સ્પાઇડમેનની સ્ટાઇલમાં દીવાલ પર લાગેલા લોખંડના પાઇપ કે વાયર વાટે ચઢી ચોરી કરતા નેપાળી રીઢાચોરને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. દોઢેક મહિના પહેલા આ ચોરે ઉધના મગદલ્લા રોડ આગમ એમ્પોરિયમ બિલ્ડિંગમાં ત્રીજા માળે પાઇપ પરથી ચઢી ટોઇલેટની વેન્ટિલેશન બારીના કાચ તોડી ટ્રાવેલ્સની ઓફિસમાંથી 6 લાખની રોકડ ચોરી કરી હતી.
આ ચોરીમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. જેમાં ચોરે મેડીકલમાંથી હાથના ગ્લોઝ લીધા હતા તેના પરથી ક્રાઇમબ્રાંચને ચોક્કસ કડી હાથ લાગી હતી. જેના આધારે રીઢાચોરને અડાજણમાંથી પકડી પાડયો છે. પકડાયેલા નેપાળી ચોર હીકમત ઉર્ફે રાજ ખડકા કેસી(ખત્રી)(25)(રહે,અડાજણ,મૂળ, નેપાળએ અત્યાર સુધીમાં 8 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
આરોપી પાસેથી રોકડ 2 લાખ જપ્ત કરાયા છે.શહેરમાં રીઢાચોરે વર્ષ 2017 અને 2018માં 2 ચોરી કરી હતી, 2019માં 5 જગ્યાઓ પર અને 2021માં એક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસથી બચવા માટે તે હાથના ફિગર પ્રિન્ટ ન આવી શકે તે માટે ગ્લોઝ પહેરી ચોરી કરતો હતો. દિવસ દરમિયાનમાં તે રેકી કરતો અને મોડીરાતે જ્યા ચોરી કરવાનો પ્લાન ઘડયો હોય તેની નજીકમાં અવાવરુ જગ્યા પર સૂઈ રહેતો અને મધરાતે ચોરીને અંજામ આપતો હતો. આરોપી ચાઇનીઝની લારી પર કામ કરતો હતો.
ચોરી કરેલી રોકડ તે મોજશોખમાં ઉડાવી દેતો
નેપાળી રીઢાચોરે ચોરી કરેલી રોકડથી ફરવા નીકળી જતો હતો એટલું જ નહિ ફરવાની સાથે રૂપિયા ખાવા-પીવા તેમજ મોજશોખમાં ઉડાવી દેતો હતો. ચોરી કરી મોટેભાગે તે ટ્રેન કે બસમાં દિલ્હી નીકળી જતો હતો. દિલ્હીમાં થોડા દિવસો હરીફરીને પાછો સુરત આવી જતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.