ખેલૈયાઓની ચિંતા વધારી:સુરતના વરાછામાં કડાકા ભડાકા સાથે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, પુણા ગામમાં વીજળી પડતા પાણીના ટાંકાનો કોર્નર તોડી નાખ્યો

સુરત2 મહિનો પહેલા
પુણા ગામ વિસ્તારમાં વીજપોલ તૂટી પડ્યો.
  • 4 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
  • ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે પુણા વિસ્તારમાં વીજ પોલ તૂટ્યો

સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી થતી હતી. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે ફરી વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થતાં સુરતના સૌથી પ્રભાવિત વિસ્તાર વરાછા એ અને વરાછા બી ઝોન હતો. સુરતના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ હતો પરંતુ વરાછા વિસ્તારમાં દેમાર વરસાદ થતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે પુણા ગામમાં પુણા ગામ રાજ પેલેસ એચ વિંગના પાણીના ટાંકા ઉપર વીજળી પડતા સિમેન્ટના ટાંકાનો કોર્નર ફાડી નાખ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે નવરાત્રિનું બીજુ નોરતું છે અને વરસાદથી નવરાત્રિના આયોજનને પણ અસર પહોંચી છે.

ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા
હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિ દરમિયાન વરસાદ પડી શકે તેવી શક્યતાઓ હતી, જેને પરિણામે અસહ્ય ઉકળાટ બાદ આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. પરંતુ સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.

પુણા ગામ રાજ પેલેસ એચ વિંગના પાણીના ટાંકા ઉપર વીજળી પડતા નુકસાન થયું.
પુણા ગામ રાજ પેલેસ એચ વિંગના પાણીના ટાંકા ઉપર વીજળી પડતા નુકસાન થયું.

વરસાદથી નવરાત્રિનું આયોજનને અસર પહોંચી
ધોધમાર વરસાદના કારણે સોસાયટી, શેરી, મહોલ્લામાં નવરાત્રિનું આયોજન થયું હતું ત્યાં પણ તેની અસર જોવા મળી હતી. એકાએક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધુળની ડમરીઓ પણ ઉડી જેના કારણે નવરાત્રિ દરમિયાન જે તોરણો લગાડ્યા હતા તે પણ પડી ગયા હતા. અતિશય વરસાદના કારણે આયોજકો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા કે રાત્રિ દરમિયાન નવરાત્રી રમાશે કે કેમ. જોકે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા જે ઓસરી જતા ખેલૈયાઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.

વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.
વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.

આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
સુરતમાં પુણા ગામ રાજ પેલેસ એચ વિંગના પાણી ના ટાકા ઉપર વીજળી પડતા સિમેન્ટના ટાંકાનો કોર્નર ફાડી નાખ્યો હતો. લોકો મોટી સંખ્યામાં જોવા ભેગા થયા હતા. લોકોનું કહેવું છે કે કડાકા ભડાકા સાથે વીજળી પડી રહી હતી ને અચાનક જોરદાર વીજળી ટાંકા પર પડતા જ ઘટના સર્જાય હતી. જોકે કોઈ જાનહાનિ નથી. ભારે પવન સાથે વરસાદના કારણે પુણા ગામમાં એખ વીજપોલ પણ તૂટી પડ્યો હતો. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.

વરસાદથી નવરાત્રિના આયોજનને અસર પહોંચી.
વરસાદથી નવરાત્રિના આયોજનને અસર પહોંચી.