સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની આડોડાઈ હંમેશા ચર્ચામાં રહે છે. વિશેષ કરીને સત્તાપક્ષના ઇશારે કામ કરતા અધિકારીઓ હંમેશા ભ્રષ્ટાચારના વિવાદમાં રહેતા હોય છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા સેન્ટ્રલ અને વરાછા ઝોનના મલ્ટીલેવલ પાર્કિંગ અને પે એન્ડ પાર્કના મુદ્દે વિજિલન્સ તપાસની માંગ કરી હતી. પરંતુ અધિકારીઓ વિજિલન્સ તપાસની માંગ કરી હોવા છતાં પણ કોઇ તપાસ નથી કરી રહ્યા અને તેનો રિપોર્ટ પણ આપી નથી રહ્યા. જેને લઇને અનેક શંકા ઉભી થઇ રહી છે.
કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન
અધિકારીઓની માનસિકતાના કારણે સુરત કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. ઈજારાદાર પાસેથી જે દંડ લેવાનો હોય છે તેમની ચુકવેલી ડિપોઝિટમાંથી લઈ લેવા જોઈએ. શાસકો પોતાના ઇશારે ઇજારદારોના ડિપોઝિટમાંથી એક પણ રૂપિયાનો દંડ નથી વસૂલતા તેને કારણે કોર્પોરેશનને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સત્તાધીશો અને અધિકારીઓના મેળાપીપણામાં પોતાનો લાભ માત્ર જોઈને કોર્પોરેશનને આજે આ સ્થિતિમાં મૂકી દીધી છે. કોર્પોરેશનની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે.
કોન્ટ્રાક્ટરોને ફરી કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં કાર્યવાહીથી રોષ
સેન્ટ્રલ ઝોનની અંદર પે એન્ડ પાર્ક માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમના દ્વારા લાયસન્સ ફી ચૂકવવા માટે બે વખત ચેક આપવામાં આવ્યા હતા પરંતુ બંને વખત ચેક રિટર્ન થઈ ગયા હોવા છતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે શાસકો અને અધિકારીઓ તેમને છાવરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ફરીથી એ જ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે.
ભ્રષ્ટાચારની તપાસ શરૂ હોવા છતાં કામગીરી આપવા વિચારણા
વરાછા મીની બજાર વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગને લઈને જે કોન્ટ્રાક્ટરની સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેને ફરીથી કોન્ટ્રાક્ટ આપવાની તજવીજ હાથ ધરાઇ છે. ઇજારદારની સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ હોવા છતાં પણ શાસક પક્ષ દ્વારા તમામ નીતિ નિયમ નેવે મૂકીને તેને કોન્ટ્રાક્ટ આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટરો અને લાયસન્સ પણ ન આપી શકે તેવા ઇજારદારને બ્લેકલીસ્ટ કરવાની અને તેમની પાસેથી દંડ લેવાને બદલે કયા કારણસર શાસક પક્ષના નેતાઓ તેમને છાવરે છે તે મોટો પ્રશ્ન છે.
પ્રામાણિકતા અને તટસ્થતાપૂર્વક રિપોર્ટ તૈયાર કરવા માગ
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી રિપોર્ટ માટે માગણી કરી છે પરંતુ અધિકારીઓ તેમને કોઈ જવાબ નથી આપી રહ્યા અને વિજિલન્સ રિપોર્ટ પણ નથી કરી રહ્યા. વિજિલન્સની ટીમ શોભાના ગાંઠિયા જેવા બની ગઈ છે. વિજિલન્સની ટીમમાં જ મોટાપાયે ભ્રષ્ટાચાર થતા હોય તેવા આક્ષેપો થતાં રહે છે. જો તેઓ પ્રામાણિકતા અને તટસ્થતાપૂર્વક રિપોર્ટ તૈયાર કરે તો ઘણા બધા કોન્ટ્રાક્ટર અને ઇજારદાર સામે શિક્ષાત્મક પગલાં લેવાય શકે છે અને કોર્પોરેશનને જે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે જે થતું અટકાવી શકાય છે.
રિપોર્ટ તૈયાર થતા સમય લાગેઃ વિજિલન્સ ટીમના અધિકારી
વિજિલન્સ ટીમના અધિકારી જયેશ ચૌહાણે જણાવ્યું કે વિજિલન્સે રિપોર્ટ તૈયાર કરવા માટે કેટલા દિવસમાં તૈયાર કરવો એવો કોઈ નિયમ નથી. જે તે તપાસ ઉપર નિર્ધારિત કરે છે કે રિપોર્ટ 1 મહિના કે 6 મહિનામાં પણ આવી શકે. સંબંધિત વિભાગમાંથી જ્યારે દસ્તાવેજો આવે છે તે મુજબ કાર્યવાહી આગળ ચાલે છે. તપાસ કઈ બાબતને છે અને કયા કયા કન્ટેન્ટનું મહત્વ છે તેના આધારે રિપોર્ટ તૈયાર થતા સમય લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.