• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Unique Theft Of Cyber Cheaters, The Middle aged Bank Immediately Mortgaged The FD And Took A Loan Of 90% Of The Amount And Squandered The Amount!

બેંક FD પણ ક્યાં સલામત છે?:સાયબર ચીટરોની અનોખી ચોરી, આધેડની બેંક FDને બારોબાર ગીરવી મૂકી 90% રકમની લોન લઈ રકમ ચટ કરી ગયા!

સુરતએક મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • મોબાઈલ હેક કરી અને એપ ડાઉનલોડ કરાવી લાખો ખંખેર્યા, સિમ ચેન્જ કરી ખેલ ખેલાય છે
  • સસ્તી પ્રોડક્ટની લાલચ આપતી લિંકો દ્વારા ટાર્ગેટના મોબાઈલમાં ઘૂસે છે સાયબર ગઠિયાઓ

આધુનિક યુગમાં બધું ઓનલાઈન થઈ રહ્યું છે. ખાસ કરીને નેટ બેંકિગનો વિકલ્પ હવે સૌથી વધુ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જેને કારણે ઠગ ટોળકીને મોકળું મેદાન મળી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. મધ્યમ અને ગરીબ પરિવારના લોકોના બેંક એકાઉન્ટમાં જીવનની એકત્રિત કરેલી મૂડી એફડી(ફિક્સ ડિપોઝિટ) રૂપે બેંકમાં જમા કરાવે છે, પરંતુ આ જમા મૂડી ઉપર સાયબર ક્રાઇમ આચરનારાઓ પોતાની નજર રાખીને બેઠા છે. છેલ્લા થોડા સમયથી બેંક એકાઉન્ટની સાથે FDની પણ ઉઠાંતરી થતી હોવાના કિસ્સા વધ્યા છે.

સાયબર ક્રાઇમ આચરનારા સતત પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે. સાયબર ક્રાઇમની માયાજાળ એટલી વિશાળ થઈ રહી છે કે તેમાંથી બચવું હવે દરેક વ્યક્તિ માટે મુશ્કેલ બની રહ્યું છે. કોણ ક્યારે તેનો ભોગ બની જાય તે કહી શકાય એવું નથી. ઓનલાઇન એપ્લીકેશનનોથી લઈને તમામ નેટ બેંકિંગ વ્યવસ્થામાં પણ ગમે ત્યારે આ સાયબર ક્રાઇમ આચરનારાઓ ભેજાબાજો નવો માર્ગ શોધીને લાખો રૂપિયાની ઉઠાંતરી કરી રહ્યા છે.

અત્યારસુધી હેકિંગ માટેની લિંક બનાવી સસ્તી પ્રોડક્ટની લાલચ આપી સાયબર ગઠિયાઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડનું ફ્રોડ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તો સુરતમાં બેંકમાં મૂકેલી FDને બારોબાર વટાવીને અથવા તો તેના પર લોન લઈને લાખોનું કરી નાખવાના કિસ્સા વધી રહ્યા છે. પોલીસ માટે પણ આ એક મોટી ચેલેન્જ બની છે કે આવા સાયબર ક્રાઈમને કેવી રીતે રોકવું.

કિસ્સો 1: રૂપિયા 12થી 13 એકાઉન્ટમાં ટ્રાન્સફર
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા શૌકત ભાણવડિયા સાથે થયેલી ઘટના અનોખી અને ચોંકાવનારી છે. શૌકત ભાઈ બેંક એપ્લીકેશનનો ઉપયોગ કરતા હતા. YONO એપ્લિકેશન હેંગ થઈ હતી. 6 જાન્યુઆરી 2020ના દિવસે તેમની એપ્લીકેશન હેક થયા બાદ તેમના બેંકમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ ઉપર કોઈ ઠક બાજે લોન લઈ લીધી હતી. આવી ઘટના ક્યારેય સામે નહીં આવી હોય કે કોઈએ ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લીધી હોય. 18 લાખની એફડી ઉપર અન્ય 90% જેટલી એટલે કે 16.48 લાખની લોન લઈ લીધી. બેંકને પણ આ બાબતની કોઈ જાણ ન થાય એ નવાઈની વાત છે. YONO એપ્લીકેશન શરૂ ન થતાં શૌકત બેંક પર પહોંચ્યા હતા અને ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના બેન્ક એકાઉન્ટનો જે મોબાઇલ નંબર હતો તે કોઇ ત્રાહિત વ્યક્તિ દ્વારા બદલી નાખવામાં આવ્યો છે અને તેના કારણે બેંકમાં ઓનલાઇન ફિક્સ ડિપોઝિટ ઉપર કોઈ વ્યક્તિ દ્વારા લોન લેવામાં આવી હોય તેવું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ જે રૂપિયા લેવામાં આવ્યા હતા તેને 12થી 13 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. ડિપોઝિટ ઉપર જે લોન લીધી હતી તે લોન વ્યાજ પણ તેમણે ભરપાઇ કરવાનો વખત આવ્યો છે. શૌકતભાઈ ભોગ બન્યા બાદ હવે સાયબર ક્રાઇમ પાસે ફરિયાદ લઈને પહોંચ્યા છે.

