DB ઇન્વેસ્ટિગેશન:સુરતની કડોદરા GIDCની પાંચ માળની કંપનીમાં ફાયર સેફ્ટી જ નથી, એક જ દાદર હોવાથી કારીગરો ફસાયા ને આગમાં બેનાં મોત થયા

સુરત3 મહિનો પહેલા
ઈમારતમાં એક જ દાદર હોવાના કારણે ફાયર વિભાગે પણ જહેમત ઉઠાવવી પડી હતી.
  • બેઝમેન્ટમાં લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી
  • આવવા-જવાનો એક જ દાદર હોવાથી કારીગરો નીચે ન ઉતરી શક્યા
  • આગ લાગ્યાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવ્યું છે

સુરતની કડોદરા જીઆઈડીસીની વિવાહ પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી. જેમાં 100થી વધુ કારીગરે ફસાઈ ગયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી બચાવવામાં આવ્યા હતા. જોકે, આ આગન દુર્ઘટનામાં એકનું પાંચમા માળેથી કૂદતા અને એકનું બેઝમેન્ટમાં મોત નીપજ્યું હતું. ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ પાંચ માળની ઈમારતમાં ફાયર સેફ્ટી ન હતી. જ્યારે આ ઈમારતમાં આવવા અને જવા માટે એક જ દાદર હતો. જેથી આગ લાગ્યા બાદ કારીગરો ઈમારતમાંથી નીચે ઉતરી શક્યા નહીં. આ આગ દુર્ઘટનામાં કંપનીના માલિક સામે માનવ વધનો ગુનો નોંધાયો છે.શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કંપનીના માલિક જનક જોગાણી અને શૈલષ વિનુભાઈ જોગાણી સહિત દિનેશ નાથાભાઈ વઘાસિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાંચ માળની ઈમારતમાં ઈમરજન્સી એક્ઝિટ પણ ન હતું
કડોદરા જીઆઈડીસીની કંપની વિવાહ પેકેજિંગ કંપનીમાં આગના પગલે બે નિર્દોષ કારીગરોના મોત અને 50થી વધુ કર્મચારીઓ ઘાયલ થવાને કારણે સમગ્ર જિલ્લામાં આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ફાયરના ઓફિસરે દ્વારા નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે, આટલી મોટી ઈમારતમાં ફાયર સેફ્ટી જોવા મળી ન હતી. પાંચ માળની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોવી જ જોઈએ. આ બિલ્ડીંગમાં તો ઈમરજન્સી એક્ઝિટ પણ ન હતું. ઈમારતમાં એક જ દાદર હોવાના કારણે આટલી મોટી સંખ્યામાં કારીગરો ફસાઈ ગયા હતા. આ બાબતે હવે પ્રાંત અધિકારી અથવા કલેક્ટર દ્વારા પગલાં લેવાય શકે છે.

125 જેટલા ફાયર જવાનોએ આગને કાબૂમાં લેવા માટે કામગીરી કરી હતી.
125 જેટલા ફાયર જવાનોએ આગને કાબૂમાં લેવા માટે કામગીરી કરી હતી.

125 ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
કડોદરા જીઆઈડીસીની વિવાહ પેકેજિંગ કંપનીમાં બેઝમેન્ટથી લઇ ત્રીજા માળ સુધી આગ પ્રસરી હતી. ઘટના સ્થળે સુરત મનપાના 16 ફાયર એન્જિન, 01 હાઇડ્રોલિક પ્લેટફોર્મ, 01 ટર્ન ટેબલ લેડર મળી કુલ 07 ફાયર સ્ટેશનના 125 જેટલા ફાયરના જવાનો સાથે આ આગ બુઝાવવાની કામગીરી કરી હતી. 5 કલાક આગ બુઝાવવાની આ કામગીરીમાં 300 KL જેટલા પાણીથી આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઇમારતમાં 100 થી પણ વધારે કારીગરો ફસાયેલા હતા. જેમને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડરની મદદથી રેસ્ક્યૂ કરી સહી સલામત ઉતારવામાં આવ્યા હતા.

બેઝમેન્ટમાંથી આગની શરૂઆત થઈ હતી.
બેઝમેન્ટમાંથી આગની શરૂઆત થઈ હતી.

રેન્જ આઈજી દ્વારા કાયદેસરની કાર્યવાહીના આદેશ
કડોદરા જીઆઈડીસીની કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટનાને પગલે રેન્જ આઈજી ડો. રાજકુમાર પાંડિયન દ્વારા જવાબદારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીના આદેશ ફરમાવી દેવામાં આવ્યા હતા. હોનારતને પગલે બે નિર્દોષ કારીગરોના મોત અને 50થી વધુ કર્મચારીઓ ઘાયલ થવાને કારણે સમગ્ર જિલ્લામાં આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. રેજી આઈજીના આદેશ બાદ કડોદરા પોલીસ સ્ટેશનમાં વિવાહ કંપનીના માલિક જનક મધુભાઈ જોગણની વિરુદ્ધ 304ની કલમ હેઠળ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પાંચ કલાકની જહેમતે આગ કાબૂમાં આવી.
પાંચ કલાકની જહેમતે આગ કાબૂમાં આવી.

આગની ઘટનામાં પોલીસની પ્રશંસનિય કામગીરી
કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વિવાહ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં કડોદરા જીઆઈડીસીના પીઆઈ હેમંત પટેલ દ્વારા પણ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર વિભાગની સાથે કારીગરોના રેસ્ક્યૂ માટે પણ કવાયત હાથ ધરવામાં આવી હતી.

પોલીસ પણ રેસ્ક્યૂ કામગીરીમાં મદદરૂપ થઈ હતી.
પોલીસ પણ રેસ્ક્યૂ કામગીરીમાં મદદરૂપ થઈ હતી.

મૃતકના ભાઈએ કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાવી
વિવાહ પેકેજિંગ કંપનીની આગમાં કડોદરા પોલીસ દ્વારા IPC કલમ 304 મુજબ સાપરાધ મનુષ્ય વધનો નોંધાયો ગુનો છે. માલિક દ્વારા તકેદારી ન રાખી જેના કારણે બે નિર્દોષ કામદારના મોત થયા છે. અબ્દુલ કાદીર અબ્દુલ સમદ ભરવલિયા અને મોહન ક્રિપાકાન્ત અમેરી ઝાનું આગથી દાઝી જતા મોત થયું હતું. મરનાર મોહનના ભાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.