ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ હવે બરાબર જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપની સાથે સાથે અન્ય રાજકીય પક્ષોએ પણ પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ત્યારે 159 પૂર્વ વિધાનસભમાં AIMIMની સભા હતી. જેમાં અસુદ્દીન ઓવૈસીની સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો. રૂદરપુરા ખાડી વિસ્તારમાં ઓવૈસીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકત્રિત થયા હતા. જો કે આ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ મતદાન હોવાને કારણે ઓવૈસીની નજર આ બેઠક ઉપર છે.ત્યાં જ ઔવેસીનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ઓવૈસી પરત જાવ નારા લાગ્યા
AIMIMના નેતા ઓવૈસી સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં સભાને સંબોધતા હતા. આ બેઠક પર AIMIM પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. આ બેઠક ઉપર જો મુસ્લિમ કાર્ડ ચાલી જાય તો તેમને સફળતા મળે તેવી પણ શક્યતા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે તેમની સભામાં જ ભારે હોબાળો થયો હતો. મુસ્લિમ યુવકોએ નારા લગાવીને ઓવૈસીનો વિરોધ કર્યો હતો. પરત જાવ..પરત જાવના નારા લાગ્યા હતા.
કોંગ્રેસ સમર્થનથી યુવાનોએ વિરોધ કર્યો
કોંગ્રેસ દ્વારા આ બેઠક ઉપરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારાયો છે. અસ્લમ સાયકલવાલા કોંગ્રેસના ઉમેદવાર છે. અસ્લમને ઉમેદવાર બનાવતા હવે આ વિધાનસભા બેઠકો પર મુસ્લિમો કોંગ્રેસના ઉમેદવારને કે AIMIMના ઉમેદવારને મત આપે છે. તે જોવાનું રસપ્રદ રહેશે. અસ્લમ સાયકલવાલા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. હવે આ બેઠક ઉપર મુસ્લિમ વચ્ચે પણ ટકરાવ જોવા મળશે.
યુવાનો કટ્ટરતા તરફ નહીં જાય: સાયકલવાલા
સુરતના યુવાનો ખૂબ જાગૃત થઈ ગયા છે. ઓવૈસી કટ્ટરવાદની રાજનીતિ કરે છે. ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ઓવૈસીની પાર્ટી. મને મારા ધર્મના યુવાનો ઉપર વિશ્વાસ છે કે, તેઓ આવી પાર્ટીનો સમર્થન નહીં કરે. ઓવૈસીની સભામાં જે વિરોધ પ્રદર્શન થયું છે. તેને સમર્થન આપું છું. આવા કટ્ટરવાદી વિચારધારા વાળા નેતા સાથે કોઈએ રહેવું જોઈએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.