ક્રાઇમ:સરથાણામાં કરિયાણાની દુકાનમાં ચોરી કરવા ઘુસેલા યુવકની હત્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચોરને માર મારનારાઓએ પોલીસને કહ્યું ઉપરથી પટકાતા મોત થયું, પોસ્ટમોર્ટમમાં ભાંડો ફૂટતા 5ની ધરપકડ કરાઇ

સરથાણા વિસ્તારમાં ચોરી કરવા ઘુસેલા ચોરને દુકાન સહિતનાઓએ ઢોર મારીને હત્યા કરી હતી. પછી પોલીસને જાણ કરી કે ચોર ઉપરથી પડતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પાંચની ધરપકડ કરી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની ગૌતમસિંગ જુગતસિંગ રાજપુરોહિત હાલમાં લસકાણા ગામમાં આવે રામદેવ નગરમાં રહે છે. લસકાણામાં જ ડાયમંડનગરમાં તેમની કરિયાણાની દુકાન છે. 6 નવેમ્બરે રાત્રે દોઢેક વાગે એક ચોર તેમની કરિયાણાની દુકાનમાં ચોરી કરવા ઘુસ્યો હતો.

ચોરે દુકાનના પાછળના ભાગનું પતરૂં તોડીને અંદર ઘુસીને ચોરી કરી હતી. ચોર કરિયાણાની દુકાનમાં જ હતો ત્યારે દુકાનમાં કામ કરનારા તથા ગૌતમસિંગના સંબંધીઓ મદનસિંગ અખેસિંગ રાજપુરોહિત, સવાઇસિંગ રાજપુરોહિત અને દિપસિંગ રાજપુરોહિત દુકાનમાં રાત્રે સુવા જતા ચોરને પકડી લીધો હતો. ચોરને ઢોર માર મારવામાં આવ્યો હતો. ચોરનું નામ 35 વર્ષીય સતીષ વજુભાઈ પરમાર હતું. સતીષ પરમારની સાથે અન્ય એક ચોર હતો તે નાસી ગયો હતો. બધાએ લાકડાના ફટકાથી સતીષને ગંભીર ઇજા પહોંચાડી હતી. સતીષ ભાગવા જતા આઠેક ફુટ ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી.

ત્યારે દુકાનમાં હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે દુકાન પર હાજર લોકો અને સતીષને માર મારનારાઓએ પોલીસને કહ્યું કે તેઓ ચોરને પકડવા ગયા પરંતુ તે નીચે પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે સતીષને લઈ જવાયો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. શરૂમાં પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોસ્ટ મોર્ટમમાં ખબર પડી કે સતીષને માર મારવામાં આવ્યો તેથી તેનું મોત નિપજ્યું છે. પોલીસે સતીષની માતા મંગુબેન પરમારની ફરિયાદ લઈને આરોપી ગૌતમસિંગ, સવાઇસિંગ, મદનસિંગ, વિક્રમસિગ, દીપસિંગ, રામલાલ અને અર્જુન વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ પોલીસે ગૌતમસિંગની ફરિયાદ લઈને સતીષ વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...