આપઘાતનો પ્રયાસ:સુરતમાં ભાજપ કાર્યકર સામે દુષ્કર્મ કેસની પીડિત વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીધી, દુષ્કર્મનો કેસ પાછો ખેંચી લેવા ધમકી અપાતી હતી

સુરત8 મહિનો પહેલા
દુષ્કર્મ કેસનો આરોપી અને પીડિતા.
  • સગીરાનો પીછો કરી માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું પીડિતાએ જણાવ્યું

સુરતમાં ઉધનામાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભાજપના કાર્યકરે અશ્લિલ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં પીડિત યુવતીને કેસ પાછો ખેંચી લેવા ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. નોકરી કરતી પીડિત સગીરાનો પીછો કરી માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી અપાઈ રહી હોવાનું પીડિતાએ સારવાર દરમિયાન જણાવ્યું છે. હાલ આરોપી વિશાલ જેલમાં કાચા કામની સજા કાપી રહ્યો છે.

પોલીસ અમારું કંઈ કરવાની નથી કહી પીડિતાને ધમકાવી
પીડિત યુવતીએ જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા જ્ઞાન પાટીલ નામનો યુવક જ્યાં હું કામ કરૂં છું ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, કેસ પાછો લઈ લે, વિશાલને તું ઓળખતી નથી બહાર આવીને તારા મમ્મી-પપ્પા અને ભાઈને મારી નાખશે. કેસ પતાવી દેવા તું મારી સાથે હાઇકોર્ટ ચાલ એવું કહી ધમકાવી રહ્યો હતો. મે પોલીસમાં જાઉં છું કહેતા પોલીસ અમારું કંઈ કરવાની નથી, પોલીસ પોલીસ શું કરે છે લે કમલેશ પાટીલ સાથે વાત કર, આજે જેલમાં ભાઈ લોગો સાથે મિટિંગ છે કહી ફરી ધમકાવી હતી.

પીડિતાનો છેલ્લા 5 દિવસથી પીછો કરાતો હતો.
પીડિતાનો છેલ્લા 5 દિવસથી પીછો કરાતો હતો.

ઘર પાસે દારૂના નશામાં આવી ગાળો આપતો હતો
વધુમાં જણાવ્યું હતું કે, જ્ઞાન પાટીલ 4 દિવસથી મારો પીછો કરતો હતો. ઘર પાસે દારૂના નશામાં આવી ગાળો આપતો હતો. જેના ડરથી મે આપઘાત કરી લેવાના ઇરાદે જ દવા પીધી છે. માતા એ જણાવ્યું હતું કે રાત્રે અચાનક ઉલટી કરતા જોઈ હું ગભરાય ગઈ હતી. ત્યારબાદ જમીન પર તફડતા તફડતા કહ્યું મેં દવા પી લીધી છે બોલી બેભાન થઈ જતા ડર ના મારે અમે તાત્કાલિક 108 ને જાણ કરી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં દીકરી ને H-0 માં દાખલ કરી સારવાર ચાલુ કરાઈ છે.

આરોપી પાર્ટીઓના મોટાગજાના નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખીન.
આરોપી પાર્ટીઓના મોટાગજાના નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખીન.

ઘટના શું હતી?
ઉધનામાં રહેતી ધો. 12ની વિદ્યાર્થિની 17 વર્ષિય નેહા( નામ બદલ્યું છે)ના વિસ્તારમાં રહેતા આરોપી 21 વર્ષિય વિશાલ ઉર્ફ ભુષણ વિજય પાટીલ (ગાંઘીકુટીર,ઉધના) સાથે 1 વર્ષ પહેલાં પરિચયમાં આવી હતી. બંને ફરવા જતા ત્યારે વિશાલે નેહાના અશ્લિલ ફોટા તેમજ વીડિયો બનાવી બ્લેકમેલ કરી વાંરવાર રેપ કર્યો હતો. નેહાએ ઘરે આ વાત કરી તો તેના પરિવારજનો વિશાલને આ મુદ્દે કહેવા ગયા હતા. ત્યારે વિશાલે તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો. ઉપરાંત જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. ગભરાયેલી નેહાએ વિશાલને 20 હજાર આપ્યા હતા. ત્યારબાદ પણ વિશાલે હેરાનગતિ ચાલુ રાખતા નેહાએ વિશાલ વિરુદ્ધ રેપ, બદનામી, પોક્સો અને આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.