ગ્રીષ્મા પંચમહાભૂતમાં વિલીન:હત્યાના ચોથા દિવસે CMએ પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરી, હત્યારાને ફાંસીની માગ; સરકાર પાછીપાની નહીં કરેઃ મુખ્યમંત્રી

સુરત7 મહિનો પહેલા
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
  • દિવ્યાંગ માતા-પિતાને સવારે જ ગ્રીષ્માની હત્યાની જાણ કરતાં બેભાન થઈ ઢળી પડ્યાં
  • અંતિમયાત્રામાં માનવમેદની ઊમટી પડી, ઈજાગ્રસ્ત ભાઈએ મુખાગ્નિ આપ્યો
  • હત્યારાને ફાંસી આપવા લોકોની માગ

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આજે ચોથા દિવસે પિતા આફ્રિકાથી આવ્યા બાદ ગ્રીષ્માના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. દરમિયાન હત્યા થયાના ચોથા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રીષ્માના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરી હતી. જેમાં પરિવારજનો દ્વારા હત્યા ફેનિલને ફાંસીની સજાની માગ કરી હતી. મુખ્યમંત્રી દ્વારા ઝડપી ન્યાયની ખાતરી આપવામાં આવી હતી. આ સાથે સરકાર પાછીપાની નહીં કહે તેવું પરિવારને જણાવ્યું હતું.

ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશેઃ મુખ્યમંત્રી
પાસોદરા ખાતે થયેલી હત્યાના પ્રકરણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે વીડિયો કોલ કરીને વાત કરી હતી. જેમાં તેમણે પરિવારને ખૂબ જ ઝડપથી ન્યાય આપવા માટેની વાત કરી છે અને આશ્વાસન આપ્યું છે કે ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે. તપાસ એજન્સી ઝડપથી તપાસ કરીને ગ્રીષ્માની હત્યા પ્રકરણની અંદર ન્યાય અપાવવા માટે પ્રયાસ કરશે. મુખ્યમંત્રીએ ગ્રીષ્માના પિતા સાથે ફોન પર વાતચીત કરી તેમજ અન્ય સભ્યો સાથે પણ વાત કરી હતી. સરકાર આ કેસમાં પાછીનાપી નહીં કરે તેવું આશ્વાસન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ ગ્રીષ્માના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરી.
મુખ્યમંત્રીએ ગ્રીષ્માના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરી.

મૃતદેહ પાસે માતા-પિતાએ આક્રંદ કર્યું
સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ હતી. બીજી તરફ અંતિમયાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી.મૃતદેહ પાસે માતા-પિતાએ આક્રંદ કર્યું હતું. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.બીજી તરફ સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી.

ભાઈએ જવતલ હોમવાની જગ્યાએ ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.
ભાઈએ જવતલ હોમવાની જગ્યાએ ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.

ભાઈએ અગ્નિદાહ આપ્યો
ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમવિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી.

માતા-પિતાએ ભારે હૈયે દીકરીને વિદાય આપી.
માતા-પિતાએ ભારે હૈયે દીકરીને વિદાય આપી.

લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી
ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

સ્મશાનમાં આવેલા લોકોએ પણ આકરી સજાની માગ કરી હતી.
સ્મશાનમાં આવેલા લોકોએ પણ આકરી સજાની માગ કરી હતી.

ફાંસીની માગ કરાઈ
સ્મશાનમાં આવેલા લોકોએ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી ે જ જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. દીકરીઓ સલામત ન હોવા પર લોકોએ કહ્યું હતું કે દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે એ માટે આકરી સજા થાય એ જરૂરી છે.

સ્મશાન પાસે આવેલા અશ્વિનીકુમાર સર્કલ પર લાંબી લાઈનો લાગી ગઈ હતી.
સ્મશાન પાસે આવેલા અશ્વિનીકુમાર સર્કલ પર લાંબી લાઈનો લાગી ગઈ હતી.

બે કિલોમીટર લાંબી લાઈન લાગી
સ્મશાનયાત્રામાં લોકો બાઈક અને કાર સહિતનાં વાહનોમાં જોડાયા હતાં, જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક તરફથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

રસ્તામાં લોકો અંતિમયાત્રામાં સ્વયંભૂ જોડાયા હતાં.
રસ્તામાં લોકો અંતિમયાત્રામાં સ્વયંભૂ જોડાયા હતાં.

અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી. મહિલાઓ મોટી સંખ્યામાં આવી હતી. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો. સુરતથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ હતી. ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની અંતિમ યાત્રા નીકળી હતી.

રસ્તામાં બે હાથ જોડી લોકોએ વિદાય આપી હતી.
રસ્તામાં બે હાથ જોડી લોકોએ વિદાય આપી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
પાસોદરા ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિનીકુમાર સ્મશાન સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્મશાનમાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. કામરેજ, સરથાણા, કાપોદ્રા, વરાછા અને કતારગામ અને ટ્રાફિકના તમામ સેક્ટરને જે તે વિસ્તારની પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.આ વિસ્તારના એસીપી, ડીસીપી, અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી.સ્મશાન લઈ જવાતા રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.

સ્મશાન યાત્રાના રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.
સ્મશાન યાત્રાના રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.

ઘટના શું હતી?
12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

મૃતક ગ્રીષ્મા પોલીસ-ઇન્સ્પેક્ટર બનવા માગતી હતી.
મૃતક ગ્રીષ્મા પોલીસ-ઇન્સ્પેક્ટર બનવા માગતી હતી.

માતા દીકરીના મોતથી અજાણ
ગ્રીષ્માનાં માતા વિલાસબેનને છેક સુધી અજાણ રખાયા હતા. પિતા નંદલાલભાઈને પહેલા ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી સુરત આવવા કહ્યું હતું. જોકે ત્યાર બાદ દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિની કામગીરી કરવામાં આવી હતી.

ફેનિલ ગ્રીષ્માને છેલ્લા 1 વર્ષથી હેરાન કરતો હતો.
ફેનિલ ગ્રીષ્માને છેલ્લા 1 વર્ષથી હેરાન કરતો હતો.

દીકરીની હત્યાથી અજાણ માતા જાગે એટલે રાડો પાડે છે
આખી ઘટનાથી માતા અજાણ હતા,હજુ પણ ઊંઘમાંથી જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં, પોતા મારી દે, ઘરકામ પત્યું કે નહીં, એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. ભગવાન આ આઘાતમાંથી નીકળવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ.

હત્યા પહેલાં ગ્રીષ્માએ ફેનિલ પીછો કરતો હોવાનું જણાવ્યું હતું.
હત્યા પહેલાં ગ્રીષ્માએ ફેનિલ પીછો કરતો હોવાનું જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લીધી હતી
અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે એના માટે હૈયા ધરપત આપી હતી. હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે, જેથી મજબૂત પુરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે, જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.