સુરતના સચિનના બોણંદ ગામમાંથી ધોરણ 12 આર્ટસની વિદ્યાર્થિનીએ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આવનાર 17 માર્ચે પરીક્ષાનું પ્રથમ પેપર હતું. પરિવાર દ્વારા ગામમાં જ રહેતા પ્રેમી સાથે વાત ન કરવા દેતા વિદ્યાર્થિનીએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા કરતાં પ્રેમ વધુ વ્હાલો લાગ્યો હતો અને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતા સચિન પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરતના છેવાડે આવેલ સચિનમાંથી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ પરીક્ષા કરતાં પ્રેમને વધુ મહત્વ આપી આપઘાત કરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સચિનના બોણંદ ગામના ડુંગરી ફળિયામાં નાના સાથે રહેતી અને ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતી 17 વર્ષીય રોશની રાઠોડ નામની વિદ્યાર્થિનીએ આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રોશની રાઠોડે ઘરના રસોડામાં જઈને છતના ફૂંક સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ધોરણ 12ની પરીક્ષા પહેલા આપઘાત કર્યો
રોશની રાઠોડ ભરી ગામ ખાતે આવેલ મોસમ હાઇસ્કૂલમાં ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતી હતી. આવનાર 17 માર્ચને શુક્રવારના રોજ ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પહેલું પેપર આપવાની હતી. પરંતુ પરીક્ષાના બે દિવસ પહેલા જ વિદ્યાર્થીનીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રોશનીની પિતરાઈ બહેન પણ ધોરણ 12 હતી. અને બંને ઘરના અલગ અલગ રૂમમાં આવનાર પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે રોશની પરીક્ષાની તૈયારી કરતા કરતા અચાનક રસોડામાં જઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
વિદ્યાર્થીની આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ
17 વર્ષીય રોશની રાઠોડના પિતા નાનુભાઈ 13 વર્ષ પહેલાં અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. જેને લઇ રોશની અને તેનો ભાઈ માતા શીલાબેન સાથે તેના 60 વર્ષીય નાના બુધિયાભાઈ સાથે ડુંગરી ફળિયામાં રહેતા હતા.મરનાર રોશનીની માતા શીલાબેન અને નાની અન્યના ઘરે ઘરકામ કરવા જતા હતા. જ્યારે નાના ઘર પાસે જ કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમના દીકરાની પુત્રી આરતી તેમની સાથે રહેતી હતી. દરમિયાન બપોરના સમયે માતા અને નાની અન્યના ઘરે કામ કરવા ગઈ હતી. જ્યારે નાના બહારના રૂમમાં આરામ કરતા હતા. ત્યારે રોશની અને તેની બહેન આરતી અલગ અલગ રૂમમાં ધોરણ 12ની પરીક્ષાની તૈયારી કરતા હતા. દરમિયાન અચાનક રોશની રસોડામાં જઈને ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે આરતીએ રસોડામાં જઈ જોતા રોશનીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા ગભરાઈ ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી. રોશનીના અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રેમી સાથે વાત ન કરવા દેતા આપઘાત કર્યો
રોશનીના આપઘાત કરી લેવા પાછળ તેના ભાઈ સુનિલ રાઠોડએ જણાવ્યું હતું કે, મારી બહેનની ત્રણ દિવસ પછી ધોરણ 12ની પરીક્ષા હતી. પરીક્ષાની તે તૈયારી કરતી હતી. અને અચાનક ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રોશની ગામમાં જ રહેતા એક યુવક સાથે તે વાત કરતી હતી. તેની સાથે પ્રેમમાં પડી હતી. યુવક યોગ્ય ન હોવાથી અને દારૂ પીતો હોવાથી પરિવારે આ યુવક સાથે વાત કરવાની ના પાડી હતી. તેની સાથે વાત કરવા દેવામાં આવતી ન હતી. જેને લઇ રોશનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો
સુનિલ રાઠોડ એ વધુમાં જણાવ્યું હતું કે, રોશનીએ ગળે ફાંસો ખાધા પહેલા સુસાઇડ નોટ લખી હતી. તે અભ્યાસ કરતી હતી. તે નોટમાં જ લખ્યું હતું કે, છોકરા સાથે વાત ન કરવા દીધી. એટલે હું આપઘાત કરું છું. પોલીસે વિદ્યાર્થિનીની આ સુસાઇડ નોટ કબ્જે કરી છે.
ભણવામાં ખૂબ જ હોશિયાર હતી
રોશનીના ભાઈ સુનિલે વધુમાં જણાવ્યું હતું કે, રોશની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ધોરણ 10 અને 11માં પણ સારા માર્ક સાથે પાસ થઈ હતી. ભણવાનું તેને કોઈ પ્રેશર હતું નહીં. ગામના છોકરા સાથે વાત ન કરવા દેતા પરીક્ષા પહેલા આપઘાત કરી લીધો છે. ધોરણ 12ની તેણે પરીક્ષા આપી હોત તો ખૂબ જ સારા માર્ક સાથે તે પાસ થઈ હોત.
પરીક્ષા કરતાં પ્રેમ વધુ વ્હાલો લાગ્યો
સચિનમાંથી ધોરણ 12 ની વિદ્યાર્થીનીનો જે રીતે પરીક્ષા પહેલા આપઘાત સામે આવ્યો છે. તેમાં વિદ્યાર્થીનીએ પોતાના ભવિષ્યની પરીક્ષા કરતાં પ્રેમને વધુ મહત્વ આપ્યું છે. પરિવારે દીકરીની ખુશી માટે પ્રેમી સાથે વાત ન કરવા દેવાનું દબાણ કર્યું હતું. પરંતુ વિદ્યાર્થિનીને તે પસંદ ન આવ્યું અને આત્મહત્યા કરી બોર્ડની પરીક્ષા પહેલા જ પોતાના જીવનની અંતિમ પરીક્ષા આપી દીધી.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ સચિન પોલીસને થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવતીએ લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીનીની ધોરણ 12 ના બોર્ડની હોલ ટિકિટ પણ પોલીસે કબજે લઈ આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.