સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પોલીસે આરોપી ગુડુકુમાર વધેશ યાદવને સીસીટીવી આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપીએ નશાની હાલતમાં બાળકી પર બદકામ આચર્યું હતું. આરોપીના ફોનમાંથી પોર્ન ક્લિપ્સ પણ મળી આવી છે.
બાળકીનું ગળું દબાવી અને માર મારી મોતને ઘાટ ઉતારી
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, વડોદ ગામમાં જ રહેતા આરોપી ગુડુકુમાર વધેશ યાદવ (ઉ.વ.આ.40)ને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ બિહારનો રહેવાસી છે અને ઘણા વર્ષોથી સુરતમાં રહે છે. આરોપીના ફોનમાંથી પોર્ન ક્લિપ પણ મળી આવી છે. આરોપી પરિણીત અને બે બાળકનો પિતા છે. પરિવારથી અલગ સુરતમાં રહે છે. બાળકીનું ગળું દબાવી અને માર મારી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ પોતાના રૂમ પર ન જઈને બીજાને ત્યાં રહેતો હતો.
બાળકીનું દુષ્કર્મ દરમિયાન મોત થયું હોવાની આશંકા
સડી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહને લઈ હત્યાનું ચોક્કસ કારણ સામે ન આવતાં વિશેરા લેબમાં મોકલવામાં આવ્યો છે. એવું પણ અનુમાન કરાઈ રહ્યું છે કે દુષ્કર્મ દરમિયાન તેનું મોત થયું હોય શકે છે. જોકે ચોક્કસ કારણ વિશેરાના રિપોર્ટ બાદ જ કહી શકાય. દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાલીઓએ સાવચેત રહેવું જરુરી
આ પ્રકારના બનાવો ભવિષ્યમાં બનતા રોકવા માટે તમામ વાલીઓએ સાવચેત રહેવું જરુરી છે. જેમાં કોઈપણ અજાણી જગ્યાએ કે સોસાયટીમાં બાળકોને એકલા ના છોડવા જોઈએ, તેમ જ કોઈ અજાણી વ્યકિત દેખાય તો તેના પર પણ નજર રાખવી, અજાણી વ્યકિત સાથે બાળક ના જાય તે માટે પણ બાળકને જરુરી સમજ આપવી.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખુલાસો
દિવાળીની રાત્રે જ અઢી વર્ષની બાળકી ઘરઆંગણેથી જ ગુમ થવાને લઈને પોલીસ દોડતી થઈ હતી. 100થી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહ્યા હતા. ગત રોજ વડોદ ગામમાં ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અપહરણ-હત્યાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે બાળકીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.
બાળકીને લઈ જતો આરોપી સીસીટીવીમાં કેદ
ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. કોહવાયેલ ગયેલી હાલતમાં મળેલા મૃતદેહને વિશેરા લેબમાં મોકલવામાં આવ્યા છે. નરાધમ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયાં હતાં. અજાણ્યો નરાધમ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો છે.
બાળકીના ઘરની આસપાસ ઝાડી-જંગલ છે
પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં અઢી વર્ષની બાળકી દિવાળીની રાતથી ગુમ થઈ હતી. બાળકીના પિતા મિલમાં મજૂરીકામ કરે છે. બે બાળકીમાં આ મોટી દીકરી હતી. ઘરઆંગણે રમતાં રમતાં ગુમ થઈ ગઈ હતી. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી.
સીસીટીવી પણ ચેક કરાયા હતા
બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાયા હતા. PCB, DCB સહિતની ટીમો તહેવારો છોડી કામે લાગી હતી. 100થી વધુ પોલીસ જવાન દીકરીના ફોટો લઈ ગલી ગલીએ ફરી હતી. આ સાથે લોકોને પણ કોઈપણ પ્રકારની માહિતી મળે તો પોલીસ કે પોલીસ કન્ટ્રોલનો સંપર્ક કરે એવી વિનંતી કરવામાં આવી હતી.
આ પ્રકારના બનાવો રોકવા માટે વાલીઓએ શું સાવચેતી રાખવી જોઈએ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.