• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • I cards Of Boys Will Be Checked In Garba Classes Of Navratri, It Is Not Good If A Non religious Youth Enters By Lying: Hindu Organizations

દીકરી ગરબા શીખવા જાય છે, આટલું ધ્યાન રાખજો:નવરાત્રિના ગરબા ક્લાસીસમાં છોકરાઓનાં આઇ-કાર્ડ ચેક કરાશે, ખોટું બોલી વિધર્મી યુવક ઘૂસ્યો તો ખેર નથીઃ હિન્દુ સંગઠનો

સુરત25 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે

દેશભરમાં લવ-જેહાદનો વિવાદ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. નવરાત્રિ દરમિયાન વિધર્મી યુવકો નામ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવતા હોવાની ઘણી ફરિયાદો ઊઠી છે. આને કારણે અનેક યુવતીઓનું જીવન નરક સમાન બની ગયું છે. મોટે ભાગે વિધર્મીઓ ગરબા ક્લાસીસમાં જોડાઈને હિન્દુ યુવતીઓને ફસાવવાની જાળ પાથરતા હોય છે. પછી તેમનો નિયમિત સંપર્ક કરીને ધીરે ધીરે તેમની તરફ આકર્ષાતા હોય છે, પરંતુ આ વખતે આ મોડસ ઓપરેન્ડીને ફેલ કરવા હિન્દુ સંગઠનોએ અલગ સ્ટ્રેટેજી બનાવ્યાનું દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે.

ગરબા ક્લાસીસમાં કોઈ વેરિફિકેશન થતું નહોતું
હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ, નવરાત્રિના નામે વિધર્મીઓ કેટલાક હિન્દુ મિત્રો સાથે તેમના ગ્રુપમાં ગરબા ક્લાસ સુધી પહોંચી જાય છે. આ રસ્તો શોધી લીધા બાદ તેઓ પોતાનું નામ બદલી નાખે છે. ગરબા ક્લાસીસના સંચાલકોને પૈસાથી જ નિસ્બત હોય છે અને આ કારણે તેઓ કોઈ વેરિફિકેશન કરતા નથી. આવા ક્લાસીસમાં પ્રવેશ મેળવીને વિધર્મીઓ હિન્દુ યુવતીઓને ફસાવતા હોય છે, પરંતુ આ વખતે આવું થવા નહીં દેવાય.

આ વખતે હિન્દુ સંગઠનો બધે જઈ ચકાસણી કરશે
આ વખતે નવરાત્રિ પહેલાં હિન્દુ સંગઠનો દ્વારા ટીમ તૈયાર કરવામાં આવી છે. તેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા ગરબા ક્લાસીસમાં પહોંચીને સંચાલકોનો સંપર્ક કરશે. સંચાલકો સાથે વિસ્તૃત ચર્ચા કરીને કોઈપણ વિધર્મી ગરબા શીખવવા આવે છે કે કેમ એ પહેલા તેની ખાતરી કરશે. ત્યાર બાદ આઈ-કાર્ડ ચેક કરાશે અને ગરબા શીખવા કોઈ વિધર્મી આવતો હોય તો તેને રોકવાનો પ્રયાસ કરાશે.

વિધર્મીઓ ખોટી ઓળખ આપશે તો કડક પગલાં લેવાશે
ગરબા-સંચાલકોને સૂચના આપવામાં આવી રહી છે કે તમામ વ્યક્તિઓની ચકાસણી કરી લેવી જરૂરી છે. ઘણી વખત હિન્દુ મિત્રો વર્તુળમાં જ રહેતા હોવાને કારણે સહજ ભાવે ગરબા ક્લાસીસમાં હિન્દુઓ પોતાના વિધર્મી મિત્રોને લઈ જતા હોય છે, પરંતુ એનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. આવા કિસ્સાઓમાં પણ ગરબા ક્લાસીસના સંચાલકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમને પ્રવેશ આપવો નહીં અને જો કોઈ વિધર્મી યુવક જોવા મળશે તો કડક પગલાં લેવામાં આવશે.