મોટા વરાછાના અવધ ગ્રુપના બિલ્ડર જયંતી એકલેરા, ગુડ્ડુ પોદ્દાર સહિત મોટા ગજાના 6 બિલ્ડરોએ મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયાને એટલી હદે ત્રાસ આપ્યો કે, જેણે અમદાવાદ ખાતે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસની તપાસ કરવા એસઆઇટીની રચના કરવામાં આવી છે. જોકે, ગુનો દાખલ થતાની સાથે બિલ્ડર ગુડ્ડુ પોદ્દાર, જયંતી એકલેરા સહિત 6 જણા ભાગી ગયા છે.
એસઆઈટીએ પૂછપરછ માટે તમામને નોટિસ આપી છે. બીજી તરફ ક્રાઇમબ્રાંચનાં એક અધિકારી સ્ટાફ સાથે અમદાવાદ ખાતે બિલ્ડર અશ્વિન ચોવટીયાના નિવેદનો લેવા મંગળવારે બપોરે નીકળ્યા હતા. આ કેસને લઈ પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
જેમાં તેમણે જણાવ્યું કે ડાયરી થકી લેતીદેતી થયેલી છે, જે બાબતે તપાસ કરાશે, આરોપીની ભૂમિકા અને કેવી રીતે ધાક-ધમકી આપી તેની તપાસ કરાશે, સાથે સીપીએ કહ્યું કે આમાં કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો તેઓને છોડવામાં નહિ આવે. બિલ્ડર ગુડ્ડુ પોદ્દાર(રહે,વેસુ), અવધ ગ્રુપના જયંતી એકલેરા (રહે,રીવરવ્યુ હાઇટ્સ, મોટા વરાછા), જીગ્નેશ સખીયા(રહે,વેસુ), પરેશ વાડદોરીયા રજની કાબરીયા અને ધીરૂ હીરપરા સામે ખંડણી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસે જણાવ્યું કે કોઈ વ્યક્તિને ધાક-ધમકી કે ચીટીંગ કરે અને તે પોલીસમાં અરજી કે ફરિયાદ કરે તો પોલીસ તાત્કાલિક મદદરૂપ થશે. જો કોઈ વ્યકિતને કોઈ ધાક-ધમકી કે ચીટીંગ કરે અને તે પોલીસમાં અરજી કરે કે પછી ફરિયાદ કરે તો પોલીસ તેને તાત્કાલિક મદદરૂપ થશે. આવી કોઈ વ્યકિતને તકલીફ હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.