વિરોધ:સુરતમાં નોટબંધીને કાળા દિવસ તરીકે કોંગ્રેસ દ્વારા મનાવાયો, પરિપત્રને સળગાવીને વિરોધ નોંધાવતા 10ની અટકાયત

સુરત3 મહિનો પહેલા
કોંગ્રેસ દ્વારા બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો.
  • રિંગરોડ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે નોટબંધીના પરિપત્રની હોળી કરી

નોટબંધી 8 નવેમ્બર 2018થી લાગુ કરવામાં આવી હતી. મોદી સરકારે લીધેલા સૌથી મોટા નિર્ણય પૈકીનો એક માનવામાં આવે છે. આ નિર્ણયના કારણે દેશમાં આર્થિક સ્થિતિ ખૂબ જ નબળો થયો હોવાની આર્થિક નિષ્ણાતોએ પણ માન્યું હતું. સુરતમાં કોંગ્રેસ દ્વારા રિંગરોડ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે નોટબંધીના પરિપત્રની હોળી કરવામાં આવી હતી. કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાઓને સલાબતપુરા પોલીસે અટકાયત કરી હતી.

કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નોટબંધીને લઈને વિરોધ
નોટબંધી બાદ દેશમાં જે પ્રકારની આર્થિક તંગીનો લોકોએ અનુભવ કર્યો હતો તે ખરેખર ખૂબ જ પીડાદાયક રહ્યો હતો. એકાએક રૂ. 500 અને 1000ના દરની નોટોનું ચલણ બંધ થઈ જતા અનેક મુશ્કેલીઓ ઊભી થઇ હતી. નોટબંધીના મુદ્દાને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા મોદીની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા તેને મુદ્દો બનાવીને પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજદિન સુધી સતત આ મુદ્દાને લઈને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહી છે.

કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.
કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.

કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અરશદ કલ્યાણી જણાવ્યું કે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નોટબંધીને લઈને વિરોધ નોંધાવ્યો છે. નોટબંધી એ મોદી સરકારનો આર્થિક મોરચે નિષ્ફળ થવાનો મોટો પુરાવો છે. લોકોએ લાઇનોમાં ઊભા રહીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા ખોટા નિર્ણયને કારણે કેન્દ્ર સરકારે દેશની આર્થિક સ્થિતિ નબળી કરી છે. આજે નોટબંધીના પરિપત્રની હોળી કરીને અમે સખત વિરોધ નોંધાવ્યો છે. અમારા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે પરંતુ અમે સતત આ પ્રકારનો વિરોધ નોંધાવતા રહીશું.