તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેવડી નીતિ સામે રોષ:રેગ્યુલરને માસ પ્રમોશન તો રિપીટરને કેમ નહીં? સુરતમાં ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનને લઈ મેસેજ વોર શરૂ કર્યો

સુરત3 મહિનો પહેલા
રિપીટર વિદ્યાર્થી દેવાંગ અને મોહીત.
  • રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી શકાતા હોય તો ગણિયા ગાંઠ્યા વિદ્યાર્થીઓને કેમ નહીં: વિદ્યાર્થીઓ

સુરત ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન બાદ રિપીટર વિદ્યાર્થીઓ એ પણ માસ પ્રોમોશન ને લઈ મેસેજ વોર શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર મેસેજ કરનાર વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં ભેગા થતા જ વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ થઈ શકે એ વાતને વખોડીયે છીએ. સંક્રમણ તો બે કરતા વધુ લોકો ભેગા થાય એને પણ થઈ શકતું હોવાના કિસ્સા સરકારના ચોપડે નોંધાયા છે. સાથે સાથે રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી શકાતા હોય તો ગણિયા ગાંઠ્યા વિદ્યાર્થીઓ ને કેમ નહીં, સરકારની બેવડી નીતિને કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં મુકાય રહ્યા હોવાનું સામે આવ્યું છે.

સરકાર રિપીટર વિદ્યાર્થીઓ માટે કંઈક સારું વિચારેઃ વિદ્યાર્થી
મોહિત ટેલર (રિપીટર વિદ્યાર્થી) એ જણાવ્યું હતું કે, પહેલાં તો પરીક્ષા લેવાઈ એ વિચારીને જ તૈયારી કરી રહ્યા હતા. પણ જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રોમશન આપી શકાતું હોય તો રિપીટર વિદ્યાર્થીઓ ને કેમ નહીં એ એક પ્રશ્ન છે. સરકારના આવા નિર્ણયથી માનસિક તણાવમાં આવી ગયા છે. પાસ તો થઈ જઈશું પણ સંક્રમણ થઈ જશે તો આખું પરિવાર ભાગદોડમાં વ્યસ્ત થઈ જશે. સરકારે ચોક્કસ વિચારવું જોઈએ. મારા પિતા 2020માં જુલાઈમાં સંક્રમણમાં આવ્યા હતા કેવી હાલત થઈ હતી એ આખા પરિવારે જોઈ છે. બસ એક જ વિનંતી સરકાર રિપીટર વિદ્યાર્થીઓ માટે કંઈક સારું વિચારે.

રિપીટર વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ નહીં બને એવું કોણ કહે છેઃ વિદ્યાર્થી
દેવાંગ પરમાર (ધોરણ-10નો રિપીટર વિદ્યાર્થી) એ જણાવ્યું હતું કે નાપાસ થયા બાદ વાંચન પર ભાર મૂકી અભ્યાસ કરી રહ્યા છીએ. બસ સારા માક્ર્સ આવે એ રીતે જ તૈયારીઓ શરૂ કરી છે. જોકે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાત સાંભળીને એક આશા હતી કે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવાશે. જોકે એવો કોઈ મેસેજ મળ્યો નથી અને પરીક્ષાની તારીખ મળી ગઈ છે. બસ એક જ સવાલ છે કે રિપીટર વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ નહીં બને એવું કોણ કહે છે. જો મારી જ વાત કરું તો એપ્રિલ 2021માં હું અને મારા પિતા કોરોના સંક્રમણમાં સપડાય હતા અને 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહ્યા હતા. સરકાર રિપીટર વિદ્યાર્થીઓ માટે વિચારે એમની માનસિક સ્થિતિ પણ બગડી રહી છે. એવા અનેક મેસેજ અમારા ગ્રુપમાં આવી રહ્યા છે.

ધોરણ 10ના વિદ્યાર્થી મોક્ષિત શાહે કહ્યું- નિર્ણય બધા માટે સમાન જ હોવો જોઈએ.
ધોરણ 10ના વિદ્યાર્થી મોક્ષિત શાહે કહ્યું- નિર્ણય બધા માટે સમાન જ હોવો જોઈએ.

બધા વિદ્યાર્થીઓ માટે એક સમાન નિર્ણય લેવો જોઈએ
મોક્ષિત શાહ (ધોરણ-10) એ જણાવ્યું હતું કે મારું નસીબ જ ખરાબ છે, પહેલા ફેસમાં પરીક્ષા આપી તો મેથ્સમાં માત્ર 8 માર્ક્સને લઈ બોર્ડ ગ્રેસીંગ નહીં આપ્યું ને બીજા વિદ્યાર્થીઓને 21 માર્ક્સ સુધીનું ગ્રેસીંગ આપ્યું, મારા બીજા તમામ વિષયોમાં લગભગ 70 પ્લસ માર્ક્સ છે પણ મેથ્સને લઈ હું ફેઈલ થતા માનસિક તણાવમાં આવી ગયો હતો. જોકે પરિવારના પ્રોત્સાહનથી આજે ખૂબ જ મહેનત કરું છું. ટ્યુશન જાઉં છું. ઘરમાં શિક્ષિત માતા પાસે અભ્યાસ કરું છું. ચોક્કસ પાસ નહીં ટકાવારી લઈ આવીશ. ત્યારે સરકારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યાને રિપીટર વિદ્યાર્થીને પરીક્ષાની તારીખ, એટલે માનસિક રીતે તૂટી ગયા છે. સરકારે બધા વિદ્યાર્થીઓ માટે એક સમાન નિર્ણય લેવો જોઈએ, કેમ રિપીટર વિદ્યાર્થીઓને સંક્રમણ નહીં થાય, હું તો એક જ વાત કરીશ નિર્ણય બધા માટે સમાન જ હોવો જોઈએ.

ઉમેશ પંચાલ (વાલી મંડળ)એ તમામ બાળકોને માસ પ્રમોશનની માગ કરી.
ઉમેશ પંચાલ (વાલી મંડળ)એ તમામ બાળકોને માસ પ્રમોશનની માગ કરી.

પરીક્ષા આપવા જતા રિપીટર વિદ્યાર્થીઓને પણ કોરોના થઈ શકેઃ વાલી મંડળ
ઉમેશ પંચાલ (વાલી મંડળ) એ જણાવ્યું હતું કે, મહામારીના સમયમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો વિચાર આવકારદાયક છે. પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ની તારીખ જાહેર કરતા ચર્ચાનો વિષય બન્યો છે. રિપીટર વિદ્યાર્થીઓ પણ સામાન્ય બાળક છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવા કુમળા છે. કોરોનાને લઈ ઉભી થયેલી શૈક્ષણિક તકલીફોનો ભોગ બન્યા છે. પછી એ ઓન લાઈન હોય કે ઓફ લાઈન પણ બધા જ વિદ્યાર્થીઓએ તેને ફેસ કર્યું છે. આવા સમયમાં મારી માગ પણ રહી છે કે, બધા જ બાળકોને માસ પ્રમોશન આપવામાં આવે. જોકે સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યા છે ત્યારે મારે કહેવું છે કે કોરોના પરીક્ષા આપવા જતા રિપીટર વિદ્યાર્થીઓને પણ થઈ શકે છે. હું અપીલ કરું છું સરકારને કે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી માનસિક તણાવ મુક્ત કરે.