શહેરમાં પીપીપી ધોરણે ડસ્ટબીન મુકવાની પાલિકાની પોલીસીનું જાણે બાળમરણ થઇ ગયું છે. શહેરમાં એક વર્ષ પૂર્વે એક જાણીતી મોબાઇલ શોપે શહેરમાં ઠેક ઠેકાણે લગાડેલી ડસ્ટબીનો ચોરાઇ જતા હવે નવી કોઇ એજન્સી કે સંસ્થા ડસ્ટબીનો મુકવા માટે તૈયાર થતી નથી.
આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાલિકાએ મેઇન્ટેનન્સ ખર્ચ ઘટાડવા માટે સ્વિમીંગ પુલ, ગાર્ડનો સહિતના પ્રકલ્પોને ધીમે ધીમે પીપીપી ધોરણે આપવાનું શરૂ કર્યું છે. એક વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં ડસ્ટબીનો પીપીપી ધોરણે મુકવા માટેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ મુજબ જે તે સંસ્થા-એજન્સીએ ઓછામાં ઓછી 500 ડસ્ટબીનો મુકવાની રહેશે અને આ ડસ્ટબીનો પર તેઓ જાહેરાતના હક્કો મેળવી શકશે.
આ ઠરાવ બાદ શહેરની એક જાણીતી મોબાઇલ શોપ પીપીપી ધોરણે ડસ્ટબીનો મુકવા માટે તૈયાર થઇ હતી અને 634 ડસ્ટબીનો લગાવી પણ દીધી હતી. જો કે, થોડા જ સમયમાં એક પછી એક અલગ અલગ વિસ્તારોમાંથી મોંઘીદાટ ડસ્ટબીનો ચોરાઈ જવાની શરૂઆત થઇ હતી અને હાલની સ્થિતિમાં 50 ટકાથી વધુ ડસ્ટબીનો ચોરાઇ ગઇ હોવાની માહિતી સાંપડી રહી છે. આવી સ્થિતિમાં શહેરમાં ઘણા સ્પોટ પર ડસ્ટબીન ન હોવાના કારણે લોકોએ જાહેરમાં જ કચરો નાંખવાની ફરજ પડી રહી છે.
બીજીતરફ ડસ્ટબીનો ચોરાઇ જવા મામલે આજદિન સુધી પાલિકાએ પોલીસ ફરિયાદ પણ કરી નથી. પીપીપી ધોરણે ડસ્ટબીનો આપવાના પ્રથમ કામમાં જ ડસ્ટબીનો ચોરાઇ જવાથી બીજી કોઇ એજન્સી કે સંસ્થાને ડસ્ટબીનો મુકવા માટે રસ નથી. આમ, એક જ વર્ષમાં પીપીપી ધોરણે ડસ્ટબીન મુકવાની પાલિકાની પોલીસી નિષ્ફળ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.