બિઝનેસ:જૂનું પેમેન્ટ મળે પછી જ નવો વેપાર કરાશે, ચેક પણ એડવાન્સ મેળવાશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમ્બ્રોડરી અને થ્રેડ એસોસિએશનનો નિર્ણય

ટેક્સટાઇલના વિવિધ સેક્ટર ધીરે ધીરે ખુલી રહ્યા છે, ત્યાં જુના પેમેન્ટની ઉઘરાણી પણ હવે શરૂ થઈ ગઈ છે. સુરતના એમ્બ્રોઈડરી અને થ્રેડ એસોસિએશને નવો માલ આપવા પહેલાં જૂનું પેમેન્ટ ક્લીયર કરવાનો તથા નવા વેપારી-ઉદ્યોગકારો સાથે દિવાળી સુધી વેપાર નહીં કરવા સભ્ય એમ્બ્રોડરી આગેવાનોના મત મંગાવ્યા છે.

મંગળવારે સુરત એમ્બ્રોઈડરી એન્ડ થ્રેડ એસોસિએશન દ્વારા એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં લેવાયેલા નિર્ણયો અંગે એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર સુરાના જણાવે છે કે, લોકડાઉન લાગુ પડ્યું ત્યારથી એમ્બ્રોઈડરી અને થ્રેડના સપ્લાયર કે વેપારીઓને એમ્બ્રોઈડરી ખાતાધારકોએ પેમેન્ટ આપ્યું નથી. તેથી મોટા ભાગના એમ્બ્રોઈડરી-થ્રેડના વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે.

જેને પગલે દિવાળી સુધી વેપારી અને ઉત્પાદકો કોઈ પણ નવા એમ્બ્રોઈડરી ખાતાધારકને માલ આપશે નહીં. અગાઉથી જે ખાતાધારક સાથે વેપાર ચાલે છે તેને જ માલ આપશે. જેથી જૂનું પેમેન્ટ કાઢી શકાય. ઉપરાંત, નવો માલ આપવા પહેલાં જૂના પેમેન્ટના એડવાન્સ ચેક લેવામાં આવશે. જે ખાતાધારક ચેક નહીં આપે તેઓને કોઈ પણ એમ્બ્રોઈડી કે થ્રેડનો સપ્લાયર માલ આપશે નહીં.

આ ઉપરાંત અત્યાર સુધી એમ્બ્રોઈડરી અને થ્રેડની સપ્લાય એમ્બ્રોઈડરીના કારખાનામાં કરવામાં આવતી હતી, પરંતુ હવે કોરોનાના સંક્રમણથી બચવા માટે માલની ડિલીવરી કરવામાં નહીં આવે. ખાતાધારકોએ જાતે સ્ટોક માંગવાનો રહેશે. વધુમાં એમ્બ્રોઈડરી અને થ્રેડની દુકાનો સવારે 9થી સાંજે 6 સુધી ખોલવા મત મંગાય છે.

અન્ય સમાચારો પણ છે...