ગોપીપુરાના એક એપાર્ટમેન્ટમાં મુસ્લિમોએ 3 ફ્લેટ ખરીદતા વિવાદ ઉભો થયો છે. રાજકારણી, પોલીસ અને કલેક્ટર કચેરીના અધિકારીઓની સાંઠગાંઠમાં અશાંતધારાનો ભંગ કરી આ મકાનો ખરીદયા હોવાના આક્ષેપ કરાયો છે. સોમવારે ગોપીપુરાના જૈનો અને હિન્દુઓએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે ન્યાયિક પ્રક્રિયાઓ તથા ધારાસભ્ય અરવિંદ રાણા અને કોર્પોરેટર વ્રજેશ ઉનડકટની વાંધા અરજીને અવગણીને નાયબ કલેક્ટર, સબ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ તથા સિટી પ્રાંતે 25 જુલાઈએ સંયુક્ત રીતે મિલકત ટ્રાન્સફર મંજૂર કરી છે.
સૌ કોઈ જાણે છે કે ગોપીપુરા હિન્દુ અને જૈનોની બહુમતિ વસ્તી ધરાવે છે. અહીં પૌરાણિક તીર્થસ્થાનો આવેલા છે. મોટી સંખ્યામાં વસતા હિન્દુ અને જૈનોની વાંધા અરજી હોવા છતાં મુસ્લિમ અરજદાર માટે મિલકત ટ્રાન્સફરના કાયદાની વિરુદ્ધ ઓર્ડર મંજૂર કરાયો છે. જેનો સ્થાનિકોએ વિરોધ કરી ઓર્ડરને ફેરવિચારણા માટે લેવા માંગ પણ કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં આ પ્રકારનો વિવાદ ફરી સર્જાય નહીં.
જૈનોને ન્યાયિક આંદોલનની ફરજ પડશે
શ્રી ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધક સમિતિના નેજા હેઠળ કલેક્ટરને રજૂઆત કરી કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરાઈ હતી. અન્યથા જૈનોએ મૂળ અસ્તિત્વ, માલિકીની મિલકતો બચાવવા ન્યાયિક આંદોલન કરવાની ફરજ પડશે એવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોપીપુરાના સુનિષ એપાર્ટમેન્ટના 11 પૈકી 3 ફ્લેટ મુસ્લિમ સમુદાયે ખરીદ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.