વિધાનસભાની ચૂંટણીને લઈને હવે રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ સુરતમાં ઉતરવાની શરૂ થશે. આવતીકાલે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાઓનું આયોજન કરાયું છે. જેમાં મોટા નેતાઓ ચૂંટણી સભાને ગજવશે.
પરપ્રાંતિય વિસ્તારમાં સભા
યોગી આદિત્યનાથ સુરતના ગોડાદરા વિસ્તારની અંદર સભા સંબોધશે. આ વિસ્તારમાં હિન્દીભાસી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ગોડાદરા, આસપાસ, ડીંડોલી સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવામાં આવશે. એવી જ રીતે લિંબાયત નીલગીરી સર્કલની આસપાસ મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ખૂબ જ વધુ છે. લિંબાયત, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોની અંદર મરાઠી મતદારોને રીઝવવા માટે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી પ્રચારની કમાન સોંપવામાં આવી છે.
પાટીદાર ગઢમાં મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને કામ સોપાયું
સુરતની પાટીદાર પ્રભાવવાળી બેઠકો ઉપર મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા સભાને સંબોધિત કરશે. વરાછા, કતારગામ અને કરંજ વિસ્તારમાં સભાનું આયોજન કરાયું છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવાને કારણે ખરાખરીનો જંગ ઉભો થયો છે. ત્યારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાની જવાબદારી વધી જાય છે. આ ત્રણેય બેઠકો ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનની અંદર જે પ્રકારનું પરિણામ આવ્યું હતું. ત્યારબાદ વિધાનસભામાં પણ જો એ પ્રકારનું મતદાન થાય તો ભાજપ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે. તેથી ડેમેજ કંટ્રોલ માટે મનસુખ માંડવી અને પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારમાં સભા સંબોધીને કામ શરૂ કરશે.
નીતીન પટેલ અને ભુપેન્દ્ર પટેલ પણ સભા સંબોધશે
ઉધના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના લોકો અને મહેસાણાના પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં નીતિન પટેલ જાહેર સભાને સંબોધશે. તેમજ મજુરા વિધાનસભા બેઠક ઉપર ભુપેન્દ્ર પટેલ સભાને સંબોધિત કરશે. સુરત પશ્ચિમ બેઠક ઉપર અનુરાગ ઠાકુર પ્રચાર માટે આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.