સુરતના પુણા વિસ્તારમાં ખાડીનો પ્રશ્નો વર્ષો જૂનો છે. પરંતુ આજદિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ગત બજેટમાં 560 કરોડનું બજેટ પણ મંજૂર કરાયું હતું પરંતુ પરિસ્થતિ જૈસે થે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓના ફોટા ખાડી કિનારે તોરણરૂપે લગાવી અનોખો વિરોધ કરાયો હતો તેમજ બેનરમાં શાસક અને વિપક્ષ ભાઈ-ભાઈની ભૂમિકામાં હોય તેવું લખાણ લખાયું હતું.
મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના ફોટો લગાવાયા
સુરતના પુણા વિસ્તારમાં ખાડીના પ્રશ્ને સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વર્ષો જૂના ખાડીના પ્રશ્નોનો મુદ્દો આજદિન સુધી ઉકેલાયો નથી. નેતાઓ માત્ર ખાડીને લઈને રાજકારણ કરવા સિવાય કઈ જ કરતા નથી. ભૂતકાળમાં આપ પાર્ટી દ્વારા થોડા દિવસો સુધી ખાડીમાં ઉતરી સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ બધું જેમનું તેમ છે. ત્યારે હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોય ખાડી પૂર આવવાની શક્યતા રહેલી હોય આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ખાડી કિનારે શાસક પક્ષ એટલે કે મેયર હેમાલીબેન બોઘવાલા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, સી.આર પાટીલ, ડે મેયર દિનેશ જોધાણી, સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો તેમજ વિપક્ષ પ્રતિનિધિ ધર્મેશ ભંડેરી સહિતના લોકોના ફોટા લગાડવામાં આવ્યા હતા.
બેનરમાં શાસક વિપક્ષ ભાઈ-ભાઈ જેવું લખાણ
ખાડી પર એક બેનર પણ અહી લગાવવામાં આવ્યું હતું. બેનરમાં આ સ્વચ્છ સુરતની ખુબ સૂરત ખાડીની સફાઈ નહીં થાય, મરજી અમારી, સરકાર અમારી, સંસદ સભ્યો અમારા, ધારાસભ્યો અમારા, કોર્પોરેટરો અમારા, ખાડી પેક નહી થાય મરજી અમારી, શાસક વિપક્ષ ભાઈ-ભાઈ જેવું લખાણ પણ લખાયું હતું.
શાસકપક્ષ અને વિપક્ષની આંખ ખોલવા માટેનો કાર્યક્રમ
પૂર્વ નગર સેવક દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે શાસકપક્ષ અને વિપક્ષની આંખ ખોલવા માટેનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે વર્ષોથી ખાડીની આ સમસ્યા છે. અમે પોતે વર્ષોથી આ પ્રતિનિધિ કરતા હતા ત્યારે અંગત રસ લઈને લોકોને આ સમસ્યાથી મુક્તિ મળે તે માટે 560 કરોડનું બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આજે 5 વર્ષ વીતવા છતાં કોઈ કામગીરી થઇ નથી. જેથી શાસક અને વિપક્ષના ફોટા અહીં લગાડવામાં આવ્યા છે.
સમસ્યાનો કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી
વધુમાં જણાવ્યું હતું કે, ખાડીને લઈને માત્ર રાજકારણ જ કરવામાં આવી રહ્યું છે સમસ્યાનો કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી. આ ઉપરાંત ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો આ અંગે ધ્યાન નહીં દેવામાં આવશે તો અહીં ખાડી પૂર પણ આવી શકે છે. આગામી દિવસોમાં પીએમ મોદી કે જે સ્વચ્છ ભારતની વાત કરે છે તો પીએમ મોદી અને મુખ્યમંત્રીના ફોટા પણ લગાડીશું. થોડા દિવસો પહેલા વિપક્ષ એટલે કે આપ પાર્ટીના લોકો ખાડીમાં ઉતરી માત્ર ફોટો સેશન કર્યું હતું. ત્યારે અહીં જે વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે અમે કહેવા માગીએ છીએ આવો અહીં સફાઈ કરો અથવા સફાઈ કરાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.