83 દિવસમાં ત્રણને ફાંસી:સુરત રેપની સાથે મૃત્યુદંડનું પણ કેપિટલ, ત્રણેય કેસમાં માસૂમોને પીંખી હત્યા કરનારા હેવાનોને કોર્ટે આકરી સજા કરી

સુરત5 મહિનો પહેલા
  • નરાધમ ગુડ્ડુ યાદવ, દિનેશ બૈસાણે બાદ હર્ષસહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારવામાં આવી
  • સુજીત મુન્નીલાલ સાકેત, હનુમાન નિસાદ બાદ હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા કરાઈ

સુરતમાં કોર્ટ દ્વારા છેલ્લા 83 દિવસમાં બાળકી-કિશોરીઓને પીંખનાર ત્રણ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીઓને આકરી સજા ફટકારી સમાજમાં એક દાખલો બેસાડવા અને દુષ્કર્મીઓમાં સજાનો ખોફ બેસાડવા પ્રયાસ કર્યો છે. બાળકી-કિશોરી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા ગુડ્ડુ યાદવ, દિનેશ બૈસાણે બાદ હર્ષસહાય ગુર્જરને પણ ફાંસીએ લટકાવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

7 માર્ચઃ કિશોરી અને તેની માતાની હત્યા કરનાર એકને ફાંસી, એકને આજીવન કેદ
6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચીન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી. જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં આ લાશ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતું. જોકે, આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેકીં દીધી હતી. બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બંને માતા-પુત્રી હોવાનું ખુલ્યું હતું. નરાધમે કિશોરી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી હતી. કારના આધારે પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી. કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતા 4 માર્ચના રોજ કોર્ટમાં બંન્ને આરોપીઓને તકસીવરા ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે આજે બંને આરોપીમાંથી હર્ષસહાયને ફાંસી અને હરિઓમને આજીવન કેદ ફટકારવામાં આવી છે.

16 ડિસેમ્બરઃદુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનારાને ફાંસી
સુરતના પાડેસરામાં ડિસેમ્બર-2020માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા મારી પાશવી હત્યા કરનારા આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે 16 ડિસેમ્બરના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. ગત 10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એન.એ.અંજારીયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામની તપાસ-ઉલટ તપાસ બાદ કોર્ટે તાબડતોબ ફાંસીની સજા સંભળાવી હતી. તમામ વૈજ્ઞાનિક પૂરાવા જોતા વડાપાઉંની લાલચ આપીને દુષ્કર્મ આચરનારા દિનેશને કોર્ટે કોઈ જ રહેમ ન રાખીને ફાંસીના માચડે લટાવવાનો હુકમ કર્યો હતો.

7 ડિસેમ્બરઃ 10 દિવસમાં જ સુરતમાં રેપના આરોપીને ફાંસીની સજા
સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે 4 નવેમ્બરના રોજ દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી સેશન્સ કોર્ટે 7 ડિસેમ્બરે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં પણ પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. 6 ડિસેમ્બરે આરોપીને આ કેસમાં દોષી ઠેરવાયો હતો, અને 7મીએ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

11 નવેમ્બરઃ 29 દિવસમાં છેલ્લા શ્વાસ સુધીની સજા
સુરતની પોક્સો કોર્ટે રેપની ઘટનામાં ઝડપી ચુકાદો આપતા 4 વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ કરી છે. કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે. ગત 12-10-2021ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ જબરદસ્ત સંકલન સાધીને આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે.ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

29 ડિસેમ્બરઃ સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી હત્યા કરનારને આજીવન કેદ
સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે. ચુકાદો સાંભળતા નરાધમે જજ પર ચપ્પલ ફેંક્યું હતું. આઠ મહીના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટ્યો હતો.જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.