ખેતીની જમીનના ભાવ વધશે:સુરત હવે ખેતી મુક્ત શહેર બની રહ્યું છે, થોડી જમીનો ખેતીની બચી હોવાથી વેચાણ દસ્તાવેજો ઘટ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા સદનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત જિલ્લા સદનની ફાઈલ તસવીર.
  • હવે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજો માટે સપ્તાહમાં બે કે ત્રણ જ દિવસ જ થશે

ભારતના સ્માર્ટ સિટીમાં અગ્રણ્ય સુરત શહેર હવે ખેતી મુક્ત શહેર બની રહ્યું છે. સુરત શહેરમાં ખેતીની થોડી જમીનો જ બચી છે. એક સમય એવો હતો કે સુરત શહેરમાં ખેતી લાયક કે જમીનના વેચાણ દસ્તાવેજ કરાવવા માટે એપોઇન્ટમેન્ટની મહિનો દહાડો રાહ જોવી હતી અને હાલમાં ખેતીની જમીનો બચી નહીં હોવાથી પરિસ્થિતિ એવી ઉદભવી છે કે હવે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજો માટે સપ્તાહમાં બે કે ત્રણ જ દિવસ મુકરર કરી દેવામાં આવ્યા છે.

ખેતીની જમીનના બહુ જ ઓછા નંબરો બચ્યા છે જે વેચવાલ નથી
રાજ્ય સરકારના રેવન્યુ ચોપડે સુરત શહેરનો મોટા ભાગનો વિસ્તાર રાંદેર અને ચોર્યાસીની સબરજિસ્ટ્રારની કચેરી હસ્તક છે. રાંદેર સબરજિસ્ટ્રારની કચેરીમાં 64 જેટલા ગામ, ગામતળ તેમજ ચોર્યાસી સબ રજિસ્ટ્રારની કચેરીમાં કુલ 52 ગામ, ગામતળ વિસ્તારો સમાવિષ્ટ આ 116 ગામતળ વિસ્તાર એટલે સુરત શહેરનો મોટા ભાગનો વિસ્તાર ગણાય. આ વિસ્તારમાં હવે ખેતી લાયક જમીનો એવું નથી કે બચી જ નથી. ખેતીની જમીનના બહુ જ ઓછા નંબરો બચ્યા છે જે વેચવાલ નથી. અને એના કારણે હવે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજો પણ ઘટી ગયા છે.

રાંદેરમાં બે દિવસ જ કામગીરી
રેવન્યુ દફતરે પણ રાંદેર અને ચોર્યાસી સબરજિસ્ટ્રાર કચેરીની વહીવટી કામગીરીમાં ફેરબદલના નિર્ણય લેવામાં આવ્યા છે. જે મુજબ રાંદેર સબ રજિસ્ટ્રારની કચેરીમાં ખેતીની જમીનના દસ્તાવેજો પર મહોર મારવાની કામગીરી હવે સપ્તાહમાં ફક્ત બે જ દિવસ, દર મંગળ અને શુક્રવારે જ હાથ ધરવામાં આવશે. એવી જ રીતે ચોર્યાસી સબરજિસ્ટ્રારની કચેરીમાં ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ માટે દર સોમ, બુધ અને ગુરુવાર મુકરર કરી દેવામાં આવ્યો છે. ચોર્યાસી સબ રજિસ્ટ્રારની કચેરીના વિસ્તારમાં સમાવિષ્ટ 52 જેટલા ગામોની ખેતીની જમીનના દસ્તાવેજ માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ ફક્ત સોમ, બુધ અને ગુરુવારે જ થઇ શકશે.

ભાવમાં વધારો થશે
સુરત શહેરમાં હવે જે થોડી જમીનો ખેતીની બચી છે તેના ભાવ વધુ ઉંચકાશે. કેમકે હવે કમર્શિયલ અને રેસિડેન્સિયલ પ્રોજેક્ટ જો કોઇએ કરવા હોય તો એ ક્યાં તો માલિકીની જમીન પર થઇ શકશે. માર્કેટમાંથી જમીન ખરીદીને તેને એનએ કરાવ્યા બાદ પ્રોજેક્ટ કરવો મુશ્કેલ બની જશે કેમકે હાલમાં જ જમીનના ભાવ એટલા વધી ચૂક્યા છે કે હવે પ્રોજેક્ટ સસ્ટેન થાય તેટલા ભાવ મળવા મુશ્કેલ બની રહ્યા છે.