કામગીરી:‘કોઈપણ TRBને દંડ ઉઘરાવવાની અને હાથમાં દંડો રાખવાની કોઈ સત્તા નથી’

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલ બોઘરા કેસમાં સાજન ભરવાડની જામીન અરજી પર દલીલ

વકીલ મેહુલ બોઘરા અને આરોપી સાજન ભરવાડ વચ્ચેની બબાલમાં આરોપી સાજનની જામીન અરજી પર દલીલો થઈ હતી જેમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે ટીઆરબીને દંડ ઉઘરાવવાની સત્તા નથી. તે હાથમાં દંડો પણ રાખી ન શકે. જેથી સામાન્ય વર્તન દાખવવાથી હુમલો કરવાની માનસિકતા ધરાવતા અન્ય જવાનો કાયદો હાથમાં લેતા અચકાશે નહીં. જ્યારે બચાવ પક્ષે એડવોકેટ મિનેષ ઝવેરીએ આરોપીને જામીન આપવા અંગેની દલીલો કરી હતી. 9મીએ ચુકાદો આવી શકે છે.

આરોપી ખોટા કામનું ઇનામ માંગતો હોય તેવું લાગે છે:PPP
પીપીપી નયન સુખડવાલાએ કહ્યું કે, ‘આરોપી ટીઆરબીનો સુપરવાઇઝર છે અને પોલીસ સાથે સંડોવાયેલો છે. પોલીસ ડિસીપ્લીન અને શિસ્તનું ખાતુ છે. પોલીસ તરફથી લોકો સંયમ, સાહસિકતા, સમાજ ઉત્થાનની અપેક્ષા રાખે છે. આરોપી નોકરીના સિદ્ધાંતો નેવે મુકીને પૂર્વ તૈયારીઓ સાથે રિક્ષામાં પહેલાથી જ દંડો રાખીને હુમલો કરે છે. વીડિયોમાં કોઈ એવું પણ બોલે છે કે, રહેવા દે મરી જશે, તેમ છતાં આરોપીએ હુમલો શરૂ જ રાખ્યો હતો. જે હત્યાના પ્રયાસની માનસિકતા છે. બનાવ પછી આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેના મળતીયાઓ જીંદાબાદના નારા લગાવતા હતા તે બાબતને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આરોપી ન્યાયતંત્ર ઉપર દબાણ લાવી ખોટા કામનું ઇનામ માંગતો હોય તેવું લાગે છે.

પોલીસની કામગીરી પર પાણી ફેરવ્યું
પોલીસે શહેર માટે સારા કામ કર્યા છે જે સરાહનીય છે પરંતુ સાજન જેવા ટીઆરબીના માણસોને કારણે પોલીસની છબી ખરડાઇ છે, હાલમાં તપાસ ચાલુ છે અને વીડિયો ક્લીપ જ પુરાવો છે તે તમામ સંજોગો જોતા આરોપીને જામીન આપી શકાય નહીં તેવી દલીલો થઇ હતી.

તેમણે કોઈ જ વિકલ્પ અપનાવ્યા નહીં
વકીલ મેહુલ બોધરાએ કહ્યું કે, હું વીડિયો ઉતારીને હેરાન કરતો હોઉં તો પોલીસ પાસે અનેક વિકલ્પ હતા, પણ તેમણે કોઇ અપનાવ્યા નહીં અને કાયદો શું બગાડશે તેવું માનીને સરેઆમ હુમલો કર્યો છે. આવી વ્યક્તિઓ સત્તા હાથમાં લઇને કૃત્ય કરે તો ગુનાની ગંભીરતા વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...