જોડાણ-વાલ્વ રિપેરીંગની કામગીરી:નવા વરાછા ઝોનમાં શનિ-રવિ 2 દિવસ પાણી પુરવઠો નહીં મળે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી ટાંકીનું હયાત ટાંકી સાથે જોડાણ-વાલ્વ રિપેરીંગની કામગીરી થશે
  • બે દિવસ પાણીનો સંગ્રહ કરી બચતપૂવર્ક ઉપયોગ કરવા અપીલ

હાલમાં વેકેશન ચાલતું હોય અને લોકો બહારગામ હોય નવા વરાછા ઝોન-બી વિસ્તારમાં પાલિકાના હાઇડ્રોલિક વિભાગ પાણી ટાંકીનું જોડાણ અને સફાઇ રિપેરીંગ કરનાર છે. જેને લીધે આગામી શનિવાર અને રવિવાર એમ બે દિવસ પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે તેથી અગાઉથી પાણી પુરવઠો સંગ્રહ કરી બચત પૂર્વક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.

નવા પૂર્વ ઝોન વિસ્તારમાં સીમાડા વોટર વર્કસ ખાતે નવી બનાવવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીની હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે જોડાણની કામગીરી, વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ના ક્લિયર વોટર સમ્પના વાલ્વ રીપેરીંગ કામગીરી અને તે સંદર્ભે સીમાડા વોટર વર્કસને લાગુ સીમાડા, પુણા તથા મગોબ અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

તેથી આગામી તા.20મીએ શનિવારના રોજ નવા વરાછા ઝોન વિસ્તાર એટલે કે, સમગ્ર પુણા, મગોબ, સીમાડા, સરથાણા, વાલક વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. તથા તા.21મી રવિવારના રોજ પણ નવા વરાછા ઝોન વિસ્તાર પુણા, મગોબ, સીમાડા, સરથાણા, વાલક વિસ્તારમાં અપાતો પાણી પુરવઠો અંશતઃ અવરોધાય તેમ છે.

કામ પૂર્ણ થતા પુરવઠો રાબેતા મુજબ ચાલુ થશે
ઓછા પ્રેશરથી નહીંવત પાણી મળવાની શક્યતા છે. જેથી જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી મેળવી સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા હાઇડ્રોલિક વિભાગે અપીલ કરી છે. તથા કામગીરી વહેલી પૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ પૂરો પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...