બંટી-બબલી ઝડપાયા:સુરતમાં રોકાણની સામે અઢી ટકા કમિશન અપાવવાના નામે લોકો સાથે રૂ. 1.19 કરોડની છેતરપિંડી, દંપતીની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
18થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી.
  • ક્રિપ્ટો કરન્સી અને શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા નુકશાન ગયું હોવાની કબૂલાત

સુરતના સરથાણા વિસ્તારમાં ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે અસંખ્ય રોકાણકારોને નિવેશ કરાવી પ્રતિમાસ અઢી ટકા કમિશન અપાવવાની લાલચે રૂપિયા 1.19 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં સુરત ઇકો શેલ દ્વારા બંટી બબલીની જોડીની ધરપકડ કરી છે. લોકોની મહેનત પરસેવાની મુડીનું કંપનીમાં રોકાણ કરાવી તે મૂડી ક્રિપ્ટો કરન્સી અને શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા નુકશાન ગયું હોવાની કબૂલાત બંટી બબલીએ પોલીસ પૂછપરછમાં કરી છે. બંટી બબલીની જોડીએ અસંખ્ય રોકાણકારો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાની શક્યતાના પગલે સુરત ઇકો શેલ દ્વારા રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

18થી વધુ લોકોએ બંટી બબલીની વાતોમાં આવી નાણાંનું રોકાણ કર્યું
સરથાણા, વરાછા સહિતના વિસ્તારોમાં રહેતા 18 જેટલા રોકાણકારોએ પ્રતિમાસ અઢી ટકાના કમિશન મેળવવાની લાલચે અડાજણની ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડ નામની કંપનીમાં કુલ 1.19 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અડાજણ વિસ્તારમાં આવેલા સિદ્ધગીરી બિલ્ડિંગમાં રહેતા બંટી બબલીની જોડી જયેશ નાગર અને તેની પત્ની પિંકી નાગરના કહેવા પ્રમાણે તમામ રોકાણકારોએ પોતાના મહેનત પરસેવાની કમાણી આ કંપનીમાં નિવેશ કરી હતી. તમામ રોકાણકારોને પ્રતિમાસ 2.5 ટકાનો નફો થશે તેવી લોભામણી સ્કીમ બંટી બબલીની જોડીએ આપી હતી. જ્યાં 18થી વધુ લોકોએ બંટી બબલીની વાતોમાં આવી નાણાંનું રોકાણ કર્યું હતું.

ઓફિસ અને ઘરોને પણ તાળા મારી ભાગી ગયા
સમય વિતવા છતાં રોકાણકારોને કોઈપણ પ્રકારનું કમિશન અથવા મૂડી પણ મળી નહોતી. જ્યાં બંને બંટી બબલીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓની ઓફિસ અને ઘરોને પણ તાળા લાગ્યા હતા. છેતરપિંડીના ભોગ બનેલા લોકોએ સરથાણા પોલીસ મથકમાં અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં છેતરપિંડીનો ભોગ બનેલા 18થી વધુ લોકો હોવાનું જાણવા મળતાં કેસની તપાસ સુરતની ઇકો શેલને સોંપવામાં આવી હતી. ઇકો સેલ દ્વારા આ મામલે ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

ભાડાનું ઘર પણ રાતોરાત ખાલી કરી પલાયન થયા
બંટી બબલીના ઘરે અને ઓફિસના સ્થાને ઇકો સેલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે બંનેએ અડાજણ ખાતે આવેલા પોતાનું ભાડાનું ઘર પણ રાતોરાત ખાલી કરી પલાયન થઈ ગયા હતા. આ વચ્ચે ઇકો સેલની ટીમને માહિતી મળી હતી કે બંટી બબલીનો પુત્ર સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. જ્યાં પુત્રની ધોરણ 11ની પરીક્ષાની માર્કશીટ લઈ ગયેલ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પુત્રની માર્કશીટ લેવા માટે નાગર દંપતી શાળાએ ચોક્કસ આવશે તેવી શક્યતાના પગલે ઇકો શેલની ટીમ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી હતી.

પત્નીની પૂછપરછ બાદ પતિની પણ ધરપકડ કરવામાં આવી.
પત્નીની પૂછપરછ બાદ પતિની પણ ધરપકડ કરવામાં આવી.

સ્કૂલમાં પુત્રની માર્કશીટ લેવા આવતા મહિલા ઝડપાઈ
બંટી બબલીના બંને મોબાઈલ પણ સ્વિચ ઓફ આવી રહ્યા હતા. જેથી ઇકો સેલ માટે આ બંટી બબલીની જોડીને પકડી પાડવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ શાળાએ વોચમાં રહેલી ઇકો શેલની ટીમને અંતે સફળતા મળી હતી અને શાળાએ પુત્રની માર્કશીટ લેવા માટે આવી પહોંચેલી પિંકી નાગરને ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી.

પતિની અમદાવાદથી ધરપકડ કગરવામાં આવી
સુરત ઇકો સેલ દ્વારા પિંકી નાગરની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જ્યાં ફરાર પોતાના પતિ જયેશ નાગર અંગેની પૂછપરછ કરતા તે અમદાવાદના નરોડા ખાતે આવેલા સમૃદ્ધિ સ્કાય એપાર્ટમેન્ટ ખાતે છુપાયો હોવાની હકીકત તેણીએ જણાવી હતી. જેથી ઇકો શેલની એક ટીમે અમદાવાદ ખાતે જયેશના નાગરને ઝડપી પાડી સુરત લઈ આવી હતી. સુરત ઇકો શેલ દ્વારા જયેશ નાગરની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પોતે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલ જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.

ક્રિપ્ટો કરન્સી અને શેરબજારના ઇન્ડેક્સમાં રોકાણ કરતાં નુકસાન
પતિ-પત્ની ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડ નામથી કંપની ચલાવતા હતા. જે કંપનીમાં અલગ-અલગ લોકોને અઢી ટકાના નફાની લાલચ આપી નિવેશ કરાવતા હતા. જ્યાં હમણાં સુધી કુલ 18થી વધુ લોકોને કંપનીમાં નિવેશ કરાવી કુલ 1.19 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની કબૂલાત તેણે ઇકો સેલ સમક્ષ કરી હતી. અલગ-અલગ લોકો પાસેથી નિવેશ કરાવવામાં આવેલ કરોડોની રકમ બંને દંપતીએ ક્રિપ્ટો કરન્સી અને શેરબજારના ઇન્ડેક્સમાં રોકાણ કરતાં નુકસાન ગયા હોવાનું ઇકો શેલની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું.

નુકશાન ગયાની વાર્તા પોલીસના ગળે ઉતરતી નથી
ઇકો સેલ એસીપી વિરજીતસિંહ પરમારે જણાવ્યું કે સુરતની આ પતિ-પત્નીની જોડીએ 18થી વધુ લોકોની 1.19 કરોડ રૂપિયા જેટલી મૂડી ચાઉ કરી ગઈ છે. જે મૂડી ક્રિપ્ટો કરન્સી અને શેરબજાર ઇન્ડેક્સમાં રોકાણ કરવાના કારણે નુકશાનમાં ગયા હોવાની વાર્તા કરી રહી છે જે વાત પોલીસના ગળે ઉતરે તેમ નથી. જેને લઈ સુરત ઇકો સેલ દ્વારા બંટી બબલીની ઊંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ પ્રકારે અસંખ્ય લોકો જોડે પતિ પત્નીએ છેતરપિંડી આચરી છે. જ્યારે પોલીસ તપાસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શકયતા છે.