છેલ્લા 23 દિવસથી સુસ્ત પડેલા સુરતના માર્કેટ આજથી ખોલવાની જાહેરાત બાદ વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. સવારે 9 વાગ્યાથી માર્કેટો ફરી ધમધમી ઉઠી હતી. 50 હજાર રિટેલર, 165 કાપડ માર્કેટની 70 હજાર દુકાનો 23 દિવસ બાદ આજથી ખુલી છે.
માર્કેટના કામદારોએ સરકારના નિર્ણયને વધાવ્યો
બેકાર બનેલા કાપડ માર્કેટ અને રિટેલરના કામદારોએ સરકારના આ નિર્ણયને પ્રસંશનિય ગણાવ્યો છે. રોજ કમાઈને રોજ ખાવાવાળાઓએ કહ્યું હતું કે કામ હશે તો જ ઘરનો ચૂલો સળગે છે નહીતર બે ટાઇમના ભોજન માટે સામાજિક સંસ્થાઓની રાહ જોવી પડે છે. લોકડાઉન ની અસર માત્ર ગરીબ અને રોજ કમાઈને ખાવાવાળાઓ પર જ પડે છે. કોરોનાના વધતા જતા કેસને અટકાવવા માટે રાજ્ય સરકારે 23 એપ્રિલથી મિની લોકડાઉન લગાવી દીધું હતું. જોકે આજથી મિની લોકડાઉન હળવું થતા 50 ટકા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે.
વેપારીઓએ નવી SOP મુજબ દુકાનો ખોલી
રંગનાથન શારદા (કાપડ વેપાર) એ જણાવ્યું હતું કે, જુસ્સા સાથે વેપારીઓએ નવી SOP મુજબ દુકાનો ખોલી છે. લગભગ 70 હજાર દુકાનોમાં કામ કરતા કારીગરોની અછત હાલ દેખાય રહી છે. માર્કેટને રનિંગમાં આવતા હજી 20 દિવસનો સમય લાગશે. પરપ્રાંતીય કારીગરો જેઓ બીજા રાજ્યોમાંથી આવતા હોય છે એમને પાછા લાવવામાં ઘણી તકલીફો પડશે. આખા વર્ષનો 50 હજાર કરોડના વેપારનો 30 ટકા વેપાર તો છેલ્લા અઢી મહિનામાં એટલે કે 15 માર્ચથી મે 31 સુધીમાં કરાતો હોય છે. લગભગ 17 હજાર કરોડના વેપારમાં 10 હજાર કરોડનું તો વેપારીઓ નુકસાન કરીને બેઠા છે અને બાકીના 7 હજાર કરોડનો માલ ગોડાઉન કે ટ્રાન્સપોર્ટમાં પડેલો હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ 12-15 હજાર કરોડનું પેમેન્ટની ઉઘરાણી હજી બાકી છે. જોકે એક નવી શરૂઆત સાથે વેપારીએ વેપાર શરૂ કર્યો છે. આશા છે કે બહારગામના વેપારીઓ સાથે તમામનો સહકાર મળી રહેશે.
કારીગરોના બે ટાઇમના ભોજનનો પ્રશ્ન ઊભો થયો હતો
લોકોએ જણાવ્યું હતું કે માહામારી એ તો લોકોને મારી જ નાખ્યા છે. કેટલાક કોરોનામાં મૃત્યુ પામ્યા છે તો કેટલાક આર્થિક ભીંસમાં, છેલ્લા 23 દિવસથી મેન્યુફેક્ચરિંગ યુનિટની સાથે બધાં જ પ્રકારની દુકાનો અને રિટેલ શોપ બંધ હતી. જેને લઈ હજારો કારીગરો માટે બે ટાઇમના ભોજનનો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો. કોરોનામાં નિયંત્રણ આવતા આજથી સવારે 9 કલાકથી બપોરે 3 કલાક સુધી ટેક્સટાઇલ માર્કેટ, હીરાબજાર સહિતના નાના મોટા બજારો ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી છે જે આવકાર દાયક પગલું કહી શકાય છે.
માર્કેટ બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન
વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ જ્યાં મિની લોકડાઉનમાં જ્યાં ટેક્સટાઇલના કાપડ ઉત્પાદનના યુનિટો ચાલુ રહ્યાં હતા ત્યાં બીજી તરફ ગ્રેની ખરીદીથી લઇને મિલમાં જોબવર્ક કરવાવાળા ટ્રેડર્સની દુકાનો બંધ રહેવાથી કાપડ ઉદ્યોગ ઠપ્પ પડ્યો હતો. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય એમ કહી શકાય છે. આ જ સ્થિતિ હીરાબજારની પણ હતી. શહેરમાં નાના-મોટા કુલ 50 હજાર જેટલા રિટેલર્સ છે. જેમનું માસિક ટર્ન ઓવર અંદાજે 4 હજાર કરોડ રૂપિયા જેટલું થાય છે. આમ 23 દિવસ સુધી બંધ રહેવાથી આ રિટેલર્સને પણ મોટું નુકસાન થયું છે.
વેપારની ગાડીને પાટે ચડતા હજુ વાર લાગશે
બજાર ચાલુ કરવાના સરકારના નિર્ણય પર ફોસ્ટાના અધ્યક્ષ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, આ એક સારુ પગલું છે પરંતુ વેપારની ગાડીને પાટે ચડતા હજુ વાર લાગશે. જ્યાં સુધી દેશભરના બજારો નહીં ખુલશે ત્યાં સુધી માહોલ ઠંડો રહેશે. બજાર ચાલુ રાખવા મુદ્દે પાલિકા કમિશનરે જણાવ્યું કે, આમાં રાજ્ય સરકારના નિયમનું ચુસ્તપણે પાલન કરાશે. સ્થાનિક સ્તરે કોઇ પરિવર્તન નહીં કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.