ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રિ દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉધના-વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે વરસાદના પગલે અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સવાર સુધી વીજ પુરવઠો રાબેતા મુજબ થયો ન હતો.
સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો.
સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે વહેલી સવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રિ દરમિયાન રાત્રે 8થી સવારના 8 વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન-એમાં 46 મિમિ વરસાદ પડ્યો હતો.
ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
ભારે ગરમી વચ્ચે વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ધોધમાર વરસાદ ખાબકતા ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઝોન પ્રમાણે વરસાદ
ઝોન | વરસાદ(મિમિ) |
સેન્ટ્રલ ઝોન | 27 |
વેસ્ટ ઝોન | 8 |
નોર્થ ઝોન | 15 |
ઈસ્ટ ઝોન-એ | 46 |
ઈસ્ટ ઝોન-બી | 44 |
સાઉથ ઝોન | 28 |
સાઉથ વેસ્ટ ઝોન | 27 |
સાઉથ ઈસ્ટ ઝોન | 43 |
સુરત શહેરની સરખામણીએ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો
રવિવારે વહેલી સવારે શહેરમાં પવન સાથે વરસાદ પડ્યોહતો. જો કે જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો હતો. શનિવારે રાતે 12થી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 3મીમી, કામરેજમાં 12 મીમી, ઓલપાડ-પલસાણામાં 2 મીમી, ચોર્યાસીમાં 6 મીમી, માંગરોળમાં 8 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે દિવસ દરમ્યાન વરસાદે વિરામ લીધો હતો.
પ્રથમ વરસાદમાં જ મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂનની પોકળ કામગીરી ખુલ્લી પડી
શહેરમાં પહેલા વરસાદમાં ઉધના, વરાછા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ જતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઇ હતી. વરસાદી પાણીની લાઇનમાં યોગ્ય સફાઇ ન થઇ હોવાથી પાણી ભરાયા હોવાની માહિતી સાંપડી છે. જેના કારણે રોડ પર પાણી ભરાઇ જવાથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.