કિસ્સો 2: બે દિવસમાં 14 લાખની FD સાથે રૂપિયાની ઉઠાંતરી
સુરતના રામનગર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પરદેશીના બેંકમાં જમા કરેલી ડિપોઝિટની રકમ ઉપાડી લેવામાં આવી છે. મહેન્દ્રભાઈએ મોબાઇલ ઓનલાઇન ખરીદી કરવા માટે સર્ચ કરી રહ્યા હતા. દરમિયાન તેમને મોબાઈલ સસ્તા દરે મળી જશે જેને માટે ANY DESK એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એપ્લીકેશન ડાઉનલોડ કરતાની સાથે જ ઠગ ટોળકીએ તેમનો મોબાઈલ હેક કરી દીધો હતો. તારીખ 18 ફેબ્રુઆરી 2022ના દિવસે મોબાઈલ હેક થઈ ગયો હતો. 18 અને 19 ફેબ્રુઆરીના બે દિવસ દરમિયાન 10થી 12 વખત તેમના બેંક એકાઉન્ટ અને એફડી તોડીને રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. મહેન્દ્ર પરદેશીના એકાઉન્ટમાંથી રૂપિયા 14 લાખની એફડી તોડી રૂપિયા ઉઠાવી લેવાયા. પહેલા 5 લાખ, બીજીવાર 4.80 લાખ, ત્રીજીવાર 4 લાખ રૂપિયા તથા બેંક એકાઉન્ટમાં રૂપિયા પણ ઉપાડી લેવાયા. અન્ય એક બેંકમાં પણ એફડી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેંકે તેમને જણાવ્યું કે અમારે ત્યાં ઓનલાઇન FD તોડવા માટેની કોઈ સુવિધા નથી. તમારે પોતે જ અહીં બેંકમાં આવવું પડશે એ પ્રકારે જાણ કરાતા આ એફડીની રકમ ઠગબાજો મેળવી શક્યા ન હતા. મહેન્દ્રભાઈ પરદેશીએ તેમની સાથે થયેલી ઓનલાઈન ચિટિંગની તમામ બાબતો જણાવી હતી. તેમણે હવે સાયબર ક્રાઇમની મદદ માગી છે.

ઠગબાજ લોકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલી નાકે
સાયબર ક્રાઇમ એક્સપર્ટ સ્નેહલ વકીલનાએ નેટબેંકિંગ દ્વારા કરવામાં આવતા ફ્રોડ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના દ્વારા આચરવામાં આવતી મોડસઓપરેન્ડી વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે ફેસિલિટીના નામ પર ઓનલાઈન બેંકિંગ સિસ્ટમ લાયબિલિટી છે. નેટબેંકિંગમાં ઘણા એવા કિસ્સાઓ બને છે કે જેનાથી તમારા બેંક એકાઉન્ટ જોખમમાં મુકાઈ જાય છે. હમણાં તો કેટલાક કિસ્સાઓની અંદર એફડી પણ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી રહી છે. ઘણા લોકો તમારા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ બનાવી લે છે અથવા તો કેટલાક કિસ્સાઓમાં તમારા બેંક એકાઉન્ટમાં જે નીક નેમ હોય છે. તેનો ઉપયોગ કરીને ફ્રોડ કરતા હોય છે.

ઠગબાજોને ઝડપી પાડવા પણ મુશ્કેલ
વધુમાં જણાવ્યું કે હજી પણ ઓનલાઇન બેન્કિંગ વ્યવસ્થા એટલી ફૂલ પ્રૂફ નથી થઈ. જેને કારણે લાખો અને કરોડો રૂપિયા લોકોના બેંક એકાઉન્ટમાંથી ઠગબાજો રૂપિયા ઉપાડવામાં સફળ થઈ જાય છે. ઘણી વખત બેંકો દ્વારા ઓનલાઇન બેન્કિંગ ખૂબ સરળ છે અને સુરક્ષિત છે વાત કરવામાં આવે છે પરંતુ જ્યારે સાયબર ક્રાઈમના બનાવો સામે આવતા હોય છે ત્યારે એ વાત પોકળ પુરવાર થતી હોય તેવું લાગે છે. સાયબર ક્રાઇમ આચરનારાઓ એટલા સાચેત હોય છે કે તેમને ઝડપી પાડવા પણ મુશ્કેલ બની જાય છે અને બેંકમાં એકાઉન્ટ માંથી જે રૂપિયા જતા રહે છે તેને પરત મેળવવા પણ મુશ્કેલ થાય છે.