કોરોના કાળમાં હત્યા-લુંટ અને ચીટિંગ સહિતના ગુનાઓમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. સેશન્સ કોર્ટમાં દાખલ ગુનાઓને જોઇએ તો હત્યાના ગુના તો 150 ટકા સુધી વધ્યા છે. વકીલ ઉપરાંત મનોચિકિત્સકો કહે છે કે આ પિરિયડમાં મોટાભાગના ગુના પાછળ નાણાકીય કારણો જવાબદાર છે. પરપ્રાંતિયોથી ઊભરાતા વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ કોરોના કાળમાં વધ્યુ હતું. હાલ મોટાભાગના કેસો હવે સેશન્સમાં આવ્યા છે અને ચાર્જશીટો પણ રજૂ થઈ છે. એડવોકેટ શ્વાતી મહેતા જણાવે છે કે મહિલાઓ પર થતાં અત્યાર હોય કે બીજા ગુના એ તમામમાં આર્થિક તો કેટલાંકમાં સામાજિક કારણો પણ જોવા મળ્યા છે.
5 મહિનામાં જ ગુના વધ્યાં
વર્ષ 2022ના 5 મહિનાના કેસ પર નજર નાંખીએ તો તેની સંખ્યા 344 છે. અગાઉ 2018 કે 19 કે 20ના વર્ષ દરમિયાન જેટલાં કેસો દાખલ થયા છે તેના 80 થી 90 ટકા જેટલાં કેસ હાલના પાંચ જ મહિનામાં દાખલ થઈ ગયા છે.
પોક્સો અને અન્ય સહિત કુલ 3326 ગુના
વર્ષ 2018થી અત્યાર સુધીના પોક્સો કોર્ટ અને સેશન્સ કોર્ટના દાખલ થયેલાં ગુના પર નજર દોડાવીએ તો માલુમ પડશે કે છેલ્લાં સાડા ચાર વર્ષમાં કુલ 3326 જેટલાં ગુના નોંધાયા છે. સુરતમાં કુલ 15 જેટલી સેશન્સ કોર્ટ છે. પોક્સો કેસની વાત કરીએ તો હાલ 626 જેટલા કેસ પેન્ડિંગ છે. જ્યારે હત્યા સહિતના ગુનાઓના કુલ 2737 જેટલાં કેસ પેન્ડિંગ છે. વર્ષ 2021માં તો ચિટિંગ-લુંટ સહિતના ગુનાઓ પાછલા વર્ષની સરખામણીમાં 300 ટકા વધ્યા હતા. એડવોકેટ અશ્વિન જોગડિયા કહે છે કે સરકારી વકીલ હોય કે કોર્ટ દરેકનો પ્રયાસ રહ્યો છે કે કેસોનો મેરિટ પર થોડી ઝડપ સાથે નિકાલ કરવામાં આવે.
હત્યા, લુંટ, છેતરપિંડી
વર્ષ | કેસ |
2018 | 435 |
2019 | 519 |
2020 | 336 |
2021 | 1103 |
2022 | 344 |
હત્યાના કેસ
વર્ષ | હત્યા |
2018 | 62 |
2019 | 75 |
2020 | 48 |
2021 | 134 |
2022 | 41 |
(અહીં રજૂ કરાયેલા હત્યા, લૂંટ સહિતના ગુનાના તમામ આંકડા મે-2022 સુધીના છે)
કેસોનો ઝડપથી નિકાલનો પ્રયાસ કરાઇ રહ્યો છે
‘સેશન્સમાં દાખલ થયેલા કેસોનો ઝડપથી નિકાલનો પ્રયાસ થઈ રહ્યો છે. બળાત્કાર-પોક્સોના કેસોમાં સુરતમાં સૌથી વધુ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.’ - નયન સુખડવાલા, મુખ્ય જિલ્લા સરકારી વકીલ
કેસ 150 ટકા સુધી વધ્યાં, 2019 કરતાં બમણાં થયા
સેશન્સ કોર્ટમાં દાખલ થયેલા હત્યા કેસથી ખબર પડે છે કે કોરોનાકાળના 2021માં 134 કેસ છે, જે 2020 કરતા 150 ગણા અને 2019 કરતા બમણાં છે. કેટલાંક ક્રિમીનલ એક્ટિવ થયા હતા. > નરેશ ગોહિલ, એડવોકેટ
ગુના પાછળ આર્થિક સંકડામણ જ મુખ્ય કારણ
‘કોરોનાકાળમાં જે ગુના વધ્યાં તેની પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતીદેતી છે. આર્થિક બાબતો પરના ઝઘડા વધુ હતા. સામાન્ય બોલાચાલી પણ ગંભીર બની. એવુ કહી શકાય.’ > કેતન રેશમવાલા, એડવોકેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.