સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ ખાતે સુભાષ પાલેકરકૃષિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસની શિબિરમાં કેવલ્યસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અન્નદાતા સાથે જીવનદાતા બને " તેવી ભાવનાથી ગુજરાતમાં ખેડૂતોની 175 જેટલી શિબિરો યોજવાનું આયોજન કરાયું છે.આપણા બાપ દાદાઓ પાસે પશુધન વધારે હતું. જ્યારે અત્યારે આપણી પાસે પશુધન ઓછું છે. તો એક ગાયથી પણ કેટલીક ખેતી થઈ શકે એ પ્રક્રિયાને સુભાષ પાલેકર ખેતીની પ્રક્રિયા એટલે કે, એસ. પી. એન. એફ. નામથી ઓળખાય છે.
ત્રણ દિવસની શિબિર
ગાય આધારિત ખેતીથી રાસાયણિક ખાતર તથા દવાનો ખર્ચો બચે છે. ઉત્પાદન પણ વધે છે. જેનાથી ખેડુતોને તો 80 ટકા જેટલો ફાયદો પ્રથમ વાવેતરથી જ શરૂ થાય છે. ગુજરાત સરકાર દ્વારા જણાવ્યા અનુસાર 2,00,000 ઉપરાંત ખેડૂતો આ ખેતીમાં રસ ધરાવી રહ્યા છે. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, કેવલ્યસ્વરૂપ દાસજી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ સુરતના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આજ સુધીમાં સ્વામિનારાયણ ગુરુકુલ નીલકંઠધામ પોઇચા દ્વારા તેઓશ્રીએ 30 શિબિરોમાં 13,000 ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે. ત્રણ દિવસની શિબિરમાં ભાગ લેનાર ખેડૂતોને નીલકંઠ ધામ તરફથી જમવા રહેવા વગેરેની ફ્રી સેવા આપવામાં આવી રહી છે.
ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી
ગુજરાત સરકારના ખેતીવાડી આત્મા (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) વિભાગ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જુનાગઢ, અમદાવાદ, નવસારી દાંડી, રાજકોટ વગેરે સ્થાનોમાં 10,000 ખેડૂતો ઉપરાંત સરકારના અધિકારીઓને સુભાષ પાલેકર ખેતીની જાણકારી આપી છે.પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, સુભાષ પાલેકરજીને નેધરલેન્ડ અને જર્મનીની સરકારે આમંત્રિત કરી અને ખેતી વિભાગના પાઠ્યપુસ્તકનો કોર્સ બનાવવા પણ આપેલો છે. ત્યારે ભારત સરકાર પણ પૃથ્વીમાતાને તથા દેશવાસીઓને ઝેરમુક્ત ખોરાકથી બચાવવા માટે પ્રયત્ન કરી રહેલ છે. આપણે પણ " ચાલો આત્મનિર્ભર ગામડાઓથી આત્મનિર્ભર ભારત બનાવીએ."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.