બે મહિના પહેલા દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી સમયે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાનને સપોર્ટ કરતા હોવાને લઈને ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે નિશાન તાકતા ટ્વીટ કર્યું કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. જ્યારે કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, ભાજપને અધ્યક્ષ બનાવવા એક પણ ગુજરાતી ન મળ્યા? મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપ અધ્યક્ષ છે. લોકો કહે છે કે, એ માત્ર અધ્યક્ષ નથી, ગુજરાત સરકાર એ જ ચલાવે છે. રિયલ સીએમ એ જ છે.
કેજરીવાલના ગુજરાત પ્રવાસ સમયે પાટીલે નિશાન તાક્યું
હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાના લઈને પણ ટ્વીટ કર્યું હતું. ત્યારે હવે પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.
આજે ભરૂચની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા સી.આર પાટીલ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી કે, 'એમને જે મરજી હોય તે બોલતા રહે. સી.આર પાટીલને તો કોઈ પૂછતું પણ નથી. સી.આર પાટીલના કહેવાથી શું થાય છે, દિલ્હીની જનતાએ અમને ચૂંટ્યા છે, પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ચૂંટ્યા છે. આ લોકોના કહેવાથી શું થાય છે, આના પર કોમેન્ટ કરવાથી કોઈ ફાયદો નથી.'
બે મહિના પહેલા ખાલિસ્તાનનો વિવાદ છંછેડાયો હતો
પંજાબની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, દિલ્હીના સીએમ ખાલિસ્તાની સમર્થક છે, તેઓ સત્તાની લાલચમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
રાહુલ ગાંધીએ પણ કેજરીવાલ પર આરોપ લગાવ્યા હતા
આ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેજરીવાલ ઉપર આરોપ લગાવ્યા હતા. પંજાબમાં એક રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પંજાબને સ્થિર સરકારની જરૂર છે. તમે યાદ રાખજો, ભલે કઈ પણ થઈ જાય, તમને કોઈ આતંકવાદીના ઘરે કોંગ્રેસનો નેતા નહીં મળે, પરંતુ ઝાડૂના સૌથી મોટા નેતા (અરવિંદ કેજરીવાલ) ત્યા મળશે. પંજાબને જોખમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.