલન્ટ વોરિયર્સ' નિમિત્ત બન્યાં, જેમની નેપથ્યમાં-પડદા પાછળની કામગીરીથી કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે નવી સિવિલ હોસ્પિટલનો પી.એસ.એમ.(પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડિસિન) વિભાગ.

રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો
PSM વિભાગે કોરોનાની પહેલી અને બીજી લહેર સમયે સચોટ ડેટા એનાલિસીસના આધારે આગોતરા પગલાઓ દ્વારા ઈન્ફેકશનને નિયંત્રણમાં લાવવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આગવી વ્યૂહરચના અપનાવીને સુરત શહેર, જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણમાંથી બહાર લાવવા તેમજ સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં યોગદાન આપ્યું છે, ક્રાઈસીસ મેનેજમેન્ટ માટે સૂચનો, તેમજ સ્થાનિક પરિસ્થિતિનું આકલન કરીને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ અને સ્મીમેર આરોગ્યતંત્ર સાથે રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો હતો. જેનાથી તંત્રને નિર્ણયો લેવામાં મદદ મળતી હતી.

મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ અને સ્મીમેર આરોગ્યતંત્ર સાથે રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો.
મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ અને સ્મીમેર આરોગ્યતંત્ર સાથે રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો.

વાસ્તવિક અને સચોટ ફિડબેક આપીને ચાવીરૂપ કામગીરી બજાવી
જુદી-જુદી ટાસ્કફોર્સ ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ, હોમ ક્વોરન્ટાઈન અને આઈસોલેશન, માઈક્રો કન્ટેઈન્મેન્ટ, ફિલ્ડ સર્વેલન્સ, વેક્સિનેશન, ઓક્સિજન ઓડિટ, વિવિધ પ્રકારની માર્ગદર્શિકાઓ (SoP), ડેથ ઓડિટ, ટ્રેનિંગ, રિસર્ચ, હેલ્થ કેર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રને વાસ્તવિક અને સચોટ ફિડબેક આપીને ચાવીરૂપ કામગીરી બજાવી હતી. ફેકલ્ટી મેમ્બર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સના 20 જેટલા કુટુંબીજનો પણ કોરોનાગ્રસ્ત બન્યાં હતા. જેમાં એક કુટુંબીજનનું અવસાન પણ થયું. આમ છતા સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી વિપરીત સંજોગોમાં પણ આ વોરિયરોએ રાતદિન કર્મયોગ શરૂ રાખ્યો.

એક્શન પ્લાનનું આગોતરૂ આયોજન ઉપયોગી નીવડ્યું
બીજી લહેરની વાત કરતા ડો.કોસંબીયા કહે છે કે, ફેબ્રુઆરી,2021 દરમિયાન એક એક્શન પ્લાન બનાવીને બેડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયામાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, દવાની જરૂરિયાતનું તારણ આપવામાં આવ્યું હતું, તે જ રીતે ઉચ્ચ અધિકારીની બનેલી કોર કમિટીમાં તંત્રની સુસજ્જતા અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને પહોંચી વળવા ટાસ્કફોર્સ અને એક્શન પોઈન્ટનું પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જે બીજી લહેરમાં ઉપયોગી નીવડ્યું.

કોન્ટેક્ટ ટ્રેસિંગ, માઈક્રોકન્ટેઈન્મેન્ટ, એઆરઆઈ સર્વેલન્સ અને સ્વસુરક્ષા માટે પુન: તાલીમ આપવામાં આવી.
કોન્ટેક્ટ ટ્રેસિંગ, માઈક્રોકન્ટેઈન્મેન્ટ, એઆરઆઈ સર્વેલન્સ અને સ્વસુરક્ષા માટે પુન: તાલીમ આપવામાં આવી.

સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજન
આગામી સંભવિત ત્રીજી લહેર વિશેના આગોતરા આયોજન અંગેનો અંદાજ આપતા તેઓ કહે છે કે, સુરત શહેરમાં સંભવિત ત્રીજો વેવ આવે તો અંદાજિત 20000 બાળકોને ચેપ લાગવાની સંભાવના છે. 2000 બાળકોને હોસ્પિટલમાં એડમિશન તેમજ 200 બાળકોને ICU બેડની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી શહેરની 70 લાખ વસ્તીને ધ્યાનમાં રાખીને 15 વર્ષથી નાના, 4 વર્ષથી નાના અને એક વર્ષથી નાના બાળકોની 2011ના સેન્સસના આંકડા પ્રમાણે એક પ્રોજેક્શન મોડેલ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે બાળકોમાં સંક્રમણને અટકાવવાંનો પ્લાન છે.

સંક્રમણની રોકથામ માટે 1145 આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કર્યા
કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઈસોલેશન અને ક્વોરન્ટાઈનને લગતા મુદ્દાઓ પર પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓ, એએનએમ, આશા, લેબ ટેકનિશિયન, પ્રાથમિક શાળાના શિક્ષકો, સેનેટરી નિરીક્ષકો અને કરારના કર્મચારીઓ સહિત 980 આરોગ્યકર્મીઓને અલગ-અલગ બેચમાં તાલીમ આપી હતી. તેમજ 4 દિવસના સમયગાળામાં 1145 આરોગ્યકર્મીઓને અમારા ફેકલ્ટી દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, માઈક્રોકન્ટેઈન્મેન્ટ, એઆરઆઈ સર્વેલન્સ અને સ્વસુરક્ષા માટે પુન: તાલીમ આપવામાં આવી હતી. સવારે ફિલ્ડવર્ક અને વિઝીટ માટે રવાના થતી ટીમને 10 મિનિટ માટે ઝોન લેવલે બ્રિફિંગ આપવામાં આવતું હોવાનું પણ ડો.કોસંબીયા જણાવે છે.

બાળકોમાં સંક્રમણને અટકાવવાનો પ્લાન.
બાળકોમાં સંક્રમણને અટકાવવાનો પ્લાન.

મ્યુકોરમાઇકોસિસના પડકાર સામે સજ્જતા કેળવી
અમદાવાદ અને રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસ(બ્લેક ફંગસ)ની બિમારી વધતાં મનપા ખાતે આંખ તેમજ કાન, નાક, ગળા વિભાગના ડોક્ટર્સ સાથે IMAની મીટિંગ રાખવામા આવી, જેમાં મ્યુકોર માટે સિચ્યુએશનલ એનાલિસિસ કરાયું હતું, અને નવી સિવિલમાં દાખલ દર્દીઓને મ્યુકર થવાના કારણોની માહિતી એકઠી કરવી, તેના લક્ષણો અને સારવારની માહિતી એકઠી કરવી, તેનું દરરોજ એનાલિસિસ કરી મનપા અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી, જેમાં 26% અનકંટ્રોલ ડાયાબિટીસ, 18% ડાયાબિટીસ સાથે સ્ટીરોઈડ અને ઓક્સિજનના વપરાશવાળા લોકો જણાયા છે.