આપ-ભાજપ આમને-સામને:સુરતમાં AAPના કાર્યકર્તાઓને માર મરાયાના CCTV, પોલીસ સ્ટેશનમાં આખી રાત સૂઈ વિરોધ કર્યા બાદ BJPના 6 કાર્યકાર સામે ગુનો નોંધાયો

સુરત7 દિવસ પહેલા
  • સરથાણા પોલીસે ફરિયાદ ન લેતાં પોલીસ સ્ટેશન સામે જ ધરણાં કર્યાં
  • આપના કાર્યકરોએ પોલીસ સ્ટેશન સામે 12 કલાક સુધી અડિંગો જમાવ્યો
  • સરથાણા પોલીસે આપના પ્રદેશમંત્રી સામે પણ ગુનો નોંધ્યો

ફરી એકવાર સુરતમાં આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. શનિવારે રાત્રે વાલમનગર સીમાડા નાકા પાસે પ્રચાર માટે ગયેલા AAPના કાર્યકર્તાઓ પર હુમલો થયો હતો. AAPના ઇજાગ્રસ્ત કાર્યકર સહિતના નેતાઓની સરથાણા પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં જ ધરણાં પર બેસી ગયા હતા. આખી રાત સૂતા બાદ પોલીસે ભાજપના 6 સામે ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ, સુરતમાં AAP પર થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે.

AAPના કાર્યકરો અને BJPપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
સુરતમાં વાલમનગર સીમાડા નાકા પાસે AAPના નેતાઓ જનસંવાદ કાર્યક્રમમાં પ્રચાર માટે ગયા હતા, જેમાં પ્રદેશ સંગઠનમંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વાસાણી, આકાશ ઇટાલિયા સહિતના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ AAPના નેતાઓ અને કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ AAPના ઇજાગ્રસ્ત કાર્યકર સહિતના નેતાઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં જ ધરણાં પર બેસી ગયા છે. આખી રાત પોલીસ સ્ટેશન બહાર જ સૂતા હતા.

પોલીસ સ્ટેશન સામે આખી રાત સૂતા રહ્યા.
પોલીસ સ્ટેશન સામે આખી રાત સૂતા રહ્યા.

ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હોવા છતાં ગુનો દાખલ કરાયો ન હતો
AAPના આક્ષેપ મુજબ, ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હોવા છતાં ગુનો દાખલ કરાયો ન હતો. AAPના કાર્યકર્તાઓએ 12 કલાક ધરણાં કર્યાં બાદ આખરે પોલીસે 6 ભાજપ કાર્યકરોસામે ગુનો દાખલ કરતાં મામલો થાળે પડ્યો હતો. સરથાણામાં આપ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, રાજ્ય સહમંત્રી રાજેન્દ્ર વસાણી, આકાશ ઈટાલિયા સહિતના 7 નેતા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ધારીમાં પણ તાલુકા પ્રમુખ જિતુભાઈ ગજેરા પર હુમલો કરવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત હોવા છતાં વિરોધ કરી ગુનો દાખલ કરાવ્યો.
ઈજાગ્રસ્ત હોવા છતાં વિરોધ કરી ગુનો દાખલ કરાવ્યો.

ભાજપના 6 અને આપના 3 સામે ગુનો નોંધાયો
આપના પ્રદેશ મંત્રી રામ ધડુકે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ભાજપના કામરેજ વિધાનસભાના પ્રભારી દિનેશ દેસાઈ, કલ્પેશ દેવાણી અને વિક્રમ રબારી સહિત 6 સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. દિનેશ દેસાઈએ પણ ફરિયાદ આપતાં પોલીસે આપના પ્રદેશ સંગઠનમંત્રી રામ ભીખા ધડુક, આકાશ ઈટાલિયા અને રાજેન્દ્ર વસાણી સામે ગુનો નોંધ્યો છે.

પ્રયાર માટે જતાં ઘર્ષણ થયું હતું.
પ્રયાર માટે જતાં ઘર્ષણ થયું હતું.

થોડા દિવસોમાં બીજીવાર ઘર્ષણ
સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બીજી વખત ઘર્ષણ થયું છે. થોડા દિવસો પહેલાં સુરત શહેર ભાજપ કાર્યાલય પર વિરોધપ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચેલા આપના કાર્યકરો - નેતાઓને માર મારવામાં આવ્યો હતો. મારામારીમાં આપના નેતા દિનેશ કાછડિયા સહિત ત્રણ નેતાને ઈજા થઈ હતી, જેમાં અજાણ્યા 7 સામે પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ માર મારનાર ભાજપના જ હોવાનો પુરાવો પણ આપ્યો હતો.