• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Rain All Night That 7 Inches Of Rain Stopped The Whole City Of Surat As Soon As He Woke Up In The Morning, See In Pictures

સુરતમાં વરસાદે મચાવ્યો કહેર:સાત ઈંચ વરસાદમાં આખું સુરત જાણે થંભી ગયું! જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, બધા રોડ પર કલાકોનો ટ્રાફિકજામ

સુરત3 મહિનો પહેલા

સુરતમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે શરૂ થયો હતો. રાત્રિ દરમિયાન મેઘાએ તોફાની તાંડવ સર્જતાં રાત્રિના સાત કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જોકે સવારે ઉઘાડ નીકળતાં પાણી ઓસરી ગયાં હતાં. સવારથી ફરીથી ધોધમાર વરસાદ વરસતાં જનજીવન તરબતર થયું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે, જેને કારણે દરેક રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

સવારથી વરસાદને પગલે ટ્રાફિકજામ સર્જાયો.
સવારથી વરસાદને પગલે ટ્રાફિકજામ સર્જાયો.

મેઘાની તોફાની સવારી
સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અચાનક રાત્રિ દરમિયાન વરસાદે તોફાની રૂપ ધારણ કર્યું હતું. મેઘતાંડવ સર્જાયું હોય એ રીતે સાત કલાકમાં સાત ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે કાદરશાની નાળ, ઉધના દરવાજા, રેલવે ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જોકે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદને કારણે જનજીવનને બહુ મોટી અસર થઈ નહોતી. સવારે પાણી ઊતરી ગયાં હતાં. બાદમાં ફરી વરસાદ શરૂ થયો છે, જેને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે રોડ રસ્તાઓ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં છે.

રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયાં.
રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયાં.

જુલાઈની ધમાકેદાર શરૂઆત
આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ, જૂન 2021 કરતાં જૂન 2022માં અડધો એટલે કે 6 ઈંચ જ વરસાદ નોંધાયો છે, જ્યારે આજથી જુલાઈ મહિનાની શરૂઆતમાં જ મેઘરાજા ધમાકેદાર શરૂઆત કરી છે. આ સાથે જ ઉકાઇ ડેમમાં સીઝનમાં પહેલીવાર પાણીની આવક શરૂ થઇ છે. રાત્રે 8 કલાકે ડેમમાં 11841 ક્યુસેક આવક હતી, જેની સામે 1050 ક્યુસેક આઉટફલો હતો. આ ઉપરાંત ડેમની સપાટી 315.37 ફૂટ હતી.

ધોધમાર વરસાદને કારણે રસ્તા પર વાહનોની લાઈન લાગી.
ધોધમાર વરસાદને કારણે રસ્તા પર વાહનોની લાઈન લાગી.

જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, કામરેજમાં 8 ઈંચ
છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં કામરેજમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉમરપાડામાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે નદી કોતરમાં પાણી દોડતું જોવા મળ્યું હતું. ગોંડલિયા ગામમાંથી પસાર વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી, જેને કારણે કોઝવે ડૂબી ગયો હતો. થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. સુરત જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.

રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

ઠેર ઠેર ખાડા પડવાની ઘટનાઓ
સુરતમાં હજુ તો વરસાદની શરૂઆત થઇ છે ત્યાં જ રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારમાં રોડ બેસી જવાની તેમજ રોડમાં ઠેર ઠેર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે. અહીં રોડ એટલી હદે બિસ્માર હાલતમાં થઇ ગયા છે કે અહીં અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે.

કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકજામ થઈ ગયો.
કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકજામ થઈ ગયો.

રોડ બેસી જવાની ઘટના બની
સુરતમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે. છેલ્લા બે દિવસથી શહેરમાં મેઘ મહેર જોવા મળી રહી છે પરંતુ બે દિવસમાં પડેલા જ વરસાદે મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી છે. બે દિવસમાં પહેલા વરસાદને લઈને શહેરના રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના કતારગામ રાશી સર્કલ પાસે રોડમાં ખાડા પડવાની તેમજ રોડ બેસી જવાની ઘટના બની હતી. અહીં રોડ-રસ્તાની હાલત એવી છે કે અકસ્માતની ઘટના પણ બની શકે તેમ છે. પહેલા જ વરસાદમાં આ પ્રકારના રોડ થઇ જતાં વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં જ તંત્રની ટીમ પણ દોડતી થઇ હતી અને અહીં કામગીરી આરંભી હતી.

બજારોના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં.
બજારોના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં.

લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે
બીજી તરફ અડાજણ વિસ્તારમાં પણ રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. અડાજણ હની પાર્ક રોડ પાસે સર્કલ નજીક રોડ બેસી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વરસાદની તો હજુ શરૂઆત થઇ છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે અહીં જો દુર્ઘટના બને તો જવાબદાર કોણ? અહીં રોડ બેસી જતાં વાહનચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે.

સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ.
સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ.
જિલ્લાની વીરા નદીમાં પૂરની સ્થિતિ.
જિલ્લાની વીરા નદીમાં પૂરની સ્થિતિ.
વીરા નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ.
વીરા નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ.
કામરેજમાં ગોઠણડૂબ પાણી ભરાયાં.
કામરેજમાં ગોઠણડૂબ પાણી ભરાયાં.

ભારે વરસાદ વચ્ચે પાલિકાની : કાલીપુલમાં મકાનનો દાદર પડી જતા 7 લોકોનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડ સતત દોડતી રહી
​​​​​​​
સેન્ટ્રલ ઝોન ખાતે 2 માળના મકાનનો દાદર પડી ગયો હતો. ફાયર વિભાગે વૃદ્ધા સહીત 7 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.મકાન પણ ધરાશાયી થાય તેવી દહેશત હતી. સ્થાનિકોનું કહેવું છે કે, દાદરનો ભાગ સમારકામ કરવાનું વિચારી રહ્યા હતા.પરંતુ ધોધમાર વરસાદ શરૂ થઈ જતાં રિપેરિંગ શકયું ન હતું.

કોસાડમાં 11 યાત્રી સાથેની સિટી બસ પાણીમાં ફસાઈ
સવારે મકાઈ પુલ ચોકથી વરિયાવ જવા નીકળેલી સિટી બસ અમરોલીમાં પાણીમાં ફસાઈ ગઈ હતી. ફાયર જવાનોએ 11 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર ઓફિસર પ્રિતેશ પટેલે જણાવ્યું કે અમે સમયસર તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા. અમારી ટીમે ત્વરિત કામગીરી આરંભી દીધી હતી.

કેનાલ રોડ પર નવા જોગર્સ પાર્ક પાસે રોડ બેસી ગયો
કેનાલ રોડ પર નવા જોગર્સ પાર્ક નજીક 8 ફૂટ રસ્તો બેસી ગયો હતો. વેડ જંકશનથી કતારગામ જતો નવો રસ્તો ધોવાઇ ગયો હતો. અડાજણ હની પાર્ક પાસે 7 ફૂટ રોડ બેસી જતાં ભૂવો પડ્યો હતો. ચોમાસા પહેલાં જ ઠેરઠેર ડ્રેનેજ, પાણી લાઈન સહિત ના કામોના ખોદકામ બાદ સરખું પુરાણ નહીં કરાતાં રસ્તા બેસી ગયા છે.