તડામાર તૈયારીઓ:સુરતમાં સ્માર્ટ સિટી સમીટના આયોજન સ્થળે પહોંચી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યુ

સુરતએક મહિનો પહેલા
આયોજનમાં કોઈ કચાશ ન રહે તે પ્રકારના સૂચનો હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યાં હતાં.
  • આયોજનમાં કોઈ કસર ન રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી

સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારી સ્માર્ટ સિટી કોન્ફરન્સને લઇ પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે . ત્રિદિવસીય કોન્ફરન્સને સફળ બનાવવા પાલિકા દ્વારા આયોજનબદ્ધ કામગીરી થઇ રહી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સરસાણા ખાતે તેમની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં આગળ આવતીકાલે શરૂ થનાર કાર્યક્રમ હાલની આયોજન અંગેનો તાગ મેળવ્યો હતો. હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓ સાથે પણ ચર્ચા વિમર્શ કરી હતી. જોકે કાર્યક્રમમાં સુરત શહેર યજમાન બન્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે, કોઈ કસર ન રહી જાય તેના માટેનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

દેશભરના શહેરોમાંથી પ્રતિનિધિઓ સ્માર્ટ સિટી સમિટમાં આવનાર છે
દેશભરના શહેરોમાંથી પ્રતિનિધિઓ સ્માર્ટ સિટી સમિટમાં આવનાર છે

વિકાસ દર્શાવાશે
દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા રાજ્યના ડેવલપમેન્ટથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજૂ કરવામાં આવશે. સુરત મહાપાલિકા દ્વારા ડ્રીમ સિટી ગેઇટ તથા ગ્રીન ઓફિસ બિલ્ડિંગનું મોડેલ મૂકવામાં આવશે. તો, અમદાવાદ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગર દ્વારા રિન્યૂએબલ એનર્જી અંતર્ગત સોલાર ટ્રીની કૃતિ રજૂ કરવામાં આવશે.

પ્રોજેક્ટ રજૂ કરાશે
રાજકોટ મ્યુ . કોર્પોરેશન દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને રૈયા ખાતેનો ગ્રીનફિલ્ડ એરિયાનો વિકાસ દર્શાવવામાં આવશે . વડોદરા દ્વારા હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ બતાવવામાં આવશે. વાપી નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ( રીક્રિએશન એક્ટિવિટી ) સહિતનું મોડલ રજૂ કરવામાં આવશે. તો, વ્યારા નગરપાલિકા તરફથી ટ્રાન્સફોર્મેશન ઓફ ડમ્પસાઇટ ઇન ટુ રિસોર્સ રિક્વરી સ્ટેશન અંગનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. સુરતના સુડા તરફથી ટાઉન પ્લાનિંગ સ્કીમને લગતું પ્રેઝન્ટેશન પણ ગુજરાત પેવેલિયન ખાતે રજૂ કરવામાં આવશે .

રાજ્યના મહત્વના પ્રોજેક્ટની ઝાંખી રજૂ કરાશે
રાજ્યના મહત્વના પ્રોજેક્ટની ઝાંખી રજૂ કરાશે

મોડેલની કૃતિ રજૂ કરાશે
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે શહેરના આંગણે રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી સમિટનું આયોજન થયું છે . સોમવારથી કાર્યક્રમોનું આયોજન કરાયું છે . સુરત સાથે રાજ્યના વિકાસની ઝાંખીના દર્શન કરાવવા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત પેવેલિયનથી નજરાણું ઊભું કરાયું છે . પેવેલિયનમાં સુરત ઉપરાંત અમદાવાદ , વડોદરા , રાજકોટ મહાપાલિકા સહિત વાપી અને વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટના મોડેલની કૃતિ રજૂ કરવામાં આવશે.