છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરત જિલ્લામાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને લૂંટ, ચોરી, હત્યાની ઘટનાને ગુનેગારો બેખોફ રીતે અંજામ આપી રહ્યા છે, ત્યારે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ત્યારે આ ગ્રીષ્માનો મૃતદેહ બે દિવસથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા નથી. પિતા આફ્રિકાથી રવાના થઈ ગયા છે. તેઓ આવ્યા બાદ જ અંતિમસંસ્કાર કરવામાં આવશે.
ઘટના શું હતી?
પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.
માતા-પિતા દીકરીની હત્યાથી અજાણ
ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકામાં છે. ત્યાંથી તેઓ સુરત આવવા રવાના થઈ ગયા છે. પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિ કરાશે. હાલ તો પિતાને તેમને ભાઈનો અકસ્માત થયો હોવાનું કહેવાયું છે. પિતાને દીકરીની હત્યાની જાણ કરવામાં આવી નથી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લીધી હતી
અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપીને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે એ માટે હૈયા ધરપત આપી હતી. હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે, જેથી મજબૂત પૂરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે કે જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.