તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાની આશા પર પાણી:વેસુ, મોટા વરાછા સહિતના 5 પ્લોટ લેવા એકપણ બિલ્ડરે રસ ન દાખવ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 99 વર્ષના ભાડા પટ્ટે પ્લોટ આપવાની યોજના રદ કરી દેવાઇ
  • પાલિકાને 500 કરોડ કમાવવાની આશા પર પાણી ફરી વળ્યું

સુરત પાલિકાએ વેસુ, મોટા વરાછા, ભરથાણા, પાલ સહિતના વિસ્તારોના પાંચ પ્લોટ 99 વર્ષના ભાડા પટ્ટે આપવા માટે જાહેરાત કરી હતી. મોકાની જગ્યા પર આવેલા કરોડોની કિંમતના આ પ્લોટ ભાડે આપી પાલિકાએ 500 કરોડની કમાણીનો અંદાજ બાંધ્યો હતો. 19 જૂન સુધી રસ દાખવનારે બીડ ભરવાના હતા અને ત્યારબાદ આ પ્લોટની ઇ-હરાજી કરવાનું આયોજન હતું. પરંતુ એકપણ પ્લોટમાં કોઇપણ બિલ્ડરે રસ ન દાખવતા આખરે પાલિકાએ પ્લોટ ભાડે આપવાની યોજના રદ કરી દેવી પડી હતી અને આ ફાઇલ દફતરે કરી દેવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જે પ્લોટ વેચવા કાઢ્યા હતા તેમાં વેસુમાં 3590 ચો.મીટર પ્લોટ હતો. એસ.ડી.જૈન સ્કૂલ સામે ટી.પી સ્કીમ નં 1, ફાઇનલ પ્લોટ નં 177ને સેલ ફોર કોમર્શિયલ હેતુ માટે વેચવા મુકેલા આ પ્લોટની અપસેટ વેલ્યુ પ્રતિ ચો.મીટર રૂા.1,62,416 નક્કી કરવામાં આવી હતી. આ ભાવ પ્રમાણે 3590 ચો.મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટથી પાલિકાને 58.30 કરોડની આવકનો અંદાજ નક્કી કરવામાં આવ્યો હતો.

વેસુના આ પ્લોટ સિવાય ટી.પી 6 વેસુ એફ.પી 70, ટી.પી 13 (ભરથાણા-વેસુ), એફ.પી 167, ટી.પી 14 (પાલ), એફ.પી 150 અને ટી.પી 24 (મોટા વરાછા-ઉત્રાણ), એફ.પી 193નો પ્લોટની હરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં બિલ્ડરોની સ્થિતિ પણ સારી ન હોવાને કારણે મોકાની જગ્યા માટે પણ એકપણ બિલ્ડરે રસ દાખવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...