લાજપોર જેલમાં ગેંગવોરની ઘટના સામે આવી હતી. કેદીઓ એ લોહીયાળ ખેલ ખેલતા જેલ તંત્ર ચોંકી ઉઠ્યું હતું. અદાવત રાખી કેદી પર હુમલો કરવામાં આવ્યો હતો.પાંચ દિવસ પહેલા જ મારામારીના ગુનામાં જેલમાં ગયેલા વિશાલ વાઘ ગેંગના નિર્મલ પરમાર પર નરેન્દ્ર ઉર્ફે કબુતર અને તેના સાગરીતોએ તેલના ડબ્બાના પતરાથી હુમલો કર્યો હતો અને સ્ટીલની ડીશ પણ માથામાં મારી હતી.
હુમલાની આ ઘટનાને લીધે જેલમાં માહોલ ગરમાયો હતો અને જેલ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે નરેન્દ્ર ઉર્ફે કબુતર અને તેના સાગરીતો સામે મારામારીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. લિંબાયતમાં રહેતો નિર્મલ ઉર્ફે લાલુ મહેન્દ્રસિંહ પરમારે 15 દિવસ પહેલા જ લિંબાયત સંજય નગરમાં મારામારી કરી હતી. લિંબાયત પોલીસે પાંચ દિવસ પહેલા નિર્મલની ધરપકડ કરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો.સજા દરમિયાન નિર્મલ લાજપોર જેલના બેરેક નં. એ-9-3માં રહેતો હતો તેની બાજુના બેરેક નં.એ-9-4માં નરેન્દ્ર ઉર્ફે કબુતર અને તેના માણસો રહેતા હતા.
શુક્રવારે સવારે નિર્મલ બંને બેરેકના કોમન સંડાસ-બાથરૂમમાં શૌચક્રિયા માટે જતો હતો ત્યારે બાથરૂમ પાસે નરેન્દ્ર કબૂતર અને તેની સાથે સાગર ઉર્ફે ફુટકો લોંઢે અને સાગર કોળી પણ ઊભા હતા. આ ત્રણેયએ નિર્મલ પર હુમલો કર્યો હતો. સાગર ઉર્ફે ફુટકો અને સાગર કોળીએ નિર્મલને પકડી રાખ્યો હતો જ્યારે નરેન્દ્રએ ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. નિર્મલે બૂમાબૂમ કરતા નરેન્દ્રએ તેલના ડબ્બાના પતરા વડે હુમલો કરી દીધો હતો. સાગર કોળીએ નિર્મલના માથામાં જમવાની સ્ટીલની ડિશ મારીને હુમલાખોરો ભાગી ગયા હતા.
જૂની અદાવત દાઢમાં રાખીને હુમલો કરાયો
2019માં નિર્મલ હાફ મર્ડરના કેસમાં જેલમાં આવ્યો ત્યારે વિશાલ વાઘની સાથે રહેતો હતો જે વાતની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. શુક્રવારની ઘટનાને પગલે લાજપોર જેલના સિપાહીઓ આવી જતાં નિર્મલને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.