દુષ્કર્મ પીડિતાના આપઘાત પહેલાના CCTV:ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી યુવતી સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી, ઘરેથી મરોલી જવાનું કહીને નીકળી હતી

સુરત2 મહિનો પહેલા
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર યુવતી આપઘાતની રાત્રે દેખાઈ હતી.
  • કોઈ કામ અર્થે નવસારીથી મરોલી જવાનું કહીને યુવતી નીકળી હતી
  • હાલ પોલીસ એક પછી એક CCTV ચેક કરીને વિગતો એકઠી કરી રહી છે

વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ યુવતી પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવી છે. જેથી પોલીસ દ્વારા સમગ્ર કેસની બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આપઘાત અગાઉ આ યુવતી સુરતના રેલવે સ્ટેશન પર પણ સ્પોટ થઈ હોવાનું CCTVના આધારે સામે આવ્યું છે. સુરત રેલવે સ્ટેશનના CCTVમાં યુવતી પાછળ ગુલાબી કલરના થેલા સાથે દેખાય છે. એક વાત એવી ચાલી રહી છે કે, યુવતીનો પીછો થઈ રહ્યો હતો. જો કે CCTV પ્રમાણે યુવતી સામાન્ય સંજોગોમાં જતી હોવાનું સામે આવ્યું છે. ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની અલગ-અલગ ટીમો વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે.

CCTVથી રહસ્ય ઘેરાયું
ડાયરીના આધારે આપઘાત કરનારી યુવતી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યાં બાદ પોલીસે સમગ્ર મામલે બારીકાઈપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં યુવતી 3 તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ મરોલી ગઈ કે કેમ પરંતુ સુરત શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યાં છે. સુરતના રેલવે સ્ટેશન પર યુવતી 10.03 વાગ્યાના સમયે દેખાય છે. જેમાં યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર ગુલાબી કલરનો થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે દેખાતી યુવતીની ચાલ પણ સામાન્ય છે. એક શંકા એવી પણ છે કે, યુવતીનો કોઈ પીછો કરી રહ્યું હતું. જો પીછો કરાઈ રહ્યો હતો તો યુવતી સામાન્ય સંજોગોમાં દેખાઈ રહી છે. CCTVમાં દેખાતી બાબતો અને થતી શંકાઓથી રહસ્ય વધુ ધેરાઈ રહ્યું છે.

યુવતી સામાન્ય સંજોગોમાંથી પસાર થતી CCTVમાં જોઈ શકાય છે.
યુવતી સામાન્ય સંજોગોમાંથી પસાર થતી CCTVમાં જોઈ શકાય છે.

બસ ચાલકનું નિવેદન લેવાયું
યુવતીની ડાયરીએ ખોલ્યું રહસ્ય- યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને યુવતીએ લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. આ પછી વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા, એની પણ નોંધ ડાયરીમાં મળી આવી છે. GRPની ટીમ યુવતીને મદદ કરનારા બસચાલકને શોધી તેનું નિવેદન મળવી રહી છે.

શું હતી ઘટના
દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ આદરી હતી.

સામાજિક સંસ્થા સાથે યુવતી જોડાયેલી
મૃતક વડોદરામાં એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને પાંચ દિવસ પહેલા જ તે વડોદરાથી પોતાના ઘરે નવસારી આવી હતી. યુવતી અભ્યાસની સાથે એક સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલી હતી. આથી તે સંસ્થાના કામ માટે બહાર(મરોલી) જઈ રહી હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. તે એક દિવસમાં ઘરે પરત ફરશે આવું જણાવીને ઘરથી નીકળી હતી.

રેલવે આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ બેથી વધુ હોઈ શકે છે. આ કેસની તપાસ માટે પોલીસની 25 ટીમો કામે લાગી છે. ગુજરાત કર્ણાટક સહિત અલગ-અલગ રાજ્યોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે 450થી 500 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. આપઘાત કર્યા બાદ પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી, જેમાં યુવતી પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો મળતાં રેલવે પોલીસે તપાસ શરુ કરી છે.

રાજ્ય સરકારે પણ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.મૂળ નવસારીની અને 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી 18 વર્ષીય યુવતીની સાઇકલને રિક્ષા ચાલકે ટક્કર માર્યા બાદ બે વ્યક્તિએ બળજબરીથી રિક્ષામાં બેસાડી મોઢામાં ડૂચો મારી અને હાથ-પગ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. એક બસ ચાલક બસ પાર્ક કરવા મેદાનમાં જતા બંને ભાગી છુટ્યા હતા.

સુરતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રે યુવતી બસ સ્ટેશનમાં બસમાંથી ઊતરતી અને ત્યાર બાદ 21 મિનિટ પછી સુરત રેલવે સ્ટેશન પર જતી જોવા મળી છે. આ સમયમા તે કોઇને મળી હતી કે કેમ ? તેની તેમજ આસપાસની હોટેલમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસને કોઇ નક્કર કડી મળી નથી. પોલીસની ટીમોએ એસોસિસ સંસ્થા અને તેને સંલગ્ન સંસ્થાઓની ઓફિસમાં પણ તપાસ કરી હતી.